Gujarati News

Gujarati News

News of Wednesday, 17th August 2022

તલાક-એ-હસન ટ્રિપલ તલાક જેટલુ ખરાબ નથી

મુસ્‍લિમોમાં દર મહિનામાં એક વખત તલાક કહીને ત્રણ મહિના બાદ છૂટાછેડા લેવાની તલાક-એ-હસનની પ્રથા ટ્રિપલ તલાક જેટલી ખરાબ નથીઃ સુપ્રીમ કોર્ટ

નવી દિલ્‍હી, તા.૧૭: સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે મુસ્‍લિમોમાં દર મહિનામાં એક વખત તલાક કહીને ત્રણ મહિના બાદ છૂટાછેડા લેવાની તલાક-એ-હસનની પ્રથા  ટ્રિપલ તલાક જેટલી ખરાબ નથી. વળી એમાં મહિલાઓ પાસે પણ ખુલા એટલે કે છૂટાછેડા લેવાનો હક છે. ઇસ્‍લામમાં પુરુષો તલાક દ્વારા તેમ જ મહિલાઓ ખુલા દ્વારા છૂટાછેડા લઈ શકે છે. સુપ્રીમ કોર્ટની બેન્‍ચે કહ્યું હતું કે જો પતિ-પત્‍ની સાથે ન રહી શકતાં હોય તો કાયદાની કલમ ૧૪૨ અન્‍વયે છૂટાછેડા લઈ શકે છે.
સુપ્રીમ કોર્ટમાં હાલ તલાક-એ-હસન જેવી પ્રથાને રદબાતલ અને ગેરબંધારણીય જાહેર કરવાની માગ પર કરવામાં આવેલી અરજીની સુનાવણી ચાલી રહી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે લગ્ન એક કરાર છે, જેમાં સ્ત્રી-પુરુષો સાથે રહેવા ન માગતાં હોય તો તેઓ છૂટાં પડી શકે છે. વળી મહિલાને પુરુષ તરફથી એમાં અમુક ચોક્કસ રકમ પણ આપવાની હોય છે. આ બધું જોતાં મહિલાએ તલાક-એ-હસનને રદબાતલ કરવા માટે કરેલી અરજી સાથે પ્રાથમિક રીતે અમે સંમત નથી. જોકે આ સમગ્ર ઘટના કોઈ બિનજરૂરી વિવાદ ન બને એની પણ અમે કાળજી રાખવા માગીએ છીએ.
સુપ્રીમ કોર્ટે તલાક-એ-હસનને ગેરબંધારણીય જાહેર કરવાને મામલે હાલમાં કોઈ ચુકાદો આપ્‍યો નથી અને વધુ સુનાવણી ૨૯ ઓગસ્‍ટે કરશે

 

(4:40 pm IST)