Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021

મસ્જિદમાં રાષ્ટ્રગાનનો વિરોધ કરતા મુફ્તી મજદુલ

આગ્રાની મસ્જિદ પર તિરંગો લહેરાવવા પર વિવાદ : રુમીએ મસ્જિદના ચેરમેનને કહ્યું, મસ્જિદની અંદર જન-ગણ-મન ગવાયું છે, જે હરામ છે, અલ્લાહના કહેરથી ડરો

લખનૌ, તા.૧૭ : આગ્રાની શાહી જામા મસ્જિદમાં ભાજપ નેતા અને લઘુમતી પંચના અધ્યક્ષ અશફાક સૈફીએ તિરંગો ફરકાવ્યા પર વિવાદ વધતો જઈ રહ્યો છે. શહેર મુફ્તીનો એક કથિત ઑડિયો વાઈરલ થઈ રહ્યો છે, જેમાં તેમણે મસ્જિદની અંદર રાષ્ટ્રગાન ગાવાનો વિરોધ કર્યો છે. અશફાક સૈફીએ મુફ્તીના નિવેદનને બેજવાબદાર ગણાવ્યુ છે.

સ્વતંત્રતા દિવસના અવસરે શાહી જામા મસ્જિદમાં લઘુમતી પંચના અધ્યક્ષ અશફાક સૈફીએ તિરંગો લહેરાવ્યો. જે બાદ રાષ્ટ્રગાન ગાયુ અને ભારત માતા જયના સૂત્રોચ્ચાર થયા. જામા મસ્જિદની અંદર તિરંગો ફરકાવવા અને રાષ્ટ્રગાન ગાયા બાદ એક ઑડિયો વાઈરલ થઈ રહ્યો છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે ઓડિયો શહેર મુફ્તી મજદુલ ખુબૈબ રૂમીનો છે.

વાઈરલ ઑડિયોમાં શહેર મુફ્તી મજદુલ ખુબૈબ રૂમીએ મસ્જિદ ઈતજામિયાના ચેરમેન અસલમ કુરૈશીને કહ્યુ કે મસ્જિદની અંદર જન-ગણ-મન ગવાયુ છે, જે હરામ છે, અલ્લાહના કહેરને દાવત ના આપો. દરમિયાન શાહી જામા મસ્જિદના ચેરમેન હાજી અસલમ કુરૈશીએ કહ્યુ કે શહેર મુફ્તીએ મસ્જિદના મદરેસામાં તિરંગો ફરકાવ્યા પર વાંધો ઉઠાવ્યો છે, જે ખોટુ છે, મદરેસામાં દર વર્ષે ધ્વજારોહણ કરવામાં આવે છે, મુફ્તી વિરૂદ્ધ દેશદ્રોહનો કેસ કરવો જોઈએ, મુફ્તીએ મને ધમકી પણ આપી છે. કેસમાં હિન્દુસ્તાની બિરાદરીના ચેરમેન ડૉ. સિરાજ કુરૈશીએ કહ્યુ કે મસ્જિદની અંદર ધ્વજ ફરકાવી શકાય નહીં, એવુ મુસ્લિમોમાં એક વલણ છે, મદરેસા-ખાનકાહ-મસ્જિદોના ગેટ પર તિરંગો ફરકાવવામાં આવે તો આમાં કોઈને કંઈ વાંધો નથી,

પરંતુ મસ્જિદની અંદર ના ફરકાવવો જોઈએ. યુપી લઘુમતી પંચના અધ્યક્ષ અશફાક સૈફીએ કહ્યુ કે શહેર મુફ્તીનો તિરંગો ફરકાવવાનો વિરોધ ખોટો છે, જંગ--આઝાદીની લડત હિંદુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ તમામે મળીને લડી હતી, શહેર મુફ્તીનુ નિવેદન ગેરજવાબદાર છે, તેમણે નિવેદનને પાછુ લેવુ જોઈએ.

(7:58 pm IST)