Gujarati News

Gujarati News

News of Saturday, 17th February 2018

નિરવની ર૯ પ્રોપર્ટી-૧૦પ બેંક ખાતાઓ જપ્ત કરાયા

કૌભાંડી સામે નવા એન્ટી બ્લેકમની એકટ હેઠળ કાર્યવાહીઃ મોદી અને તેના મળતીયાઓની ૧પ૦ જેટલી શેલ કંપનીઓ સાથે સાંઠગાંઠ

નવી દિલ્હી તા.૧૭ : જવેલરી ડિઝાઇનર અને પંજાબ નેશનલ બેંકને ચુનો લગાવનાર નિરવ મોદી માટે મુશ્કેલીના દિવસો શરૂ થયા છે. આવકવેરા વિભાગે મોદી, તેમના પરિવાર અને કંપનીઓની ર૯ જેટલી પ્રોપર્ટી તથા ૧૦પ જેટલા બેંક ખાતાઓ જપ્ત કર્યા છે. આવકવેરા વિભાગે કરચોરીની તપાસ પણ શરૂ કરી દીધી છે. આવકવેરા વિભાગે તેની સામે નવા એન્ટી બ્લેકમની એકટ હેઠળ કાર્યવાહી શરૂ કરી છે. જેમાં વિદેશમાં ગેરકાનૂની રીતે મિલ્કત ધરાવવાની બાબતનો સમાવેશ થાય છે.

નિરવ મોદીની મિલ્કતો સિંગાપુરમાં હોવાની શકયતા છે. જે એકટ હેઠળ કાર્યવાહી શરૂ થઇ છે તેમાં ૧ર૦ ટકા ટેકસ અને પેનલ્ટી ઉપરાંત ૧૦ વર્ષની જેલની સજાની જોગવાઇ છે. આ ઉપરાંત આવકવેરા વિભાગે મોદી વિરૂધ્ધ મુંબઇની સ્પેશ્યલ કોર્ટમાં કલમ-ર૭૬ સી-૧, ર૭૭-એ, ર૭૮-બી, ર૭૮-ઇ હેઠળ ચાર્જશીટ દાખલ કર્યુ છે. કોર્ટ આ કેસ ર૭મી ફેબ્રુઆરીએ હાથ ઉપર લેશે.

આવકવેરા વિભાગે મોદી, તેની પત્નિ અમી અને તેની કંપનીઓની મુંબઇ, સુરત, જયપુર, દિલ્હીમાં આવેલી સ્થાવર મિલ્કતોના એટેચમેન્ટની નોટીસો પણ ફટકારી છે. મોદી અને તેમના પરિવાર તથા કંપનીઓના ૧૦પ જેટલા બેંક ખાતાઓ જપ્ત કરવામાં આવ્યા છે. તપાસમાં એવી બાબત પણ ખુલી છે કે, કરોડોપતિ નિરવ મોદી, તેમના સંબંધીઓ અને સાથીઓ ૧પ૦ જેટલી શેલ કંપનીઓ સાથે પણ જોડાયેલા છે. હવે ઇડીથી માંડીને બધી તપાસ એજન્સીઓ તપાસમાં જોડાઇ ગઇ છે.

(9:41 am IST)