Gujarati News

Gujarati News

News of Tuesday, 18th January 2022

ગાંગુલી-વિરાટ વચ્ચે મતભેદ હોવાનો પાક.ના પૂર્વ સુકાનીનો દાવો

ટેસ્ટ શ્રેણી બાદ નેતૃત્વ છોડી કોહલીએ બધાને ચોંકાવ્યા : બોર્ડ સાથે જ્યારે તમારા મતભેદો હોય ત્યારે કેપ્ટનશિપ છોડવાની સ્થિતિ પણ આવતી હોવાનો રશીદ લતિફનો દાવો

નવી દિલ્હી, તા.૧૮ : વિરાટ કોહલીએ સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ સિરિઝ બાદ ટેસ્ટ ટીમની કેપ્ટનશિપ છોડવાનો નિર્ણય કરીને બધાને ચોંકાવી દીધા હતા. પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન અને વિકેટ કીપર રશીદ લતિફે હવે આ મામલામાં એવો દાવો કર્યો છે કે, ભારતીય ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ સૌરવ ગાંગુલી અને વિરાટ કોહલી વચ્ચે મતભેદો છે.બંને ભલે જાહેરમાં ના કશું કહેતા હોય પણ તેમને એક બીજાની સાથે બનતુ નથી.

લતિફના કહેવા પ્રમાણે બોર્ડ સાથે જ્યારે તમારા મતભેદો હોય ત્યારે કેપ્ટનશિપ છોડવાની સ્થિતિ પણ આવતી હોય છે.કેટલાક લોકો ઈમનોશનલ હોય છે.કોહલી પણ તેમાંનો એક છે.બોર્ડ જાણે છે કે, કોહલીને કેવી રીતે ઉશ્કેરવો...પહેલા કોહલીએ ટી-૨૦ ટીમની કેપ્ટનશિપ છોડવાની જાહેરાત કરી ત્યારે બોર્ડે તેને વન ડે ટીમના કેપ્ટન તરીકે પણ હટાવી દીધો હતો.આવુ કરીને ભારતીય ક્રિકેટ બોર્ડે ભારતના ક્રિકેટ જગતમાં અસ્થિરતા સર્જી દીધી છે.આ બંને દિગ્ગજો વચ્ચેની લડાઈ છે.જાહેરમાં તેઓ શું કહે છે તેનાથી કોઈ ફરક પડતો નથી. ઉલ્લેખનીય છે કે, કોહલી વન ડે ટીમના કેપ્ટન તરીકે ચાલુ રહેવા માંગતો હતો.

(8:04 pm IST)