Gujarati News

Gujarati News

News of Sunday, 17th December 2017

ગુજરાતમાં કોની સરકાર બનશે તે અંગે કાલે ફેંસલો : ભારે ઉત્તેજના

સત્તા પુનરાવર્તન કે સત્તા પરિવર્તન તેને લઇને રાજકીય પંડિતો પણ મૌન : હાઈપ્રોફાઇલ-હાઈવોલ્ટેજ ગુજરાત ચૂંટણીના પરિણામ ઉપર સમગ્ર દેશની નજર કેન્દ્રિત : ૧૮૨૮ ઉમેદવારોના ભાવિનો ફેંસલો : સવારથી મતગણતરી

અમદાવાદ, તા.૧૭ : ગુજરાતમાં કોની સરકાર રચાશે તેને લઇને છેલ્લા કેટલાક દિવસથી પ્રવર્તી રહેલા સસ્પેન્સનો આવતીકાલે અંત આવશે. ગુજરાતમાં સત્તામાં પુનરાવર્તન થશે કે પછી પરિવર્તન થશે તેને લઇને હાલમાં તમામ રાજકીય પંડિતો અને રાજ્યના લોકોમાં ચર્ચા ચાલી રહી છે. એક્ઝિટ પોલના તારણ જારી કરવામાં આવ્યા બાદથી ઉત્તેજના વધી ગઈ છે. ભાજપ અને કોંગ્રેસ બંને દ્વારા જીતના દાવા કરવામાં આવી રહ્યા છે. ગુજરાતની હાઈપ્રોફાઇલ અને હાઈવોલ્ટેજ ચૂંટણીને લઇને માત્ર ગુજરાતના લોકોની જ નહીં બલ્કે દેશના લોકોની તથા કેટલાક અન્ય દેશોની પણ નજર હતી. કારણ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતનમાં આ ચૂંટણી યોજાઈ છે. ભાજપ છેલ્લા ૨૨ વર્ષથી ગુજરાતમાં સત્તા પર રહ્યું છે. બીજી બાજુ કોંગ્રેસ પાર્ટી શાસક પક્ષની વિરુદ્ધમાં રહેલા તમામ પરિબળોનો લાભ ઉઠાવીને સત્તા પરિવર્તન માટે તમામ તાકાત લગાવી ચુકી છે. પાટીદાર અનામત આંદોલન, દલિત આંદોલન, ઠાકોર સમુદાયના આંદોલન તથા સત્તા વિરોધી લહેર, જીએસટી, નોટબંધીને લઇને લોકોની નારાજગી જેવા તમામ મુદ્દા ભાજપની વિરુદ્ધમાં હોવા છતાં આવતીકાલે આ તમામ પરિબળોનો લાભ ઉઠાવી કોંગ્રેસે મતદારોને પોતાની તરફ કર્યા છે કે કેમ તે બાબત પુરવાર થશે. સત્તા પરિવર્તન કે સત્તા પુનરાવર્તનની બાબત ઉપર ચર્ચા જારી છે. આવતીકાલે સોમવારના દિવસે ૧૮૨ બેઠક ઉપર મેદાનમાં રહેલા કુલ ૧૮૨૮ ઉમેદવારોના ભાવિનો ફેંસલો થશે જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, કોંગ્રેસના વરિષ્ઠ નેતા શક્તિસિંહ, અર્જુન મોઢવાડિયાના ભાવિનો પણ ફેંસલો થનાર છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કા માટે ૧૪મી ડિસેમ્બરના દિવસે મતદાન યોજાયું હતું. બીજા તબક્કા માટે ૬૮.૭૦ ટકા મતદાન થયું હતું. બીજા તબક્કામાં ૯૩ સીટ પર મતદાન થયુ હતું. ૨.૨૨ કરોડ મતદારો પૈકી ૬૮.૭૦ ટકાથી વધુ મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. બીજા તબક્કામાં મતદારો પૈકી ૧.૧૫ કરોડ પુરૂષો અને ૧.૦૭ કરોડ મહિલા મતદારો નોંધાયા હતા. જે ભારે ઉત્સાહિત દેખાયા હતા. ૨૫૫૫૮ મતદાન મથકો પર બીજા તબક્કામાં મતદાન થયું હતું. આ વખતે ૩૭.૩૭ લાખ મતદારોની વય ૧૮તી ૨૬ વર્ષની વચ્ચેની રહી હતી. બાવન પાર્ટીના ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં સીલ થઇ ગયા હતા. ભાજપે ૯૩ અને કોંગ્રેસે ૯૧ ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા હતા. જેમના ભાવિ હવે ઇવીએમમાં સીલ થઇ ગયા હતા. બીજા તબક્કામાં મતદારોની સંખ્યાની દ્રષ્ટિએ લિમખેડા સૌથી નાની સીટ હતી. જેમાં ૧.૮૭ લાખ મતદારો પૈકીના મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. આવી જ રીતે ઘાટલોડિયા સૌથી મોટી સીટ છે જેમાં ૩.૫૨ લાખ મતદારો નોંધાયા હતા.  બીજા તબક્કામાં સૌથી વધુ ઉમેદવારો મહેસાણામાં ૩૪ અને સૌથી ઓછા ઉમેદવાર ઝાલોદમાં રહ્યા હતા.  કુલ મળીને ૨૫,૫૭૫ પોલિંગ સ્ટેશન ઉપર મતદાનની પ્રક્રીયા યોજાઈ હતી. કુલ મતદારો ૨,૨૨,૯૬,૮૬૭ છે.  કુલ ૧.૭૪ લાખ  પોલીસ જવાનો, સર્વેલન્સ, સીસીટીવી કેમેરા સાથે કુલ ૨.૪૧ લાખ કર્મચારીઓ ફરજ પર હતા. તે પહેલા ૯ની ડિસેમ્બરના દિવસે હાઇપ્રોફાઇલ અને હાઇવોલ્ટેજ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કા માટે ૬૬.૭૫ ટકા મતદાન થયું હતું. આની સાથે જ ૯૭૭ ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં સીલ થઇ ગયા હતા. ંમતદાન પૂર્ણ થવાની સાથે જ પ્રથમ તબક્કામાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી, ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુબાઇ વાઘાણી, કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલ અને મોઢવાડિયા સહિત ૯૭૭ ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં સીલ થઇ ગયા હતા.  પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્ર અને કચ્છ તેમજ દક્ષિણ ગુજરાતમાં મતદાન થયું હતું. પ્રથમ તબક્કામાં આ બે વિસ્તારોમાં ૮૯ સીટ પર સવારે મતદાન થયું હતુ  પ્રથમ ચરણમાં ૨.૧૨ કરોડ મતદારો પૈકી ૬૬.૭૫ ટકા મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. પ્રથમ તબક્કાની ચૂંટણીને સાનુકુળ રીતે પાર પાડવા માટે ૨.૪૧ લાખ કર્મચારીઓ ચૂંટણી ફરજ પર તૈનાત  કરવામાં આવ્યા હતા.  પ્રથમ તબક્કામાં કચ્છ-સૌરાષ્ટ્રના ૧૨ જિલ્લામાં ચૂંટણી થઇહતી. પ્રથમ તબક્કામાં જે જિલ્લામાં મતદાન થયું હતું તેમાં કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્ધારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, અને બોટાદનો સમાવેશ થાય છે. આ વિસ્તારોમાં ૫૪ સીટો હતી. બીજી બાજુ દક્ષિણ ગુજરાતના સાત જિલ્લામાં મતદાન થયું હતું. જેમાં નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, અને વલસાડનો સમાવેશ થાય છે. આ વિસ્તારમાં કુલ ૩૫ સીટો હતી. સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતની ૧૯ જિલ્લાને આવરી લેતી ૮૯ સીટ પર પ્રથમ તબક્કામાં મતદાન થયું હતું. પ્રથમ તબક્કાની ચૂટણી માટે ૧૪૧૫૫ સ્થળો પર ૨૪૬૮૯ મતદાન મથકો સ્થાપિત કરવામાં આવ્યા હતા. ગુજરાત વિધાનસભા માટે આ વખતે યોજાઈ રહેલી ચૂંટણી દેશ અને વિદેશમાં પણ ભારે ચર્ચાનું કેન્દ્ર બનવા પામી છે.પહેલીવખત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સીધી હાજરી વગર આ ચૂંટણી યોજાઈ રહી છે.આ ઉપરાંત રાજયમાં પાટીદાર ફેકટર સહિત અનેક પરિબળો આ વખતના ચૂંટણીજંગમાં સામે આવવા પામ્યા છે. 

(8:03 pm IST)