Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021

મહારાષ્ટ્રના પૂર્વ ધારાસભ્ય સામે બેંક કૌભાંડ કેસમાં મોટી કાર્યવાહી: EDએ 234 કરોડની સંપત્તિ કરી જપ્ત

ચાર વખત ધારાસભ્ય રહી ચુકેલા અને કર્નાલા અર્બન કો-ઓપરેટિવ બેંક લિમિટેડના પૂર્વ ચેરમેન વિવેકાનંદ શંકર પાટીલની રૂ .234 કરોડની સ્થાવર સંપત્તિ જપ્ત

મુંબઈ : એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે શેતકરી કામદાર પાર્ટી (શેકાપ)ના નેતા અને પૂર્વ ધારાસભ્ય વિવેકાનંદ શંકર પાટીલ સામે મોટી કાર્યવાહી કરી છે. મંગળવારે આ કાર્યવાહી કરતા EDએ વિવેક પાટીલની લગભગ 234 કરોડની સંપત્તિ જપ્ત કરી છે.

ઈડીએ બેંક કૌભાંડ કેસમાં ચાર વખત ધારાસભ્ય રહી ચુકેલા અને કર્નાલા અર્બન કો-ઓપરેટિવ બેંક લિમિટેડના પૂર્વ ચેરમેન વિવેકાનંદ શંકર પાટીલની રૂ .234 કરોડની સ્થાવર સંપત્તિ જપ્ત કરી છે. જપ્ત કરવામાં આવેલી સંપત્તિમાં કરનાલા સ્પોર્ટ્સ એકેડેમીની જમીન અને અન્ય ઘણી જગ્યાઓનો સમાવેશ થાય છે.

કર્નાલા બેંકના 529 કરોડના કૌભાંડના મુખ્ય આરોપી અને પૂર્વ શેકાપ ધારાસભ્ય વિવેક પાટીલની જૂન મહિનામાં મુંબઈના ઈડી ઝોન -2ના આસિસ્ટન્ટ ડિરેક્ટર સુનીલ કુમારે ધરપકડ કરી હતી. રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા ધરપકડમાં વિલંબ કર્યા બાદ ત્રણ મહિના પહેલા પનવેલ સંઘર્ષ સમિતિએ EDના મુખ્ય નિર્દેશક સુશીલ કુમારને લેખિત ફરિયાદ કરી હતી. આ પછી ધરપકડ થઈ.

 

પૂર્વ ધારાસભ્ય વિવેક પાટિલ સહિત તેના બોર્ડ ઓફ ડિરેક્ટર્સના કેટલાક સભ્યો પનવેલમાં કર્નાલા અર્બન કો-ઓપરેટિવ બેંકના 529 કરોડના કૌભાંડમાં સંડોવાયેલા છે. 50,689 ગ્રાહકોના 529 કરોડ બેંકમાં જમા કરાવવામાં આવ્યા હતા.

બેંકની શરૂઆતમાં જ શકાપ નેતાએ બેંકને પોતાનો અંગત ધંધો માન્યો અને ખોટી રીતે નકલી એકાઉન્ટ બનાવી બેંકમાંથી કરોડો રૂપિયા લીધા અને આ નાણાં કર્નાલા ચેરીટેબલ ટ્રસ્ટ અને કર્નાલા સ્પોર્ટ્સ એકેડમીમાં રોકવામાં આવ્યા. આ બંને સંસ્થાઓ વિવેક પાટિલ દ્વારા બનાવવામાં આવી હતી અને તેમનું જ આ સંસ્થાઓ પર સંપૂર્ણ નિયંત્રણ પણ હતું. EDએ હવે આ મિલકતને જપ્ત કરી દીધી છે.

2019માં મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખા દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદના આધારે EDએ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ કેસ નોંધીને તપાસ શરૂ કરી. 2019-20માં રિઝર્વ બેંકના આદેશ અનુસાર જ્યારે કર્નાલા અર્બન કો-ઓપરેટિવ બેંક લિમિટેડ, પનવેલ મુંબઈ સામે ઓડિટ કરવામાં આવ્યું, ત્યારે આ તમામ ચોંકાવનારી બાબતો સામે આવી.

EDની તપાસમાં જાણવા મળ્યું કે આ હેરાફેરી 2008થી શરૂ થઈ હતી. 67 નકલી ખાતા બનાવવામાં આવ્યા હતા. આ ખોટી રીતે ઉપાડેલા નાણાંનો ઉપયોગ સ્પોર્ટસ કોમ્પ્લેક્સ, કોલેજો અને શાળાઓ જેવી સંસ્થાઓ શરૂ કરવા માટે કરવામાં આવ્યો હતો.

(12:44 am IST)