Gujarati News

Gujarati News

News of Tuesday, 18th January 2022

ગણતંત્ર દીને આતંકવાદીઓની નરેન્‍દ્રભાઇને નિશાન બનાવવાની યોજના : ગુપ્‍તચર એજન્‍સીઓ સતર્ક

નવ પાનાના ઇન્‍ટેલિજન્‍સ ઇનપુટમાં ષડયંત્ર અંગે એલર્ટ

નવી દિલ્‍હી, તા.૧૮: ગુપ્તચર એજન્‍સીઓને પ્રજાસત્તાક દિવસ પર સંભવિત આતંકી ષડયંત્ર અંગે એલર્ટ મળ્‍યું છે. જેમાં વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ અને અન્‍ય મહાનુભાવોના જીવ જોખમમાં હોવાનું કહેવાય છે. મીડિયા અહેવાલો અનુસાર ગુપ્તચર માહિતીના નવ પાનાને પીએમ મોદી અને ભારતના ૭૫માં ગણતંત્ર દિવસની ઉજવણીમાં હાજરી આપનાર હસ્‍તીઓ માટે ખતરો ગણાવ્‍યો છે.
પાંચ મધ્‍ય એશિયાઈ દેશો કઝાકિસ્‍તાન, કિર્ગિસ્‍તાન, તાજિકિસ્‍તાન, તુર્કમેનિસ્‍તાન અને ઉઝબેકિસ્‍તાનના નેતાઓને ગણતંત્ર દિવસ પર મુખ્‍ય અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવે તેવી શકયતા છે. નોંધમાં કહેવામાં આવ્‍યું છે કે આ ખતરો પાકિસ્‍તાન/અફઘાનિસ્‍તાન તથા પાકિસ્‍તાનની બહાર સ્‍થિત જૂથો તરફથી છે.
રિપોર્ટ અનુસાર આતંકવાદી સંગઠનોનો ઉદ્દેશ્‍ય મોટી હસ્‍તીઓને ટાર્ગેટ કરવાનો, સાર્વજનિક મેળાવડા, મહત્‍વપૂર્ણ સંસ્‍થાઓ અને ભીડવાળા વિસ્‍તારોમાં અશાંતિ ફેલાવવાનો છે. ડ્રોનથી પણ હુમલો કરવાનો પ્રયાસ થઈ શકે છે. ઈનપુટમાં કહેવામાં આવ્‍યું છે કે આતંકી ધમકી પાછળ લશ્‍કર-એ-તૈયબા, ધ રેઝિસ્‍ટન્‍સ ફોર્સ, જૈશ-એ-મોહમ્‍મદ, હરકત-ઉલ-મુજાહિદ્દીન અને હિઝબુલ-મુજાહિદ્દીન જેવા આતંકવાદી સંગઠનો છે.
ઈનપુટમાં કહેવામાં આવ્‍યું છે કે પાકિસ્‍તાન સ્‍થિત ખાલિસ્‍તાની જૂથો પણ પંજાબમાં આતંક ફેલાવવા માટે કેડર્સને એકત્ર કરી રહ્યા છે. તેઓ પંજાબ અને અન્‍ય રાજ્‍યોમાં પણ લક્ષિત હુમલાની યોજના બનાવી રહ્યા છે. ફેબ્રુઆરી ૨૦૨૧માં મળેલા ઈનપુટ્‍સ અનુસાર ખાલિસ્‍તાની આતંકવાદી જૂથો પ્રવાસન સ્‍થળો પર હુમલો કરવાની યોજના બનાવી રહ્યા છે.

 

(3:57 pm IST)