Gujarati News

Gujarati News

News of Sunday, 17th October 2021

બાંગ્લાદેશમાં હિન્દુ મંદિરો અને દુકાનો પર હુમલા- લૂંટના વધતા બનાવથી રોષ : હવે હિન્દૂ જૂથો દેશભરમાં ભૂખ હડતાલ પર ઉતરશે

ઢાકાના શાહબાગ અને ચિટગાવના આંદ્રાકિલામાં વિરોધ પ્રદર્શન કરશે :બાંગ્લાદેશ પૂજા ઉદ્યોગ પરિષદે તોડફોડ અને હિંસાની ઘટનાઓમાં સામેલ લોકોને કડક સજા કરવાની માંગ કરી

ઢાકા :બાંગ્લાદેશમાં કેટલાક દિવસોથી ચાલી રહેલી સાંપ્રદાયિક હિંસાની તાજેતરની ઘટનામાં એક હિન્દુ મંદિરમાં તોડફોડ કરવામાં આવી છે. અગાઉ, અજાણ્યા મુસ્લિમ કટ્ટરવાદીઓએ મંદિરોમાં તોડફોડ કરી હતી અને કથિત નિંદા પર હિંસા ફેલાવી હતી. આ ઘટનાઓ બાદ લઘુમતી જૂથે દેશભરમાં ભૂખ હડતાળની જાહેરાત કરી છે. ‘ઢાકા ટ્રિબ્યુન’ અખબારના સમાચાર અનુસાર, બાંગ્લાદેશમાં જુદા જુદા સ્થળોએ દુર્ગા પૂજાના સ્થળો પર હુમલાનો વિરોધ કરી રહેલા લોકો પર હુમલા બાદ અથડામણ થઈ છે.

આ પછી શનિવારે દેશની રાજધાનીથી લગભગ 157 કિમી દૂર ફેનીમાં હિન્દુઓના મંદિરો અને દુકાનોમાં તોડફોડ અને લૂંટ કરવામાં આવી હતી. એવું કહેવામાં આવ્યું હતું કે, ફેની મોડેલ પોલીસ સ્ટેશનના પ્રભારી નિઝામુદ્દીન સહિત ઓછામાં ઓછા 40 લોકો અથડામણમાં ઘાયલ થયા હતા  રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, સાંજે 4.30 વાગ્યે શરૂ થયેલી અથડામણ મોડી રાત સુધી ચાલી હતી, જે દરમિયાન અનેક મંદિરો, હિન્દુઓની દુકાનોમાં તોડફોડ અને લૂંટ કરવામાં આવી હતી. આ પછી શનિવારે રાત્રે અધિક પોલીસ દળ અને અર્ધલશ્કરી દળ બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશને અધિકારીઓ દ્વારા તૈનાત કરવામાં આવ્યા હતા.

 

અખબારોએ અહેવાલ આપ્યો છે કે, શનિવારે કેટલાક બદમાશોએ મુન્શીગંજ ના સિરાજદીખાન ઉપજલ્લાના રશુનિયા યુનિયનમાં દાણીયાપરા કાલી મંદિરમાં છ મૂર્તિઓને નુકસાન પહોંચાડ્યું હતું. જણાવવામાં આવ્યું હતું કે, દુર્ગા પૂજા પર્વ દરમિયાન શનિવારે હિન્દુ મંદિરો પર હુમલા અને તોડફોડના વિરોધમાં દેશભરમાં દેખાવો થયા હતા, જ્યારે તોડફોડની ઘટનાઓ પણ બની હતી. આ દરમિયાન દેશના દક્ષિણ-પૂર્વ શહેર ચિટગાંવમાં બાંગ્લાદેશ હિન્દુ બૌદ્ધ ખ્રિસ્તી એકતા પરિષદે દુર્ગા પૂજા ઉજવણી દરમિયાન હુમલાના વિરોધમાં 23 ઓક્ટોબરથી ધરણા અને ઉપવાસ કરવાની જાહેરાત કરી છે.

 

કાઉન્સિલના જનરલ સેક્રેટરી રાણા દાસગુપ્તાએ ચિત્તાગોંગમાં એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે ઢાકાના શાહબાગ અને ચિટગાવના આંદ્રાકિલા માં વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. બાંગ્લાદેશ પૂજા ઉદ્યોગ પરિષદે તોડફોડ અને હિંસાની ઘટનાઓમાં સામેલ લોકોને કડક સજા કરવાની માંગ કરી છે.

(11:20 pm IST)