Gujarati News

Gujarati News

News of Wednesday, 17th August 2022

બિહારમાં જંગલરાજ! કાયદા મંત્રી સામે કિડનેપિંગના કેસમાં અરેસ્‍ટ વોરન્‍ટ બહાર પડયુ

કાયદા મંત્રી કાર્તિકેય સિંહ વિરુદ્ધ પટના જિલ્લાના બિહટા પોલીસ સ્‍ટેશનમાં રાજીવ રંજન ઉર્ફે રાજુ સિંહના અપહરણનો કેસ દાખલ છે

પટના, તા.૧૭: બિહારમાં નવી સરકારના કાયદામંત્રી કાર્તિકેય સિંહ વિરુદ્ધ અરેસ્‍ટ વોરેન્‍ટ બહાર પાડતા રાજકારણ ગરમાયું છે. મુંખ્‍યમંત્રી નીતીશ કુમારે આ મામલે કંઈ પણ બોલવાનો ઈનકાર કરી દીધો છે. તેમણે કહ્યું કે, તેમને આ મામલાની કોઈ જાણકારી નથી. તમને જણાવી દઈએ કે, એક દિવસ પહેલા જ કાર્તિકેય સિંહે મંત્રીપદના શપથ ગ્રહણ કર્યા હતા. તે દિવસે તેમણે કિડનેપિંગના કેસમાં કોર્ટમા હાજર થવાનું હતું પરંતુ તેઓ હાજર નહોતા થયા.
કાયદા મંત્રી વિરુદ્ધ અરેસ્‍ટ વોરેન્‍ટ બહાર પડવાને કારણે નીતીશ સરકાર પર અનેક સવાલો ઉઠી રહ્યા છે. પટનામાં બુધવારે બપોરે એક કાર્યક્રમમાંથી નીકળ્‍યા ત્‍યારે મીડિયાએ તેમને કાર્તિકેય સિંહ વિશે સવાલો પૂછયા હતા. જોકે, તેમણે એમ કહીને વાત ટાળી દીધી હતી કે, આ કેસ વિશે તેમને કોઈ જાણકારી નથી.
કાયદા મંત્રી કાર્તિકેય સિંહ વિરુદ્ધ પટના જિલ્લાના બિહટા પોલીસ સ્‍ટેશનમાં રાજીવ રંજન ઉર્ફે રાજુ સિંહના અપહરણનો કેસ દાખલ છે. આ જ મામલે પૂર્વ ધારાસભ્‍ય અનંત સિંહ પણ આરોપી છે. આ મામલે તેમણે બુધવારે કોર્ટમાં હાજર થવાનું હતું પરંતુ તેઓ હાજર નહોતા રહ્યા. હવે તેમના વિરુદ્ધ અરેસ્‍ટ વોરેન્‍ટ બહાર પાડવામાં આવ્‍યું છે.
બીજેપી નેતા સુશીલ મોદીએ કહ્યું કે, કાર્તિકેય સિંહે તાત્‍કાલિક રાજીનામું આપી દેવું જોઈએ. મુખ્‍યમંત્રીએ મીડિયા સામે આવીને સ્‍પષ્ટ કરવું જોઈએ. કાર્તિકેય સિંહે કોર્ટમાં સરેન્‍ડર કરવાનું હતું પરંતુ તેઓ મંત્રી પદના શપથ ગ્રહણ કરી રહ્યા હતા.

 

(4:03 pm IST)