Gujarati News

Gujarati News

News of Tuesday, 18th January 2022

સત્તાવાર મૃત્યુઆંક ૧૦૦૯૪ : કોરોના વળતરની ૯૦,૦૦૦ અરજી આવી

૬૮૦૦૦ને તો સરકારે રૂ. ૫૦,૦૦૦નું વળતર ચુકવી પણ દીધું : આંકડાની માયાજાળ વચ્ચે ૪૨૩૪ અરજીઓ ફગાવી દેવાઇ : હજુ ૧૭૦૦૦ ચકાસણી હેઠળ

નવી દિલ્હી તા. ૧૮ : કોવિડ-૧૯ માટે રૂ. ૫૦,૦૦૦ ના વળતરની ચૂકવણીની માંગ કરતી અરજીઓની સંખ્યા ગુજરાતની સત્તાવાર કોવિડ મૃત્યુની સંખ્યા ૧૦,૦૯૪ (જાન્યુઆરી ૧૬ સુધી) ને નવ ગણી વટાવી ગઈ છે. આ આંકડા રાજય સરકારે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યા છે.

પોતાના કમ્પ્લિઆન્સ રિપોર્ટમાં, રાજય સરકારે સર્વોચ્ચ અદાલતમાં રજૂઆત કરી હતી કે, તેમને ૧૬ જાન્યુઆરી સુધીમાં કોવિડ-૧૯ પીડિતોના સંબંધીઓ તરફથી વળતરની માંગ કરતી ૮૯,૬૩૩ અરજીઓ મળી છે. તેમાંથી, સરકારે પહેલેથી જ ૬૮,૩૭૦ દાવાઓને મંજૂરી આપી છે. જયારે ચકાસણી બાદ ૪,૨૩૪ અરજીઓ ફગાવી દીધી છે. જો કે, ૧૭,૦૦૦ થી વધુ અરજીઓ હજુ ચકાસણી પ્રક્રિયા હેઠળ છે.

અન્ય ઘણી રાજય સરકારોની જેમ ગુજરાત સરકાર પણ ઓકટોબરમાં સુપ્રીમ કોર્ટ દ્વારા પસાર કરાયેલા આદેશના જવાબમાં કોવિડ મૃત્યુ વળતરની ચૂકવણી કરવાની પોતાની પ્રક્રિયા વિશે નિયમિતપણે SCને માહિતગાર કરે છે. અગાઉ, રાજય સરકારે સ્ક્રુટીની પ્રક્રિયા અપનાવી હતી, પરંતુ રાજય સરકારના નોટિફિકેશનને એડવોકેટ અમિત પંચાલે પડકાર્યું હતું. જેને લઈને સર્વોચ્ચ અદાલતે રાજય સરકારના કાન આમળ્યા હતા અને ખૂબ જ આકરૂ વલણ અપનાવ્યું હતું. જયારે સરકારે સુપ્રીમ કોર્ટ દ્વારા સ્પષ્ટ માર્ગદર્શિકા હોવા છતા વળતરની ચૂકવણી માટે આકરા નિયમો ઘડ્યા હતા અને પ્રક્રિયાને વધુ ગુંચવણ ભરી બનાવી હતી. સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલ માર્ગદર્શિકા મુજબ વળતરના દાવા માટે પોઝિટિવ RT-PCR ટેસ્ટનો રિપોર્ટ અને ૩૦ દિવસની અંદર દર્દીનું મૃત્યુ એ બંને મુખ્ય પાત્રતાની આવશ્યકતાઓ હોવાનું જણાવાયું હતું.

પોતાના સત્તાવાર મૃત્યુઆંકની તુલનામાં લગભગ નવ ગણા વધુ કોવિડ-૧૯ મૃત્યુના દાવાઓ સ્વીકારવા છતાં, રાજયના આરોગ્ય વિભાગના બુલેટિનમાં કોવિડ મૃત્યુદર અપડેટ કરવામાં આવ્યો નથી. બુલેટિન મુજબ. ૧૭ જાન્યુઆરી સુધીમાં ગુજરાતમાં ૧૦,૧૬૪ કોવિડ દર્દીઓના મોત નોંધાયા છે. કુલ મૃત્યુ પૈકી ૫૩્રુ મૃત્યુ એકલા અમદાવાદ અને સુરત જિલ્લામાં નોંધાયા છે. રાજયના આરોગ્ય વિભાગના ટોચના સૂત્રોએ ભારપૂર્વક જણાવ્યું હતું કે સરકાર કોવિડ મૃત્યુના આંકડા માટે ICMR માર્ગદર્શિકાનું પાલન કરે છે.

'ICMR માર્ગદર્શિકા સ્પષ્ટ હતી – જેમને પહેલાથી જ કોઈ કોમોર્બિડિટીઝ હોય અને ઉંમર સંબંધિત સમસ્યાઓ હોય તેમના મૃત્યુને કોવિડ મૃત્યુ આંકમાં સામેલ કરવામાં આવ્યા ન હતા. આમ, જેઓ માપદંડમાં બંધબેસતા હતા તેઓને જ મહામારીના કારણે મૃતઆંકમાં ગણવામાં આવ્યા હતા.' એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, આ સમયગાળા દરમિયાન ૨૦૨૦ અને ૨૦૨૧ બંનેમાં બીજા તમામ કારણે મૃત્યુમાં પણ વધારો જોવા મળ્યો છે- જો કે સંખ્યા નક્કી કરવાનો ઇનકાર કર્યો હતો.

તાજેતરમાં પ્રસિદ્ઘ કરવામાં આવેલા એક રિસર્ચ પેપર 'કોવિડ મોર્ટાલિટી ઈન ઇન્ડિયાઃ નેશનલ સર્વે ડેટા એન્ડ હેલ્થ ફેસિલિટી ડેથ્સ' સાયન્સ જર્નલના તાજેતરના અંકમાં પ્રકાશિત થયું છે અને તે કેનેડા, ભારત અને યુએસના ૧૧ સંશોધકો દ્વારા લખવામાં આવ્યું છે અને દાવો કર્યો હતો કે ૨૦૨૧ માં એકંદરે મૃત્યુના તમામ કારણો ૨૦૧૮-૧૯ની સરખામણીએ ગુજરાતમાં ૨૩૦% વધુ હતું - જે સર્વેક્ષણ હેઠળના ભારતીય રાજયોમાં સૌથી વધુ છે.

અનુમાન મુજબ, ગુજરાતમાં મૃત્યુઆંક એપ્રિલ-મે ૨૦૨૧ દરમિયાન સરેરાશ ૧૭,૦૦૦ પ્રતિ માસથી વધીને ૩૯,૦૦૦ પ્રતિ મહિને નોંધાયો હતો. સર્વેક્ષણ હેઠળના ૧૬ ભારતીય રાજયોમાં આ સૌથી વધુ હતું.

(10:28 am IST)