Gujarati News

Gujarati News

News of Tuesday, 18th January 2022

ટેસ્લા મોટર્સને આવકારવા 5મું રાજ્ય તૈયાર: તમિલનાડુના મંત્રીએ પણ એલન મસ્કને રોકાણ કરવા માટે આપ્યું આમંત્રણ

તામિલનાડુના ઉદ્યોગ પ્રધાન થંગમ થેનરાસુએ ટેસ્લા મોટર્સના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર એલોન મસ્કને ટ્વિટર પર ટેગ કર્યા અને કહ્યું કે ભારતની 'ઇલેક્ટ્રિક વાહનની રાજધાની' માં આપનું સ્વાગત છે

નવી દિલ્હી :તેલંગાણા, મહારાષ્ટ્ર સહિત ચાર રાજ્યો બાદ હવે તમિલનાડુ સરકારે યુએસ ઇલેક્ટ્રિક વાહન ઉત્પાદક ટેસ્લા મોટર્સને પણ રાજ્યમાં રોકાણ કરવા આમંત્રણ આપ્યું છે. તમિલનાડુના ઉદ્યોગ પ્રધાન થંગમ થેનરાસુએ ટેસ્લા મોટર્સના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર  એલોન મસ્ક ને ટ્વિટર પર ટેગ કર્યા અને કહ્યું કે ભારતની 'ઇલેક્ટ્રિક વાહનની રાજધાની' માં આપનું સ્વાગત છે.અગાઉ પંજાબ, પશ્ચિમ બંગાળ, તેલંગાણા અને મહારાષ્ટ્રના મંત્રીઓએ પણ તેમને પોતપોતાના રાજ્યોમાં ટેસ્લાના એકમો સ્થાપવા આમંત્રણ આપ્યું છે.

રાજ્યના ઉદ્યોગ પ્રધાન થનગમ થેનરાસુએ સોમવારે ટ્વિટર પર એલોન મસ્કને ટેગ કર્યા અને લખ્યું, "હેલો એલોન મસ્ક, હું તમિલનાડુથી છું. ઇલેક્ટ્રિક વાહનો માટેના કુલ આયોજિત રોકાણમાં તમિલનાડુનો હિસ્સો 34 ટકા છે. ભારતની ઇલેક્ટ્રિક વ્હીકલ કેપિટલમાં આપનું સ્વાગત છે. વધુમાં, તમિલનાડુ વિશ્વના 9 સૌથી મોટા રિન્યુએબલ એનર્જી માર્કેટમાંનું એક છે.

પોતાના ટ્વીટમાં એલોન મસ્કે ભારતમાં કંપનીની પ્રોડક્ટ લોન્ચ કરવા માટે ઘણા પડકારોનો સામનો કરવાની વાત કરી હતી. ટેસ્લાએ ગયા વર્ષે ભારતમાં ઈલેક્ટ્રિક વાહનો પરની આયાત જકાત ઘટાડવાની માગ કરી હતી. ભારે ઉદ્યોગ મંત્રાલયે ટેસ્લાને પહેલા ભારતમાં તેના ઇલેક્ટ્રિક વાહનોનું ઉત્પાદન શરૂ કરવા કહ્યું હતું, તે પછી જ કોઈપણ ટેક્સ મુક્તિ પર વિચાર કરી શકાય છે.

પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુએ રવિવારે ટ્વિટ કર્યું હતું કે, હું એલન મસ્કને આમંત્રણ આપું છું. પંજાબ મોડલ લુધિયાણાને ઇલેક્ટ્રિક વાહનો અને બેટરી ઉદ્યોગ માટેનું હબ બનાવશે, રોકાણ માટે સમય-સમયબદ્ધ મંજૂરીઓ કે જે પંજાબમાં નવી ટેકનોલોજી, રોજગાર સર્જન, પર્યાવરણ સુરક્ષા અને ટકાઉ વિકાસ લાવશે.'

તેલંગાણાના ઉદ્યોગ પ્રધાન કેટી રામારાવ, મહારાષ્ટ્રના પ્રધાન જયંત પાટીલ,પશ્ચિમ બંગાળના પ્રધાન મોહમ્મદ ગુલામ રબ્બાની એ પણ ટેસ્લાને જરૂરી મદદ પૂરી પાડવાનું આશ્વાસન આપ્યું છે.

તેલંગાણાના મંત્રી રામા રાવે શુક્રવારે ટ્વિટર પર લખ્યું, 'એલન, હું ભારતના તેલંગાણા રાજ્યનો ઉદ્યોગ અને વાણિજ્ય મંત્રી છું. ટેસ્લા ને ભારત/તેલંગાણામાં સુવિધા સ્થાપવાના પડકારોને દૂર કરવામાં મદદ કરવામાં મને આનંદ થશે. આપણું રાજ્ય ભારતના ટોચના વેપાર કેન્દ્રોમાંનું એક છે. તે આવી પહેલોને આગળ વધારવામાં નિષ્ણાત છે."

મહારાષ્ટ્રના મંત્રી જયંત પાટીલે પણ મસ્કને તમામ શક્ય મદદની ખાતરી આપી હતી. પાટીલે ટ્વીટ કર્યું, "મહારાષ્ટ્ર ભારતના સૌથી પ્રગતિશીલ રાજ્યોમાંનું એક છે. ભારતમાં કામ કરવા માટે અમે તમને મહારાષ્ટ્ર તરફથી તમામ જરૂરી મદદ પૂરી પાડીશું. અમે તમને મહારાષ્ટ્રમાં તમારો મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપવા માટે આમંત્રિત કરીએ છીએ.'

(12:37 am IST)