Gujarati News

Gujarati News

News of Wednesday, 17th August 2022

મ્‍યુચ્‍યુઅલ ફંડની ઇક્‍વિટી એસેટ્‍સમાં બે મહિના બાદ થયો વધારો

જુલાઇમાં ૧૦ ટકા વધી

મુંબઇ, તા.૧૭: સ્‍થાનિક મ્‍યુચ્‍યુઅલ ફંડ્‍સ ઇન્‍ડસ્‍ટ્રીઝની ઇક્‍વિટી એસેટ્‍સ અંડર મેનેજમેન્‍ટ (એયુએમ) અગાઉ બે મહિના સુધી સતત ઘટયા બાદ જુલાઇ મહિનામાં માસિક ધોરણે ૧૦.૩ ટકા વધીને રૂ.૧૫.૨ લાખ કરોડ થઇ છે.

અગાઉ ત્રણ મહિના સતત ઘટયા બાદ શેરબજાર જુલાઇમાં રિકવરી થતા ઇક્‍વિટી મ્‍યુ. ફંડ્‍સની એસેટ્‍સમાં વળદ્ધિ જોવા મળી છે. આ સાથે ઇક્‍વિટી સ્‍કીમમાં રોકાણ પણ માસિક ધોરણે ૧૪.૩ ટકા ઘટીને રૂ. ૩૦૪ અબજ થયુ છે અને રિડમ્‍પ્‍શન ૧૬ ટકા વધીને રૂ. ૧૪૮ કરોડ રહ્યુ છે. પરિણામે ચોખ્‍ખુ મૂડીરોકાણ જુલાઇમાં ઘટીને રૂ. ૧૫૭ અબજ થયુ છે જે જૂનમાં રૂ. ૨૨૮ અબજ હતુ.

નિફ્‌ટી બેન્‍ચમાર્કે સતત ત્રણ મહિના નેગેટિવ રિટર્ન આપ્‍યા બાદ જુલાઇમાં ૮.૭ ટકાના માસિક સુધારા સાથે શાનદાર રિકવરી દેખાડી છે, જે ડિસેમ્‍બર ૨૦૨૦ પછીનો સૌથી મોટો માસિક ઉછાળો છે. નિફ્‌ટી મિડેકપ-૧૦૦ ઇન્‍ડેક્‍સે પણ જુલાઇમાં પ્રોત્‍સાહિક દેખાવ કર્યો છે. ઓક્‍ટોબર ૨૦૨૧થી સળંગ નવ મહિનામાં વિદેશી રોકાણકારો ભારતીય બજારમાંથી ૩૩.૩ અબજ ડોલરનું રોકાણ પાછું ખેંચ્‍યુ છે.

આ દરમિયાન સમગ્ર મ્‍યુચ્‍યુઅલ ફંડ્‍સ ઇન્‍ડસ્‍ટ્રીઝની કુલ અંડર એસેટ મેનેજમેન્‍ટ (એયુએમ) વધીને રૂ.૩૭.૭ લાખ કરોડે પહોંચી ગઇ છે જે જૂનની તુલનાએ ૫.૯ ટકા વધારે છે. જે ઇક્‍વિટી સ્‍કીમની એયુએમમાં રૂ. ૧૪૧૨ અબજ, ઇટીએફમાં રૂ. ૩૮૦ અબજ, બેલેન્‍સ્‍ડ ફંડ્‍સમાં રૂ. ૨૧૦ અબજ અને ઇન્‍કમ ફંડ્‍સમાં રૂ. ૧૭૯ અબજના ઇનફ્‌લોને આભારી છે.

જુલાઇ મહિનામાં મ્‍યુચ્‍યુઅલ ફંડોનું એનબીએફસી, ખાનગી બેન્‍કો, કન્‍ઝયુમર રિટેલ, ઓટોમોબાઇલ્‍સ, કેપિટલ ગુડ્‍સ, સરકારી બેન્‍કો, મેટલ, સિમેન્‍ટ અને મીડિયા કંપનીઓમાં રોકાણ વધ્‍યુ છે તો બીજી બાજુ ઓઇલ-ગેસ, ટેલિકોમ, ટેકનોલોજી, હેલ્‍થકેર અને યુટિલિટી કંપનીઓના શેર ઘટયુ છે.

(10:15 am IST)