Gujarati News

Gujarati News

News of Tuesday, 18th January 2022

વાયુસેનાએ પંજાબ સેકટરમાં પ્રથમ S-400 ડિફેન્સ મિસાઈલ સિસ્ટમ ગોઠવી :એપ્રિલથી કાર્યરત થશે

રશિયા સિવાય માત્ર ચીન અને તુર્કી પાસે આ મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ છે.

નવી દિલ્હી :  દેશની હવાઇ સુરક્ષા માટે ભારતીય વાયુસેનાએ પંજાબ સેકટરમાં પ્રથમ S-400 ડિફેન્સ મિસાઇલ સિસ્ટમને ગોઠવી દીધી. આ સિસ્ટમ એપ્રિલ મહિનાથી કાર્યરત થઈ જશે. ભારતના વાયુસેનાના અધિકારીઓ અને જવાનોને રશિયામાં આ ડિફેન્સ સિસ્ટમ ઓપરેટ કરવાની તાલિમ પણ આપવામાં આવી હતી.

ભારતને રશિયા પાસેથી S-400 મિસાઈલ ડિફેન્સ સિસ્ટમનું પ્રથમ યુનિટ મળ્યું છે.આ યુનિટ એપ્રિલથી કાર્યરત થઈ જશે એટલે કે કામ કરવાનું શરૂ કરી દેશે. ભારતને આવતા વર્ષના મધ્ય સુધીમાં તમામ પાંચ યુનિટ મળી જશે અને તેને આ સમય દરમિયાન કાર્યરત પણ કરવામાં આવશે. રશિયા સિવાય માત્ર ચીન અને તુર્કી પાસે આ મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ છે. તાજેતરમાં રશિયન અધિકારીઓને ટાંકીને કહેવામાં આવ્યું હતું કે ભારત અને રશિયન સરકાર વચ્ચે S-400ના અપડેટ અને અપગ્રેડ વર્ઝન S-500 અંગે પણ વાતચીત ચાલી રહી છે.

જો કે બંને દેશોની સરકારોએ હજુ સુધી આ અંગે સત્તાવાર રીતે કંઈ કહ્યું નથી. S-400 ચાર યુનિટને એવા વિસ્તારોમાં તૈનાત કરવામાં આવશે જ્યાં ચીન તરફથી ખતરો વધારે છે. આ તમામ એકમો આવતા વર્ષના મધ્યભાગથી એટલે કે 2023થી કામ કરવાનું શરૂ કરશે. પ્રથમ યુનિટના તમામ સાધનો અને ઉપકરણો ભારતમાં પહોંચી ગયા છે. હાલમાં, તેને એસેમ્બલ કરવામાં આવી રહ્યા છે. આ સાધનો દરિયાઈ અને હવાઈ માર્ગે ભારત પહોંચ્યા હતા. આ માટે ભારતના આર્મી એન્જિનિયર્સને ખાસ ટ્રેનિંગ આપવામાં આવી છે.

રશિયા પાસેથી મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ એસ-૪૦૦ની ખરીદી બદલ અમેરિકા ભારતને નિરાશ કરી શકે છે. અમેરિકાએ તાજેતરમાં જ ભારત ઉપર પ્રતિબંધ અંગે ધમકી ઉચ્ચારી હતી. જો કે પ્રતિબંધ મૂકવો કે કેમ તે બાબતે હજુ સુધી સ્પષ્ટતા કરી નથી. અમેરિકાએ કાઉન્ટરિંગ અમેરિકાસ એડવસરીઝ થુ્ર સેંક્શન એક્ટ હેઠળ રશિયા, ઉત્તર કોરિયા અને ઈરાન ઉપર પ્રતિબંધો મૂક્યા છે.

એસ-400 મિસાઈલ ડિફેન્સ સિસ્ટમના પહેલા યુનિટને પંજાબમાં સેટ કરાયું છે.. તે પછી અન્ય સરહદે પણ તેની તૈનાતી તબક્કાવાર થશે. રશિયા સાથે ભારતે પાંચ અબજ ડોલરનો કરાર કર્યો હતો. ભારતને આ કરાર પ્રમાણે રશિયા એસ-400 ડિફેન્સ સિસ્ટમના પાંચ યુનિટ આપશે. તેના કારણે ભારતની બધી જ સરહદો વધારે સુરક્ષિત બનશે.

(12:37 am IST)