Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021

શિલ્પા શેટ્ટી ૩ સપ્તાહ બાદ સુપર ડાન્સરના સેટ પર પાછી ફરી

શિલ્પાપતિ રાજ જેલમાં, શિલ્પા શેટ્ટી ફરી સ્ટેજ પર : અશ્લિલ વીડિયો કેસમાં રાજ કુંદ્રાની ધરપકડ બાદ અભિનેત્રી શિલ્પા શેટ્ટીની પણ પુછપરછ કરાઈ હતી

મુંબઈ, તા.૧૭ : શિલ્પા શેટ્ટીના પતિ અને બિઝનેસમેન રાજ કુન્દ્રાની અશ્લીલ વીડિયો બનાવવાના કેસમાં ૧૯મી જુલાઈના રોજ ધરપકડ કરવામાં આવી હતી. રાજ કુન્દ્રાની ધરપકડ પછી શિલ્પા શેટ્ટીનો પરિવાર સંકટમાં મુકાયો છે. પોલીસ દ્વારા શિલ્પા શેટ્ટીની પણ પૂછપરછ કરવામાં આવી છે. શિલ્પા શેટ્ટી ઘણાં વર્ષોથી ડાન્સ આધારિત રિયાલિટી શૉ સુપર ડાન્સરને જજ કરે છે, પરંતુ પતિની ધરપકડ પછી શિલ્પાએ સેટ પર જવાનુ ટાળ્યુ હતું.

પરંતુ તાજેતરમાં પ્રાપ્ત જાણકારી અનુસાર, લગભગ ત્રણ અઠવાડિયા પછી શિલ્પા સેટ પર પાછી ફરી છે અને શૂટ શરુ કર્યું છે. અટકળો ચાલી રહી હતી કે મેકર્સ શિલ્પાના સ્થાને અન્ય કોઈ જજને સ્થાન આપશે પરંતુ કદાચ તે નહીં થાય કારણકે આગામી અઠવાડિયાના એપિસોડ માટે શિલ્પાએ શૂટ કર્યું છે. સૂત્રએ જણાવ્યું કે, શૉની શરુઆત ૨૦૧૬માં થઈ હતી અને ત્યારથી શિલ્પા શેટ્ટી શૉ સાથે જોડાયેલી છે.

મેકર્સ તેના પાછા આવાવની રાહ જોઈ રહ્યા હતા, તે અન્ય સેલિબ્રિટીને જજ તરીકે લેવા નહોતા માંગતા. અમને ખુશી છે કે તેમણે શૂટ શરુ કર્યું છે. અમને આશા છે કે તે સીઝનના અંત સુધી શૉનો ભાગ બની રહે. તેમના પતિની ધરપકડ થયા પછી રીતે કામ પર પાછા ફરવું તેમના માટે ચોક્કસપણે કપરો નિર્ણય હશે. ઉલ્લેખનીય છે કે સુપર ડાન્સર શૉને શિલ્પા શેટ્ટીની સાથે સાથે અનુરાગ બાસુ અને ગીતા કપૂર જજ કરે છે.

શૉમાં ઘણાં ટેલેન્ટેડ ડાન્સર્સ ભાગ લે છે જે ખૂબ મહેનત કરીને અદ્દભુત પર્ફોમન્સ આપે છે. રિયાલિટી શૉ દર્શકોમાં ઘણો ફેમસ છે. શિલ્પા શેટ્ટી જ્યારે ગેરહાજર હતી ત્યારે તેના સ્થાને મહેમાન તરીકે સંગીતા બિજલાણી, જેકી શ્રોફ, ટેરેન્સ ડિસૂઝા, સોનાલી બેન્દ્રે, મૌસમી ચેટર્જી, કરિશ્મા કપૂર વગેરેને બોલાવવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, પ્રાપ્ત જાણકારી અનુસાર સુપર ડાન્સરના અપકમિંગ એપિસોડમાં તાજેતરમાં સમાપ્ત થયેલા રિયાલિટી શૉ ઈન્ડિયન આઈડલના કન્ટેસ્ટન્ટ્સ હાજર રહેશે. શૉમાં પવનદીપ રાજનની સાથે સાથે, અરુણિતા, સાયલી તેમજ અન્ય ટોપર્સ પણ ભાગ લઈ શકે છે.

(8:02 pm IST)