Gujarati News

Gujarati News

News of Tuesday, 18th January 2022

પંજાબમાં ચૂંટણી ટાણે બેંકો મુશ્કેલીમાં: ખેડૂતોએ હપ્તા ભરવાનું બંધ કરી દીધું

નવી આવનારી સરકાર લોન માફીની સ્કીમ જાહેર કરશે તેવી ગણતરી સાથે ખેડૂતો લોનના હપ્તા નથી ભરી રહ્યા

નવી દિલ્હી, તા.૧૮: પંજાબમાં ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થઈ ગયો છે. જોકે, તેમાં ખેડૂતોને લોન સ્વરુપે બેંકોએ આપેલા રુપિયા સવલાઈ ગયા છે. તાજેતરમાં જ પટિયાલા સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકે સુપ્રીમ કોર્ટને જણાવ્યું છે કે નવી સરકાર કોઈ યોજના લાવી રાહત આપશે તેવી આશાએ ખેડૂતો લોનના હપ્તા નથી ભરી રહ્યા. છેલ્લા બે દાયકાથી પંજાબમાં આવો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. સત્ત્।ા મેળવવા માટે વિવિધ ખેડૂતોએ લીધેલી લોનમાં રાહત આપવા સહિતના રાજકીય પક્ષો ચૂંટણી ટાણે વચનોની લ્હાણી કરે છે. જેના કારણે સરકારી તેમજ સહકારી બેંકોના નાણાં સલવાઈ જાય છે.

આ મામલો બેંક દ્વારા નોકરીમાંથી ૨૦૦૫માં હાંકી કાઢવામાં આવેલા રોજમદારોને વળતર ચૂકવવાનો હતો. જેમાં બેંકના વકીલે સુપ્રીમને જણાવ્યું હતું કે બેંક હાલ એવી આર્થિક સ્થિતિમાં નથી કે તે નોકરીમાંથી દૂર કરાયેલા રોજમદારોને જંગી વળતર ચૂકવી શકે. આ કેસમાં પંજાબ-હરિયાણા હાઈકોર્ટે ૨૦૦૫થી મહિને ૨૦ હજાર રુપિયાનું વળતર વાર્ષિક છ ટકા વ્યાજ સાથે ચૂકવવાનો આદેશ કર્યો છે. આવા ૧૨ કેસ હાલ હાઈકોર્ટમાં પેન્ડિંગ છે.

સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના આદેશને યોગ્ય ગણાવ્યો હતો. જોકે, બેંકના વકીલે એવી દલીલ કરી હતી કે બેંક આટલી મોટી રકમ ચૂકવી શકવાની સ્થિતિમાં નથી. તેના બદલે વળતર તરીકે ૧ લાખ ચૂકવવા કોર્ટ આદેશ કરે. જોકે, તેની સામે ફરિયાદ પક્ષના વકીલે વાંધો ઉઠાવ્યો હતો.

આ મામલે કોર્ટમાં રજૂઆત કરતાં બચાવ પક્ષના વકીલે કહ્યું હતું કે, કોઓપરેટિવ બેંકમાંથી લોન લેનારા ખેડૂતોએ હપ્તા ભરવાનું બંધ કરી દીધું છે. તેમને આશા છે કે જે નવી સરકાર બનશે તે કોઈ સ્કીમ જાહેર કરીને ખેડૂતોને દેવામાં રાહત આપશે. તેના કારણે બેંક પહેલાથી જ આર્થિક ભાર હેઠળ દબાયેલી છે. તેવામાં જો વર્ષો પહેલા નોકરીમાંથી દૂર કરાયેલા રોજમદારોને મોટી રકમ ચૂકવવાની આવશે તો બેંક પડી ભાંગશે.આ દલીલથી કોર્ટમાં પણ સોંપો પડી ગયો હતો. ત્યારબાદ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડ અને સૂર્ય કાંતની બેન્ચે આદેશ કર્યો હતો કે જો બેંક જ નહીં બચે તો ફરિયાદી કયાં નોકરી કે વળતર મેળવશે? જો બેંકે દેવાળું ફુંકયું તો ફરિયાદીને કશુંય નહીં મળે. કોર્ટે હાઈકોર્ટનો ચુકાદો યથાવત રાખતા બેંકને બે મહિનાની અંદર તે જેટલા સમય માટે નોકરી પર નહોતો તેટલા સમયના વળતર તરીકે ૧ લાખ ચૂકવવા હુકમ કર્યો હતો.

(3:34 pm IST)