Gujarati News

Gujarati News

News of Thursday, 17th September 2020

Happiest Mindsના શેરે ૧૦ દિ'માં જ રોકાણકારોના રુપિયા ડબલ કરી આપ્યા

NSE પર Happiest Minds Technologies ૧૧૦.૮૪ ટકાના પ્રિમિયમ સાથે ૩૫૦ રૂપિયાના ભાવે લિસ્ટ થયો હતો : IPOમાં ૧૬૫-૧૬૬ના ભાવે શેર્સ ઓફર કરાયા હતાઃ છેલ્લો ભાવ ૨.૪૫ કલાકે ૩૭૫.૭૦

મુંબઈ, તા.૧૭:  Happiest Minds Technologiesના IPOને ધમાકેદાર પ્રતિસાદ મળ્યા બાદ આજે તેનું બમ્પર પ્રિમિયમ સાથે લિસ્ટિંગ થયું છે. આજે લિસ્ટ થયેલો આ શરે ૧૧૧ ટકાના પ્રિમિયમ પર ટ્રેડ થઈ રહ્યો છે, અને તેણે IRCTC તેમજ Dmartના રેકોર્ડને તોડી નાખ્યો છે. NSE પર
Happiest Minds Technologies ૧૧૦.૮૪ ટકાના પ્રિમિયમ સાથે ૩૫૦ રુપિયાના ભાવે લિસ્ટ થયો હતો.

IPO ૭ સપ્ટેમ્બરથી ૯ સપ્ટેમ્બર સુધી ચાલ્યો હતો, અને તેમાં ૧૬૫-૧૬૬ના ભાવે શેર્સ ઓફર કરાયા હતા. હાલ મંદીનો માહોલ હોવા છતાંય આ આઈપીઓ ૧૫૧ ગણો છલકાયો હતો. છેલ્લા પાંચ વર્ષમાં આટલો જોરદાર પ્રતિસાદ મળ્યો હોય તેવા માત્ર ચાર આઈપીઓ આવ્યા છે. જેમાં Capacit’e Infraprojects (૧૮૩ ગણો), CDSL (૧૭૦.૧ ગણો), Ujjivan Small Finance Bank (૧૬૫.૬૦ ગણો) અને Amber Enterprises (૧૬૫.૩ ગણો) ભરાયા હતા.

જે ભાવે Happiest Mindsના શેર લિસ્ટ થયો છે, તે તેની FY20ના શેરદીઠ કમાણી કરતાં ૨૬.૭૬ ગણો વધારે છે. પ્રિ-ઓપન ટ્રેડ્સમાં આ શેર ૪૦૬.૬૫ના સ્તરે પહોંચ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ગ્રે માર્કેટમાં આ શેરનું ૧૫૫-૧૫૮ જેટલું પ્રિમિયમ બોલાયું હતું. બેંગલુરુ સ્થિત આ ડિજિટલ આઈટી સર્વિસ પ્રોવાઈડરમાં કવોલિફાઈડ ઈન્સ્ટિટ્યૂશનલ બાયર્સે (QIB)૭૭ ગણું ભરણું ભર્યું હતું જયારે નોન-ઈન્સ્ટિટ્યૂશનલ ઈન્વેસ્ટર્સનું ૩૫૧ ગણું ભરણું પ્રાપ્ત થયું હતું.

આ શેરના IPOમાં રિટેલ ઈન્વેસ્ટર્સનો કવોટા માત્ર બે કલાકમાં જ ભરાઈ ગયો હતો, અને કુલ ૭૧ ગણું વધુ સબસ્ક્રિપ્શન પ્રાપ્ત થયું હતું. IPOમાં ૨૩.૨ મિલિયન શેર્સ એલોટ થવાના હતા. જેની સામે ૩.૫૧ અબજ શેર્સ માટે બીડ્સ આવી હતી.

ઉલ્લેખનીય છે કે, SBI Cardsના આઈપીઓએ પણ જોરદાર ચર્ચા જગાવી હતી, અને ગ્રે માર્કેટમાં તેના પ્રિમિયમ બોલાઈ રહ્યા હતા. જોકે, લિસ્ટિંગના સમયે જ કોરોનાને કારણે શેરબજારમાં ઐતિહાસિક કડાકો બોલાતા બહુ ગાજેલો SBI Cards ઓફર પ્રાઈસથી પણ નીચા સ્તરે લિસ્ટ થયો હતો, અને રોકાણકારો રોયા હતા. આજે છ મહિના બાદ આ શેર માંડ દસેક ટકા જેટલું વળતર આપી શકયો છે.

(3:26 pm IST)