Gujarati News

Gujarati News

News of Tuesday, 18th January 2022

દરેક વ્યકિતનું રસીકરણ નહી થાય ત્યાં સુધી કોરોનાના નવા વેરીયન્ટ આવતા રહેશે

યુનોના મહામંત્રીએ કહ્યુ છે કે ૨૦૨૨નું વર્ષ સુધારાનું વર્ષ બનવુ જોઈએ

યુનો, તા. ૧૮ :. યુનોના મહામંત્રીએ વિશ્વ નેતાઓને ૨૦૨૨ને સુધારનો યોગ્ય અવસર બનાવવાનું આહવાન કર્યુ છે. તેમણે કહ્યુ છે કે કોવિડ-૧૯ મહામારીનો સામનો સમાનતા અને નિષ્પક્ષતા સાથે કરવો જોઈએ. તેમણે ચેતવણી આપી છે કે જ્યાં સુધી આપણે દુનિયાના દરેક વ્યકિતનું રસીકરણ નહી કરીએ ત્યાં સુધી કોરોનાના નવા વેરીયન્ટ આવતા રહેશે. આ વેરીયન્ટ લોકોના જીવન અને અર્થતંત્રને ઠપ્પ કરતા રહેશે.

વિશ્વ આર્થિક મંચના ઉદઘાટન સત્રને સંબોધન કરતા તેમણે આમ જણાવ્યુ હતુ. તેમણે કહ્યુ હતુ કે છેલ્લા બે વર્ષમાં એક સાધારણ પરંતુ સત્ય હકીકત બહાર આવી છે કે આપણે કોઈની પાછળ પડીએ તો આપણે બધાને પાછળ છોડી દઈએ છીએ. તેમણે કહ્યુ છે કે આ વર્ષને મહામારી સામે મુકાબલા માટે લડતનું વર્ષ હોવુ જોઈએ.

તેમણે ભારપૂર્વક કહ્યુ હતુ કે એ શરમજનક છે કે ઉચ્ચ આવકવાળા દેશોમાં રસીકરણનો દર આફ્રિકી દેશોનું સરખામણીમાં ૭ ગણો વધુ છે. તેમણે સ્પષ્ટ કર્યુ હતુ કે જો દરેકે દરેક વ્યકિતનું રસીકરણ નહી થાય ત્યાં સુધી નવા નવા વેરીયન્ટ આવતા રહેશે.

(11:06 am IST)