Gujarati News

Gujarati News

News of Tuesday, 18th January 2022

ડોકટરો સ્ટીરોઇડ ટાળે : બે-ત્રણ અઠવાડિયા સુધી ઉધરસ ન મટે તો ટીબી અથવા અન્ય રોગ માટે ટેસ્ટીંગ કરાવવું

કેન્દ્ર દ્વારા કોરોના સારવારની નવી ગાઇડલાઇન જાહેર : સ્ટીરોઇડવાળી દવાઓનો વધુ માત્રામાં અથવા લાંબા સમય સુધી ઉપયોગ મ્યુકોર્માયકોસીસ અથવા બ્લેક ફંગસ જેવા સેકેન્ડરી સંક્રમણનું જોખમ વધારી શકે

નવી દિલ્હી તા. ૧૮ : કેન્દ્ર સરકારે સોમવારે કોવિડ -૧૯ ની સારવાર અંગે તેની કિલનિકલ માર્ગદર્શિકામાં સુધારો કર્યો છે. સૌથી મોટી વાત એ છે કે આ નવી ગાઈડલાઈન્સમાં સરકારે ડોકટરોને કોવિડ દર્દીઓની સારવારમાં સ્ટેરોઈડનો ઉપયોગ ટાળવા કહ્યું છે.

સરકારનો આ નિર્ણય એવા સમયે આવ્યો છે જયારે થોડા દિવસ પહેલા જ ટાસ્ક ફોર્સના વડા વીકે પોલે કોરોનાના બીજી લહેરમાં સ્ટેરોઈડ દવાઓના વધુ પડતા ઉપયોગ પર ખેદ વ્યકત કર્યો હતો. જણાવી દઈએ કે, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય હેઠળના ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS), ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)-કોવિડ-૧૯ નેશનલ ટાસ્ક ફોર્સ અને જોઈન્ટ મોનિટરિંગ ગ્રૂપ (DGHS) દ્વારા સંશોધિત માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે.

સુધારેલી માર્ગદર્શિકામાં જણાવવામાં આવ્યું છે છે કે સ્ટીરોઈડ ધરાવતી દવાઓને વધુ માત્રામાં અથવા લાંબા સમય સુધી ઉપયોગ કરવામાં આવે તો મ્યુકોર્માયકોસીસ અથવા બ્લેક ફંગસ જેવા સેકેન્ડરી સંક્રમણનું જોખમ વધારી શકે છે.

નવી માર્ગદર્શિકામાં, કોરોનાના હળવા, મધ્યમ અને ગંભીર લક્ષણો માટે વિવિધ દવાઓના ડોઝની ભલામણ કરવામાં આવી છે. તે ઉપરાંત એવું પણ કહેવામાં આવ્યું છે કે જો કોઈની ખાંસી બે-ત્રણ અઠવાડિયા સુધી સારી ન થઈ રહી હોય, તો તેણે ટીબી અથવા અન્ય કોઈ રોગ માટે ટેસ્ટિંગ કરાવવું જોઈએ.

જો કોવિડના લક્ષણો ઉપલા શ્વસન માર્ગમાં ઉદ્દભવે છે અને દર્દીને શ્વાસ લેવામાં અથવા હાયપોકિસયાની સમસ્યા નથી, તો તેને હળવા લક્ષણોમાં રાખવામાં આવે છે અને તેને હોમ આઇસોલેશનમાં સારવાર લેવાની સલાહ આપવામાં આવી છે. હળવા લક્ષણો ધરાવતા દર્દીઓને જો પાંચ દિવસથી વધુ સમય સુધી શ્વાસ લેવામાં તકલીફ હોય અથવા ઉંચો તાવ હોય અથવા તીવ્ર ઉધરસ હોય તો તેમને ડોકટર પાસે જવાની સલાહ આપવામાં આવે છે.

જયારે જો દર્દીમાં ઓકિસજન સંતૃપ્તિ ૯૦ થી ૯૩ ટકાની વચ્ચે વધઘટ થઈ રહી છે અને તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે, તો તેમને હોસ્પિટલમાં દાખલ કરવા જોઈએ. આ મધ્યમ લક્ષણો છે અને આવા દર્દીઓને ઓકિસજન સપોર્ટ આપવો જોઈએ.જો દર્દીને શ્વસન દર ૩૦ પ્રતિ મિનિટથી ઉપર હોય અને તે સાથે શ્વાસ લેવામાં તકલીફ હોય અને રૂમના તાપમાને ઓકિસજન સંતૃપ્તિ ૯૦ ટકાથી નીચે હોય તો તે ગંભીર લક્ષણ તરીકે ગણવામાં આવશે અને દર્દીને ICUમાં દાખલ કરવો જોઈએ કારણ કે તેમને શ્વાસ લેવામાં ઓકિસજનની જરૂર પડશે. બિન-આક્રમક વેન્ટિલેશન (NIV)- હેલ્મેટ અને ફેસ માસ્ક ઈન્ટરફેસ જેમને વધુ ઓકિસજનની જરૂર પડશે અને શ્વાસ ધીમો હોય તેમની જરૂરિયાત મુજબ ફીટ કરવામાં આવશે.

સુધારેલા માર્ગદર્શિકા હળવાથી ગંભીર લક્ષણો ધરાવતા દર્દીઓમાં રેમડેસિવરના કટોકટી અથવા 'ઓફ લેબલ' ઉપયોગને મંજૂરી આપે છે. તેનો ઉપયોગ ફકત એવા દર્દીઓ પર જ થઈ શકે છે જેમણે કોઈ લક્ષણો હોવાના ૧૦ દિવસની અંદર 'રેનલ' અથવા 'હિપેટિક ડિસફંકશન'ની ફરિયાદ કરી નથી.

(2:56 pm IST)