Gujarati News

Gujarati News

News of Tuesday, 18th January 2022

સુવરના દિલ જ નહીં ફેફસા અને કીડની પણ મનુષ્યના શરીરમાં ફીટ થઈ શકે છે !

ડો. ધનીરામ બરૂઆએ ૨૫ વર્ષ પહેલા સુવરનું હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કર્યુ'તુઃ અમેરિકાએ બરૂઆના દાવાને આગળ વધાર્યા પરંતુ આપણા દેશના ડોકટરને જવુ પડયુ'તુ જેલમાં : ડો. બરૂઆ કોરોના વેકસીન ઉપરાંત એચઆઈવી, ડાયાબીટીસ, હાર્ટને લગતી ૨૩ દવાઓ બનાવી ચૂકયા છેઃ આઈસીએમઆર તેમની કોરોનાની દવાનું પરીક્ષણ કરી રહી છે

ગુવાહાટી, તા. ૧૮ :. અમેરિકાના યુનિવર્સિટી ઓફ મેરીલેન્ડ મેડીકલ સેન્ટરના ચિકિત્સક સુવરના હૃદયને મનુષ્યમાં પ્રત્યારોપિત કરી ભલે આ મામલાને દુનિયાનો પ્રથમ ગણાવે પરંતુ હકીકત કંઈક બીજી છે. આસામના જાણીતા મેડીકલ રીસર્ચર અને હાર્ટ સર્જન ડો. ધનીરામ બરૂઆએ આ સર્જરી ૨૫ વર્ષ પહેલા કરી હતી !

સુવરનું હૃદય જ નહીં ફેફસા, કીડની અને પિતાશય પણ મનુષ્યના શરીરમાં લગાવી શકાય છે. સુવર સંપૂર્ણપણે સ્વસ્થ અને તબીબી પરીક્ષણોમાં પાસ છે. ડો. બરૂઆ કહે છે કે અઢી દશક પહેલાના તેમના દાવાઓને હવે અમેરિકાએ હવે આગળ વધાર્યા છે પરંતુ તેમને પોતાના દેશમાં જ આ માટે જેલમાં જવુ પડયુ હતું.

ડો. ધનીરામે ૧ જાન્યુઆરી ૧૯૯૭ના ૧૦૦થી વધુ શોધ પછી સુવરનું હૃદય એક વ્યકિતમાં ટ્રાન્સપ્લાન્ટ કર્યુ હતું. ડો. બરૂઆએ આ સર્જરી હોંગકોંગના પોતાના સહયોગી ડોકટર સાથે કરી હતી. જે વ્યકિતમાં હાર્ટ લગાવાયુ હતુ તેને પહેલેથી જ કેટલાય પ્રકારનું સંક્રમણ હતુ. ઓપરેશનના ૭ દિવસ પછી તેનુ મૃત્યુ થયુ હતું. આ મામલામાં બન્ને ડોકટરોની ધરપકડ થઈ હતી.

ડો. બરૂઆ કહે છે કે ૧૯૯૫માં જ મેં કહ્યુ હતુ કે અંગોની સંરચના અને બિમારીઓના મામલે સુવર મનુષ્યથી ખૂબ નજીક છે. સુવરના અંગ આકાર પ્રકાર મનુષ્ય જેવા હોય છે. આમ તો વાંદરા પણ મનુષ્યના નજીકના પ્રાણી છે, પરંતુ તેમના અંગો આકાર મુજબ નાના હોય છે.

ડો. બરૂઆના સહયોગી ડો. ગીતા કહે છે કે ત્યારે અમને સરકારે આગળ વધવા ન દીધા જો ત્યારે યોગ્ય તપાસ પછી અમને પ્રોત્સાહીત કરાયા હોત તો અસંખ્ય લોકોની જીંદગી બચી શકી હોત.

ઉલ્લેખનીય છે કે ડો. બરૂઆના નેતૃત્વમાં તેમના રીસર્ચ સેન્ટરમાં કોરોના વેકસીન ઉપરાંત એચઆઈ વી, ડાયાબીટીસ, હાર્ટ અને અન્ય રોગો સંબંધીત ૨૩ પ્રકારની દવા બનાવાઈ છે. જે માત્ર ઈન્જેકશનથી હાર્ટ બ્લોકેજ ખોલી દે છે. આઈસીએમઆર તેમની કોરોનાની દવાનું પરીક્ષણ કરી રહ્યુ છે.

(2:59 pm IST)