Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021

ઔરંગાબાદમાં AIMIMના સાંસદ ઇમ્તીયાઝ જલીલે કોરોનાની ગાઈડલાઇનના ઉડાવ્યા ધજાગરા: પોલીસે નોંધ્યો કેસ

વિરોધ પ્રદર્શન કરતી વખતે કોવિડ -19 નિયમોનો ભંગ કરવા બદલ સાંસદ ઈમ્તિયાઝ જલીલ અને તેના 24 અન્ય સાથીઓ સામે કેસ

મુંબઈ : મહારાષ્ટ્રના ઓરંગાબાદ જિલ્લામાં કોરોનાની અસર હજુ ઓછી થઈ નથી. તેમ છતાં લોક પ્રતિનિધિઓ દ્વારા કોરોનાના નિયમોની અવગણના કરવામાં આવી રહી છે. આવો જ એક તાજેતરનો કિસ્સો AIMIMના સાંસદ ઈમ્તિયાઝ જલીલનો છે.

જેમાં  પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે સ્વતંત્રતા દિવસનાપ્રસંગે અહીં ડિવિઝનલ કમિશનર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરતી વખતે કોવિડ -19  નિયમોનો ભંગ કરવા બદલ સાંસદ ઈમ્તિયાઝ જલીલ અને તેના 24 અન્ય સાથીઓ સામે કેસ નોંધવામાં આવ્યો છે.

આ મામલો ઓરંગાબાદ જિલ્લાના વિભાગીય કમિશનર કચેરીનો છે. જ્યાં રવિવારે સાંસદ ઈમ્તિયાઝ જલીલની આગેવાની હેઠળ AIMIMના કાર્યકરોએ મહારાષ્ટ્રના મંત્રી સુભાષ દેસાઈને કાળા ઝંડા બતાવ્યા હતા, જ્યારે તેઓ સ્વતંત્રતા દિવસના કાર્યક્રમમાં ભાગ લેવા માટે વિભાગીય કમિશનર કચેરી જઈ રહ્યા હતા.

જ્યારે પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે AIMIM (ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદ-ઉલ-મુસ્લિમીન)ના કાર્યકરોએ જિલ્લા વહીવટીતંત્રની પરવાનગી વગર રાજ્ય સરકાર સામે વિરોધ કર્યો હતો અને ઓરંગાબાદમાં સ્પોર્ટ્સ યુનિવર્સિટીની સ્થાપનાની માંગ સાથે કાળા ઝંડા લહેરાવ્યા હતા. પોલીસ અધિકારીએ કહ્યું કે આવી પરિસ્થિતિમાં સાંસદ જલીલે ઘણી ભીડ ભેગી કરી અને કોરોના પ્રોટોકોલ તોડતા જોવા મળ્યા. આ દરમિયાન જલીલ અને તેના સમર્થકો માસ્ક વગર ભીડમાં ઉભા જોવા મળ્યા હતા. આ સિવાય ત્યાં સોશિયલ ડીસ્ટન્સનું પાલન કરવામાં આવ્યું ન હતું.

(8:44 pm IST)