Gujarati News

Gujarati News

News of Thursday, 17th September 2020

વિદેશ સચિવથી લઇને નીતિ આયોગના CEO સુધીની જાસૂસી કરી રહ્યું છે ચીન

ચીન ભારતની અર્થવ્યવસ્થા ઉપરાંત વિદેશ નીતિ સાથે જોડાયેલા પદાધિકારીઓની પણ જાસૂસી કરી રહ્યું છે

નવી દિલ્હી તા. ૧૭ : પૂર્વ લદાખમાં ચાલી રહેલા તણાવની વચ્ચે ચીનના વધુ એક કાવતરાનો ખુલાસો કર્યો છે. ચીન ભારતની અર્થવ્યવસ્થાની સાથે વિદેશ નીતિની પણ જાસૂસી કરી રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસથી જે રીતે ખુલાસા થઈ રહ્યા છે તેની તપાસમાં જાણવા મળ્યું છે કે ચીને પોતાની એક કંપનીથી ભારતના અનેક શોધકર્તાઓ, થિન્ક ટેન્ક અને મીડિયા સંગઠનોથી જોડાયેલા ૨૦૦ લોકોની જાણકારી મેળવી છે. ઈન્ડિયન એકસપ્રેસમાં પ્રકાશિત રિપોર્ટ બાદ ફેસબુકે ઝેન્હુઆ ડેટા ઇન્ફોર્મેશન ટેકનોલોજી કંપની લિમિટેડના ફેસબુકથી જોડાયેલા પેજ પર રોક લગાવી દીધા છે.

ચીનની સેના અને ઇન્ટેલિજન્સ એજન્સી સાથે જોડાયેલી કંપની ઝેન્હુઆ ડેટા ઇન્ફોર્મેશન ટેકનોલોજી કંપની લિમિટેડે ઓવરસીઝની ઇન્ડિવિજયૂઅલ ડેટાબેઝ (OKIDB) હેઠળ ભારતના ૪૦ સેવારત અને સેવાનિવૃત્તિ ભારતીય વિદેશ સેવાના અધિકારી, જેઓએ પ્રમુખ ડિપ્લોમેટિક પદોને સંભાળે છે તેની જાણકારી એકત્ર કરી છે.

તપાસમાં જે નામોનો ખુલાસો થયો છે તેમાં વિદેશ સચિવ હર્ષવર્ધનથી લઈને ઈઝરાયલમાં ભારતના રાજદૂત સંજીવ સિંગલાનું નામ પણ સામેલ છે. નોંધનીય છે કે, સંજીવ સિંગલા પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અંગત સચિવ તરીકે કામ કરી ચૂકયા છે. તેની સાથે જે આઇએફએસ અધિકારીઓ પર ચીન સતત નજર રાખી રહ્યું છે તેમાં સંયુકત રાષ્ટ્રમાં તૈનાત સભ્ય પણ સામેલ છે. સંયુકત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ ટીએસ તિરૂમૂર્તિ અને સંયુકત નિરીક્ષક એકમના એ. ગોપીનાથન પણ સામેલ છે. ચીન આ તમામ સભ્યો ઉપરાંત જે હસ્તીઓની જાણકારી ચોરી રહ્યું છે તેમાં નેધરલેન્ડમાં ભારતીય રાજદૂત વેણુ રાજામનિનું નામ પણ સામેલ છે.

OKIDBમાં જાપાન ખાતેના રાજદૂત સંજય વર્માનું નામ પણ સામેલ છે જેઓ હોંગકોંગ અને ચીનમાં સેવા આપી ચૂકયા છે. આ ઉપરાંત સઉદી અરબમાં રાજદૂત ઔસાફ સઈદ અને મેડાગાસ્કરમાં રાજદૂત અભય કુમાર પણ સામેલ છે. તેની સાથે જ નીતિ આયોગના સીઇઓ અમિતાભ કાંત, વિદ્વાન ઈતિહાસકાર રોમિલા થાપર અને રાજકીય મનોવૈજ્ઞાનિક અશોક નંદી, ધ્રુવ જયશંકર ઓબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશનના નિર્દેશક (વિદેશ મંત્રી એસ. જયશંકરના દીકરા છે) પણ સામેલ છે.

(10:06 am IST)