Gujarati News

Gujarati News

News of Wednesday, 17th August 2022

૫ એપ્રિલ બાદ પહેલીવાર સેન્‍સેકસ ૬૦૦૦૦ ઉપર

નીફટી પણ ૧૮૦૦૦ ભણીઃ તેજીથી ઇન્‍વેસ્‍ટરો મલકાયા : બે મહિનામાં સેન્‍સેકસ ૯૨૫૦ પોઇન્‍ટ ઉછળ્‍યોઃ ૧૮ ટકા અપ

મુંબઇ, તા.૧૭: શેરબજારમાં આજે તેજી જોવા મળી છે ૫ એપ્રિલ બાદ પહેલીવાર સેન્‍સેકસ ૬૦૦૦૦ને પાર થયો છે ૨.૩૦ કલાકે સેન્‍સેકસ ૩૯૫ વધીને ૬૦૨૩૭ તો નીફટી ૧૧૩ પોઇન્‍ટ વધીને ૧૭૯૩૮ છે.
બે મહિનામાં શેરબજારનું આખું ચિત્ર બદલાઈ ગયું છે. અમેરિકામાં મંદી આવશે તેવી બીકે બે મહિના અગાઉ બજાર રોજે રોજ ઘટતું જતું હતું, પરંતુ ત્‍યાર બાદ માત્ર ૬૦ દિવસમાં જોરદાર રિકવરી કરી છે અને સેન્‍સેક્‍સમાં ૯૨૫૦નો વધારો જોવા મળ્‍યો છે. મહત્ત્વની વાત એ છે કે માર્કેટનો ઉછાળો વ્‍યાપક છે અને સેન્‍સેક્‍સના ૩૦ શેરોમાંથી ૧૩ શેરમાં ૨૦ ટકા કરતા વધારે ઉછાળો આવ્‍યો છે. આજથી બે મહિના અગાઉ ગ્‍લ્‍ચ્‍ સેન્‍સેક્‍સ ૫૦,૯૨૧ની એક વર્ષની નીચી સપાટીએ હતો. ત્‍યાંથી તે લગભગ ૯૨૫૦ પોઈન્‍ટ અથવા ૧૮.૧૫ ટકા વધ્‍યો છે. તેમાંથી ૧૩ શેરમાં તો ૨૦ ટકાથી લઈને ૩૫ ટકા જેટલો વધારો થયો છે. અમેરિકન ઇકોનોમી અને ફુગાવા અંગે સમગ્ર વિશ્વમાં ચિત્ર બદલાઈ રહ્યું છે જેના કારણે સેન્‍સેક્‍સ અને નિફ્‌ટી સતત વધી રહ્યા છે.
બુધવારે સેન્‍સેક્‍સ ૬૦,૦૦૦ને પાર કરીને આ લખાય છે ત્‍યારે ૬૦,૨૩૭ પર પહોંચ્‍યો હતો. અમેરિકન અર્થતંત્ર નરમ પડશે પરંતુ તે હાર્ડ લેન્‍ડિંગ નહીં હોય તેમ માનવામાં આવે છે. આ ઉપરાંત યુએસ ફેડ દ્વારા રેટ વધારવાની ઝડપ પણ ઘટશે તેવી માન્‍યતા છે. કંપનીઓના ર્અનિંગના આંકડા પણ ખાસ ડાઉનગ્રેડ કરવામાં આવ્‍યા નથી. તેથી બજારમાં ફરી આશાવાદનો સંચાર થયો છે.
સેન્‍સેક્‍સના સ્‍ટોક્‍સની વાત કરીએ તો ૧૭ જૂનથી અત્‍યાર સુધીમાં એશિયન પેઈન્‍ટ્‍સનો શેર સૌથી વધુ ૩૫.૪૭ ટકા વધીને રૂ. ૩૪૯૯ થયો છે જે બે મહિના અગાઉ રૂ. ૨૫૮૩ પર હતો. આમ છતાં ૨૦૨૨માં આઠ મહિનામાં તેણે કોઈ વળતર આપ્‍યું નથી. ક્રૂડ અને ક્રૂડના ડેરિવેટિવ્‍ઝના ભાવ ઘટી રહ્યા હોવાથી એશિયન પેઈન્‍ટ્‍સે અપેક્ષા કરતા સારું રિઝલ્‍ટ આપ્‍યું છે.
બે મહિનાના ગાળામાં બજાજ ફિનસર્વનો શેર પણ ૩૫ ટકા કરતા વધારે વધ્‍યો છે અને ૧૧૭૫૮થી વધીને રૂ. ૧૫૯૧૪ થયો છે. આ કંપનીએ નાણાકીય વર્ષ ૨૦૨૩ના ઇપીએસ અંદાજમાં ૮.૮ ટકાનો કુદકો નોંધાવ્‍યો છે. આ ઉપરાંત અન્‍ય વધનારા મોટા શેરોમાં ઈન્‍ડસઈન્‍ડ બેન્‍કનો સમાવેશ થાય છે જે બે મહિનામાં ૩૪.૩૬ ટકા વધ્‍યો છે. બે મહિના અગાઉ આ શેરનો ભાવ રૂ. ૮૦૬ હતો જે હવે વધીને રૂ. ૧૦૮૪.૫૩ થયો હતો. નાણાકીય વર્ષ ૨૦૨૩ અને ૨૦૨૪માં આ બેન્‍કના ર્અનિંગના અંદાજમાં સાધારણ ડાઉનગ્રેડ જોવા મળ્‍યું છે. જૂન ક્‍વાર્ટરમાં આ પ્રાઈવેટ સેક્‍ટરની કંપનીએ ૧૬૩૧ કરોડનો ચોખ્‍ખો નફો નોંધાવ્‍યો હતો.
સેન્‍સેક્‍સના અન્‍ય સ્‍ટોક્‍સની વાત કરીએ તો બે મહિનાની અંદર બજાજ ફાઈનાન્‍સ મહિન્‍દ્રા એન્‍ડ મહિન્‍દ્રા, ટાઈટન કંપની, અલ્‍ટ્રાટેક સિમેન્‍ટ, ICICI Bank અને હિદુસ્‍તાન યુનિલિવરના શેરમાં ૨૫થી ૨૯ ટકાનો વધારો થયો છે. આ સ્‍ટોક્‍સ પૈકી બજાજ ફાઈનાન્‍સના ઈપીએસ અંદાજમાં ૧.૭ ટકાનો વધારો થયો છે. ટાટા સ્‍ટીલ, એલ એન્‍ડ ટી, એચડીએફસી અને એક્‍સિસ બેન્‍કના શેરમાં બે મહિનામાં ૨૦થી ૨૫ ટકાનો વધારો થયો છે.

 

(4:02 pm IST)