Gujarati News

Gujarati News

News of Saturday, 17th October 2020

પંજાબમાં આતંક સામે લડનારા શૌર્ય ચક્ર વિજેતા બલવિંદરસિંહના ઘરમાં ઘૂસી હત્યા

અજાણ્યા શખ્સો બાઇક પર આવી ગોળીઓ ચલાવી ફરારઃ મહિના પહેલા જ પોલીસની ભલામણ બાદ ૬૨ વર્ષીય બલવિંદરસિંહની સુરક્ષા સરકારે હટાવી લીધી હતીને હુમલો થયો

અમૃતસર, તા.૧૭: પંજાબમાં આતંકીઓ સામે લડવા બદલ શૌર્ય ચક્ર મેળવનારા ૬૨ વર્ષીય બલવિંદરસિંહ સંધુની કોઇ અજાણ્યા શખ્સે ગોળી મારી હત્યા કરી નાખી હતી. આ ઘટના પંજાબના તરણ તારણ જિલ્લામાં સામે આવી છે.

એક મહિના પહેલા જ બલવિંદરસિંહને અપાયેલુ સુરક્ષા કવચ સરકારે હટાવી લીધુ હતું ને બીજી તરફ તેમની હત્યા કરી દેવામાં આવી છે. જેેને પગલે અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે.   પોલીસે જણાવ્યું હતું કે કોઇ અજાણ્યા શખ્સો મોટરસાઇકલ પર આવ્યા હતા અને બલવિંદરસિંહને ચાર ગોળીઓ મારી દીધી હતી, બાદમાં તેઓ નાસી છુટયા હતા. પંજાબમાં ખાલિસ્તાન માટે હુમલા કરી અશાંતી ફેલાવનારા ઉગ્રવાદીઓની સામે બલવિંદરસિંહ વર્ષો સુધી લડયા હતા.

તરણ તારણ પોલીસે સરકારને ભલામણ કરી હતી કે હવે બલવિંદરસિંહને સુરક્ષાની જરૂર નથી, પોલીસની આ ભલામણ બાદ સરકારે મહિના પહેલા જ તેમને અપાયેલી સુરક્ષાને હટાવી લેવામાં આવી હતી. તેમના ભાઇએ કહ્યું હતું કે મારો પુરો પરિવાર આતંકીઓના નિશાના પર છે. બલવિંદરસિંહના જીવન પર પણ અનેક ડોકયુમેન્ટરી ફિલ્મ બની હતી.

ખાલિસ્તાન માટે હિંસા ફેલાવનારા કે હુમલા કરનારાઓની સામે તેમનો પુરો પરિવાર લડતો આવ્યો છે, જેને કારણે તેમના પર પણ અનેક વખત જીવલેણ હુમલા થઇ ચુકયા છે. તેમણે ૨૦૦ આતંકીઓને ભગાડયા હતા. તેમની આ બહાદુરી બદલ ૧૯૯૩માં તેમને કેન્દ્ર સરકાર દ્વારા શૌર્ય ચક્ર એવોર્ડથી સન્માનીત કરવામાં આવ્યા હતા.બલવિંદરસિંહ અને રણજીતસિંહ બન્ને  ભાઇઓ અને ેતમની પત્નીઓએ મળીને ઉગ્રવાદીઓની સામે ચળવળ પણ ચલાવી હતી. અગાઉ તેમના પર અનેક વખત હુમલાનો પ્રયાસ થઇ ચુકયો છે પણ તેઓ પોતાને બચાવવામાં સફળ રહ્યા છે. જોકે કોઇ અજાણ્યા શખ્સો દ્વારા તેમની હત્યા કરી દેવામા આવી છે. ખાલિસ્તાની સંગઠનોમાંથી કોઇએ હત્યા કરી છે કે કેમ તેને આધારે પણ પોલીસ તપાસ કરી રહી છે.

(3:31 pm IST)