Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021

કાબુલના ગુરુદ્વારામાં ૩૦૦થી વધુ હિંદુ-શીખોએ શરણ લીધું

અફઘાન પર તાલીબાનના કબજા બાદ સ્થિતિ વણસી : અફઘાનિસ્તાનમાં શીખ-હિંદુઓ સહિતની લઘુમતીઓની સુરક્ષાને લઈને કાબુલ ગુરુદ્વારા કમિટિના અધ્યક્ષના સંપર્કમાં

કાબુલ, તા.૧૭ : અફઘાનિસ્તાનમાં પરિસ્થિતિ બગડતી જઈ રહી છે. તાલિબાનના પાછા ફરતા ત્યાં હિંસક ઘટનાઓ થવા લાગી છે. કાબુલ એરપોર્ટ પર અફરા-તફરી મચી ગઈ છે. લોકો જીવ બચાવવા માટે કોઈ પણ ભોગે દેશ છોડવા તૈયાર છે. દરમિયાન અફઘાનિસ્તાનમાં રહેતા હિંદુ અને શીખ પરિવારોને પણ પોતાની સુરક્ષાની ચિંતા સતાવવા લાગી છે.

કાબુલ સ્થિત એક ગુરૂદ્વારામાં ૩૦૦થી વધારે હિંદુઓ અને શીખોએ શરણ લીધા છે. દિલ્હી શીખ ગુરૂદ્વારા મેનેજમેન્ટ કમિટીના અધ્યક્ષ મનજિંદર સિંહ સિરસાએ દાવો કર્યો છે કે કાબુલના ગુરૂદ્વારા કરતા પરવનમાં કેટલાક હિંદુઓ અને શીખોએ શરણ લીધા છે.

તેમણે જણાવ્યુ છે કે તેઓ અફઘાનિસ્તાનમાં શીખ અને હિંદુઓ સહિત લઘુમતી સમુદાયોની સુરક્ષાને લઈને કાબુલ ગુરૂદ્વારા કમિટીના અધ્યક્ષના સતત સંપર્કમાં છે. મનજિંદર સિંહ સિરસાએ જણાવ્યુ, હુ સતત કાબુલ ગુરૂદ્વારા કમિટીના અધ્યક્ષ અને સંગત સાથે સંપર્કમાં છુ. તેમણે મને જણાવ્યુ કે ૩૨૦થી વધારે લોકો પરવન ગુરૂદ્વારામાં છે.

જેમાં લગભગ ૫૦ હિંદુ અને ૨૭૦થી વધારે શીખ છે. તેમણે પણ જણાવ્યુ કે તાલિબાની નેતાઓએ તેમની સાથે મુલાકાત કરી છે અને તેમને સુરક્ષાનો વિશ્વાસ અપાવ્યો છે. સિરસાએ આશા વ્યક્ત કરી કે અફઘાનિસ્તાનમાં પરિવર્તન છતાં હિંદુ અને શીખ સુરક્ષિત ત્યાંથી આવવા લાગશે.

અફઘાનિસ્તાનમાં બગડતી પરિસ્થિતિને જોતા ભારતીય વિદેશ મંત્રાલયે ત્યાંથી ભારતીયને નીકાળવા માટે હેલ્પલાઈન નંબર જારી કર્યા છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ જણાવ્યુ કે અફઘાનિસ્તાનમાં ફસાયેલા લોકોને કાઢવા માટે અફઘાનિસ્તાન સેલ બનાવવામાં આવી છે. જો કોઈને પણ મદદ જોઈએ તો તેઓ ફોન કે ઈમેલ કરી શકે છે. અગાઉ અરિંદમ બાગચીએ જણાવ્યુ હતુ કે ભારત પહેલેથી અફઘાન શીખ અને હિંદુ સમુદાયોના પ્રતિનિધિઓ સાથે સંપર્કમાં છે.

(7:57 pm IST)