Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021

એમ્બસી પર સતત નજર રાખી રહ્યા હતા તાલિબાનીઃ અધિકારીઓનો અંગત સામાન પણ છીનવ્યો

કાબુલમાં ૧૫-૧૬ ઓગસ્ટની રાત્રે સુરક્ષાની સ્થિતિ ઘણી ખરાબ થઈ ગઈ હતીઃ ભારતે આવી રીતે પાર પાડયું મિશન

નવી દિલ્હી, તા.૧૭: ભારતીય વાયુસેનાને બે સી-૧૭ ગ્લોબમાસ્ટર પ્લેને અફઘાનિસ્તાનમાં ભારતીય એમ્બસીના કર્મચારીઓને લઈને મંગળવાર સવારે કાબુલથી જામનગર જવા ઉડાન ભરી હતી. તમામ કર્મચારી સુરક્ષિત રીતે જામનગર પહોંચી ગયા છે. આશા રાખવામાં આવી રહી છે કે તમામ કર્મચારી રાષ્ટ્રીય રાજધાનીની પાસે આવેલા હિંડન એરબેઝ પર પહોંચી જશે. આ દરમિયાન અહેવાલ આવી રહ્યા છે કે બગડતા હાલાતની વચ્ચે ભારત માટે પણ પોતાના નાગરિકોને સુરક્ષિત બહાર કાઢવા સરળ નહોતા. કહેવામાં આવી રહ્યું છે કે તાલિબાનના ફાઇટરો ભારતીય એમ્બસી પર સતત નજર રાખી રહ્યા હતા.

૧૫-૧૬ ઓગસ્ટની રાત્રે સુરક્ષાની સ્થિતિ ઘણી ખરાબ થઈ ગઈ હતી. બીજી તરફ, કથિત રીતે ભારતીય એમ્બસી પણ તાલિબાનની નજર હેઠળ હતી અને તેના ફાઇટોર હાઇ-સિકયુરિટી ગ્રીન ઝોનમાં પહોંચી ગયા હતા. ભારત આવનારા અફદ્યાની નાગરિક શાહીર વીઝા એજન્સીથી વીઝા પ્રાપ્ત કરતા હતા. રિપોર્ટ મુજબ, તાલિબાને એજન્સી ઉપર પણ છાપો માર્યો હતો.

સોમવારે ભારતથી રવાના થયેલા ભારતીય વાયુસેનાના પહેલા પ્લેનમાં ૪૫ ભારતીય કર્મી હતા. શરૂઆતમાં તેમને એરપોર્ટના રસ્તામાં તાલિબાને રોકયા હતા. રિપોર્ટમાં સૂત્રોના હવાલાથી જણાવાયું છે કે આ દરમિયાન ભારતીય કર્મચારીઓનો કેટલોક અંગત સામાન પણ તાલિબાનના ફાઇટરોએ છીનવી લીધો હતો. કાબુલ એરપોર્ટમાં પરત આવવાનો પ્રયાસ કરી રહેલા અફદ્યાની નાગરિકોની ભીડની વચ્ચે ભારતીય કર્મચારીઓને બહાર કાઢવા ખૂબ જ મુશ્કેલ હતું.

કાબુલ એરપોર્ટનો રસ્તો બંધ હતો અને ભીડની હાજરીના કારણે પહેલા પ્લેનના રવાના થયા બાદ બાકી બચેલા કર્મચારીઓને બહાર કાઢી નહોતા શકાયા. રિપોર્ટ મુજબ, અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકન અને ભારતીય સમકક્ષ એસ. જયશંકરની વચ્ચે મોડી રાત્રે થયેલી વાતથી કદાચ ભારતીય કર્મચારીઓને કાબુલ એરપોર્ટ સુધી પહોંચાડવામાં મદદરૂપ સાબિત થઈ. મંગળવાર સવારે ઉપડેલું પ્લેન પહેલા જામનગર પહોંચ્યા બાદ હિંડન એરબેઝ પહોંચશે.

ગત સોમવારે વિદેશ મંત્રાલયે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું હતું કે, ભારત સરકાર અફઘાનિસ્તાનની સ્થિતિ પર સતત નજર રાખી રહી છે. મંત્રાલયના પ્રવકતા અરિંદમ બાગચીએ કહ્યું હતું કે ગત થોડા દિવસોમાં કાબુલમાં સ્થિતિ દ્યણી ઝડપથી ખરાબ થઈ ગઈ છે. તેમણે ટ્વીટ કરીને જાણકારી આપી હતી કે મંત્રાલયે અફદ્યાનિસ્તાનથી ભારત વાપસી અને બીજા નિવેદનો માટે વિશેષ અફદ્યાનિસ્તાન સેલ તૈયાર કર્યો છે. સાથોસાથ તેમણે ઇ-મેલ આઇડી અને ફોન નંબર પણ શેર કર્યો હતો.

(3:42 pm IST)