Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021

૧૦ દિવસની અંદર માગ્યો જવાબ

પેગાસસ મામલે સુપ્રિમ કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ ફટકારી

નવી દિલ્હી, તા.૧૭: આજે સુપ્રીમ કોર્ટમાં પેગાસસ કેસની સુનાવણી કરવામાં આવી હતી. નિષ્પક્ષ તપાસની માંગ કરતી અરજીઓ પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ પાઠવી તેનો જવાબ માંગ્યો છે. કોર્ટે કેન્દ્ર સરકારને ૧૦ દિવસમાં એફિડેવિટ દાખલ કરવા જણાવ્યું છે.

કેન્દ્ર સરકારે ગત રોજ સોમવારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે પેગાસસ જાસૂસીના આરોપોમાં છુપાવવા માટે કંઈ નથી અને તે કેસના તમામ પાસાઓ જોવા માટે મુખ્ય નિષ્ણાતોની  સમિતિની રચના કરશે. મુખ્ય ન્યાયાધીશ એનવી રમણા, ન્યાયમૂર્તિ સૂર્યકાંત અને ન્યાયમૂર્તિ અનિરુદ્ઘ બોઝની ત્રણ સભ્યોની બેન્ચે સરકારને કહ્યું હતું કે આ મુદ્દો એકદમ તકનીકી છે અને તમામ પાસાઓને નિષ્ણાતો દ્વારા તપાસવાની જરૂર છે.સોલિસિટર જનરલ તુષાર મહેતાએ ખંડપીઠને કહ્યું કે, છુપાવવા માટે કશું નથી. નિષ્ણાતોની સમિતિ દ્વારા તેની તપાસ કરવાની જરૂર છે. આ એક ખૂબ જ તકનીકી સમસ્યા છે. અમે આ ક્ષેત્રમાં અગ્રણી તટસ્થ નિષ્ણાતોની નિમણૂક કરીશું. વરિષ્ઠ પત્રકારો એન રામ અને શશી કુમાર તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલ, જેમણે જાસૂસીના આરોપોની તપાસની માગણી કરતી અરજી દાખલ કરી હતી, તેમણે કહ્યું કે સરકારના સોગંદનામામાં જણાવવામાં આવ્યું નથી કે સરકાર અથવા તેની એજન્સીઓ જાસૂસી સોફ્ટવેરનો ઉપયોગ કરે છે કે નહીં.૧૦ ઓગસ્ટના રોજ સુપ્રીમ કોર્ટે કેટલાક અરજદારો દ્વારા સોશિયલ મીડિયા પર જાસૂસીના મુદ્દે સમાંતર કાર્યવાહી અને દલીલોના જવાબમાં કહ્યું હતું કે શિસ્ત જાળવી રાખવુ જોઈએ અને અરજદારોને સિસ્ટમ પર થોડો વિશ્વાસ હોવો જોઈએ. સુપ્રીમ કોર્ટ ઇઝરાયેલના જાસૂસ સોફ્ટવેર પેગાસસની કથિત જાસૂસીની સ્વતંત્ર તપાસની માંગ કરતી અનેક અરજીઓની સુનાવણી કરી રહી છે.

ઇઝરાયેલી કંપની એનએસઓ તરફથી સ્પાયવેર પેગાસસનો ઉપયોગ કરીને જાણીતા નાગરિકો, રાજકારણીઓ અને પત્રકારો પર સરકારી એજન્સીઓ દ્વારા કથિત જાસૂસીના અહેવાલોને લગતી અનેક અરજીઓ કરવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય મીડિયા એસોસિએશને અહેવાલ આપ્યો છે કે પેગાસસ સ્પાયવેરનો ઉપયોગ કરીને સર્વેલન્સના સંભવિત લક્ષ્યોની યાદીમાં ૩૦૦ થી વધુ ચકાસાયેલ ભારતીય મોબાઇલ ફોન નંબરો હતા.

(3:41 pm IST)