Gujarati News

Gujarati News

News of Monday, 18th January 2021

સ્માર્ટ સિટીના રેન્કિંગમાં છ પોઇન્ટની છલાંગ લગાવી વારાણસી શહેર નંબર -૧ બન્યું

બીજા નંબર પર ભોપાલ છે, ત્રીજા ક્રમ પર સુરત, ચોથા ક્રમ પર અમદાવાદનું નામ

વારાણસી,તા. ૧૮: મોદીના મેજિક ટચથી રેન્કિંગમાં છ પોઇન્ટની છલાંગ લગાવી સ્માર્ટ સીટીના રેન્િંકગમાં વારાણસી શહેર નંબર-૧ બન્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના મત વિસ્તાર વારાણસીમાં વિકાસ કાર્ય અત્યંત ઝડપથી ચાલી રહ્યા છે. તેની અસર આ પવિત્ર નગરીના સ્માર્ટ સિટી રેન્કિંગ પર ગઇ છે. ૨૦૧૯માં વારાણસી શહેર આ લિસ્ટમાં ૧૩માં ક્રમ પર હતું. ૨૦૨૦ના રેન્કિંગમાં તેને સાતમો ક્રમ મળ્યો હતો અને આ વખતે તેણે છલાંગ લગાવીને પ્રથમ ક્રમ હાંસલ કર્યો છે. બીજા નંબર પર ભોપાલ છે, ત્રીજા ક્રમ પર સુરત, ચોથા ક્રમ પર અમદાવાદનું નામ છે.

કેન્દ્ર સરકાર સ્માર્ટ સિટી માટે બજેટ બહાર પાડે છે. તે પછી શહેરોમાં કરવામાં આવેલા કામ, તેની પ્રગતિ, ખર્ચ, યોજના વિગેરેની જાણકારી પોર્ટલ પર અપડેટ કરવાની હોય છે.  અને તે આધારે આ શહેરોની રેન્કિંગ નક્કી થાય છે. સ્માર્ટ સિટીના સીઇઓ ગૌરોંગ રાઠી અનુસાર વારાણસીમાં ૫૮૬ કરોડ રૂપિયાની ૨૯ પરિયોજનાઓ ચાલી રહી છે. નોંધનીય છે કે યુપીના ૧૦ શહેરો સ્માર્ટ સિટી માટે પસંદ કરવામાં આવ્યા છે પરંતુ બાકીના શહેરોમાં કાર્યની પ્રગતિ સારી નથી.

આ ૧૦ શહેરમાં લખનઉ, કાનપુર, વારાણસી, આગ્રા, ઝાંસી, અલીગઢ, પ્રયાગરાજ, બરેલી, સહારનપુર અને મુરાદાબાદ શહેરનો સમાવેશ થાય છે. ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉની પસંદગી સૌથી પહેલા કરવામાં આવી હતી. આ શહેરમાં મેટ્રો ટ્રેન દોડવા લાગી છે પરંતુ ઘણા સ્થાનો પર પરિસ્થિતી જેમની તેમ નજર આવે છે. લખનઉ પછી આગ્રા અને વારાણસીની પસંદગી થઇ હતી. કાનપુરમાં પણ ઘણા પ્રોજેકટ ચાલી રહ્યા છે જે હજુ પુરા થયા નથી.

(9:56 am IST)