Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021

પપ કરોડ ૪૭ લાખથી વધુ લોકોને કોરોના વાયરસની વેકસીન અપાઇ

એક જ દિવસમાં ૮૮ લાખ લોકોનું રસીકરણ : સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા ર૪ કલાકમાં દેશમાં રપ,૧૬૬ નવા પોઝીટીવ કેસો નોંધાયા, ૪૩૭ દર્દીના મોત

નવી દિલ્હી,તા.૧૭: દેશમાં કોરોનાની ત્રીજી લહેરના ડરની વચ્ચે કોવિડ વેક્સીનેશન અભિયાન વેગવંતુ બની ગયું છે. સોમવારે એક જ દિવસમાં ૮૮ લાખથી વધુ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત કુલ ૫૫ કરોડ ૪૭ લાખથી વધુ લોકોને કોરોનાના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. આ ઉપરાંત રાહતની બીજી વાત એ છે કે, ૨૪ કલાકમાં સંક્રમિત થનારા દર્દીઓની સંખ્યા ૩૦ હજારથી નીચે નોંધાઈ છે.

મંગળવાર સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૨૫,૧૬૬ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-૧૯ના કારણે ૪૩૭ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૩,૨૨,૫૦,૬૭૯ થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ ૫૫,૪૭,૩૦,૬૦૯ લોકોને કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે.

શનિવારના ૨૪ કલાકમાં ૮૮,૧૩,૯૧૯ કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે. દેશમાં કોવિડ-૧૯ મહામારી સામે લડીને ૩ કરોડ ૧૪ લાખ ૪૮ હજાર ૭૫૪ લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. ૨૪ કલાકમાં ૩૬,૮૩૦ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ભારતમાં હાલ રિકવરી રેટ ૯૭.૫૦ ટકા છે. હાલમાં ૩,૬૯,૮૪૬ એક્ટિવ કેસ છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ ૪,૩૨,૦૭૯ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચએ જાહેર કરેલા આંકડાઓ મુજબ, ૧૬ ઓગસ્ટ, ૨૦૨૧ સુધીમાં ભારતમાં કુલ ૪૯,૬૬,૨૯,૫૨૪ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. સોમવારના ૨૪ કલાકમાં ૧૫,૬૩,૯૮૫ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. ગુજરાતમાં કોરોના સંક્રમણની વાત કરીએ તો, છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧૪ નવા કેસ સામે આવ્યા છે.

સોમવારે કોરોના સંક્રમણથી રાજ્યમાં એક પણ દર્દીનું મોત નથી થયું. રાજ્યમાં હાલ ૧૮૪ એક્ટિવ કેસ છે અને ૭ દર્દી વેન્ટિલેટર પર છે. રાજ્યમાં સાજા થવાનો દર ૯૮.૭૬ ટકા છે. તો બીજી તરફ રસીકરણના મોરચે સોમવારે ૪,૫૮,૮૨૪ લોકોનું રસીકરણ થયું છે. સોમવાર સાંજ સુધીમાં અમદાવાદ શહેરમાંથી સૌથી વધુ ૬, વડોદરા કોર્પોરેશનમાં ૩, જૂનાગઢ કોર્પોરેશનમાં ૧, સાબરકાંઠા ૧, સુરત ૧, સુરત કોર્પોરેશન ૧ અને વલસાડમાં ૧ કેસ નોંધાયો છે. રાજ્યમાંથી વધુ ૧૩ દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. અત્યારસુધી કુલ ૮,૧૪,૯૩૪ દર્દીઓ કોરોનાને હરાવી ચૂક્યા છે.

જો એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ કુલ ૧૮૪ એક્ટિવ કેસ છે. જે પૈકી ૦૭ વેન્ટીલેટર પર છે. ૧૭૭ સ્ટેબલ છે. અત્યાર સુધી કોરોનાની સારવાર લઇને ૮,૧૪,૯૩૪ નાગરિકો સાજા થઇ ચુક્યા છે. ૧૦,૦૭૮ નાગરિકોનાં અત્યાર સુધીમાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યા છે.

(3:38 pm IST)