Gujarati News

Gujarati News

News of Thursday, 17th September 2020

પાકમાં શિયા-સુન્ની સંપ્રદાય વચ્ચે ઝનૂન, હિંસાની આશંકા

શિયા કાફિર છે તેમને મારી નાખવામાં આવે : ૨૧ કરોડની વસતી ધરાવતા પાક.માં શિયાઓની વસતી ૨૦ ટકા, આશુરાના જુલૂસો ઉપર કાર્યવાહી થઇ શકે છે

ઈસ્લામાબાદ, તા. ૧૭ : પાકિસ્તાનમાં શિયા અને સુન્ની મુસ્લિમો વચ્ચે ખેંચતાણની સ્થિતિ વણસી રહી છે. શિયાઓને ભય છે કે પાકિસ્તાનમાં ૧૯૮૦ અને ૯૦ના દાયકામાં ભડકેલી હિંસા જેવી ઘટના ફરી બની શકે છે. ગત અઠવાડિયે સુન્ની મુસ્લિમો અને આતંકી સંગઠોએ કરાચીમાં શિયા મુસ્લિમો વિરુદ્ધ દેખાવ કર્યા હતા. તેમણે દુકાનો અને અન્ય પ્રતિષ્ઠાન બંધ કરાવી દીધા હતા. માર્ગો જામ કરી દીધા હતા. તેમણે સૂત્રોચ્ચાર કર્યો કે શિયા કાફિર છે, તેમને મારી નાખવામાં આવે. દેખાવોની આગેવાની પ્રતિબંધિત આતંકી સંગઠન સિપાહ-એ-સબાહે કરી હતી. દેખાવકારો કહે છે કે આશુરા જુલૂસના ટીવી પ્રસારણ દરમિયાન શિયા મૌલવીએ ઈસ્લામિક વિદ્વાનો વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરી હતી. હવે સોશિયલ મીડિયા પર શિયા નરસંહાર હેશટેગ ટ્રેન્ડ કરી રહ્યું છે. શિયાવિરોધી પોસ્ટ દેખાઈ રહી છે. ૨૧ કરોડની વસતી ધરાવતા પાકિસ્તાનમાં શિયાઓની વસતી ૨૦ ટકા છે. દેખાવકારો પર અત્યાર સુધી કોઈ કેસ નોંધાયો નથી.

               તાજેતરમાં આશુરાના જુલૂસમાં ભાગ લેવા બદલ ડઝનેક શિયા મુસ્લિમો પર હુમલો થયા હતા. જુલૂસ પર હેન્ડ ગ્રેનેડ ઝિંકાયા હતા. રાવલપિંડીના મુખ્ય શિયા મૌલવી અલી રઝા કહે છે કે ઈમરાન ખાન આ શિયા વિરોધી દેખાવો માટે જવાબદાર છે. એવું લાગે છે કે સરકાર જાણીજોઈને હેટસ્પીચને પ્રોત્સાહન આપે છે. શિયાઓને મેસેજ મોકલી તેમને કાફિર ગણાવાય છે. મારી નાખવાની ધમકી અપાઈ રહી છે. ઈસ્લામાબાદમાં ચર્ચા છે કે સરકાર આશુરાના જુલૂસો પર કાર્યવાહી કરી શકે છે. કરાચી યુનિવર્સિટીમાં શિયા વિદ્યાર્થી ગુલઝાર હસનૈન કહે છે કે તે લોકો ડરી ગયા છે. લશ્કર-એ-જાન્ગ્વી અને સિપાહ-એ-સબાહના લોકો એક જગ્યાએ એકઠાં થઈ તેમને કાફિર કહી રહ્યાં છે. તે લોકોને અમને મારી નાખવા ઉશ્કેરી રહ્યાં છે. કરાચી યુનિ.માં આસિસ્ટન્ટ પ્રોફેસર સોહેલ ખાન કહે છે કે સુન્ની મુસ્લિમોના શક્તિ પ્રદર્શન બાદ પાકમાં સાંપ્રદાયિક હિંસાની આશંકા દેખાઈ રહી છે. પાક.ના ગૃહમંત્રી બ્રિગેડિયર શાહે કહ્યું કે બધું નિયંત્રણમાં છે. પાકિસ્તાન લાંબા સમયથી સાંપ્રદાયિક હિંસાની લપેટમાં છે. ૨૦૧૧-૨૦૧૯ સુધી અહીં જુદી જુદી સાંપ્રદાયિક હિંસામાં ૧૦ હજારથી વધુ લોકો માર્યા ગયા. તેમાં ૫ હજારથી વધુ શિયા છે.

(9:47 pm IST)
  • સરદાર સરોવર ડેમની સપાટી 138 મીટર : નર્મદા ડેમ અંગે અંગે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે કહ્યું- સરદાર સરોવર ડેમની સપાટી 138 મીટર થઈ:ડેમમાં હાલ પાણીની આવક ચાલુ: વડાપ્રધાન મોદીના જન્મ દિવસે નર્મદા ડેમ ભરાઈ જશે: ઉદ્યોગો, પશુઓ અને ખેતીને ફાયદો થશે: પાણીની આવકના કારણે પાવર હાઉસ ચાલુ છે. access_time 12:52 am IST

  • દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે 70 વર્ષના થયા છે. દેશભરમાં ભારતીય જનતા પાર્ટી PM મોદીના જન્મદિવસને 'સેવા સપ્તાહ' તરીકે મનાવી રહી છે. આ સાથે જ દિગ્ગજ નેતાઓ દ્વારા PM મોદીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદથી લઇને ગૃહમંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથસિંહ, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને અન્ય મોટા નેતાઓએ પીએમ મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી. access_time 9:17 am IST

  • પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત પાંચમા દિવસે ઘટાડો : પેટ્રોલમાં 25 પૈસા અને ડીઝલનાં ભાવમાં પ્રતિ લિટરે 38 પૈસાનો ઘટાડો : નવો ભાવ સવારે છ વાગ્યાથી લાગુ થશે. access_time 11:34 pm IST