Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021

તાલિબાની શાસનમાં કાબૂલની સ્થિતિ ગનીની સરખામણીએ ઘણી સારી રહેશે

અફઘાનિસ્તાનમાં તાલિબાન રાજ પર રશિયાના નિવેદનથી વિશ્વ સ્તબ્ધ

નવી દિલ્હી, તા.૧૭:  અફઘાનિસ્તાનમાં ખરાબ થઈ રહેલી સ્થિતિની વચ્ચે રશિયાએ એક ચોંકાવનારૂ નિવેદન આપ્યું છે. રશિયાએ કહ્યું છે કે તાલિબાની શાસનમાં કાબૂલની સ્થિતિ ગનીની સરખામણીએ ઘણી સારી રહેશે. અફઘાનિસ્તાનમાં રશિયાના રાજદૂત દિમિત્રી જિરનોવે તાલિબાનના વખાણ કરતા કહ્યું કે કટ્ટરપંથી ઈસ્લામી ગ્રુપ તાલિબાને પહેલા ૨૪ કલાકમાં કાબૂલને ગની શાસનની સરખામણીએ વધારે સુરક્ષિત બનાવી દીધું છે. સ્થિતિ શાંતિપૂર્ણ અને સારી છે અને શહેરમાં હવે બધું જ શાંત થઈ ગયું છે. એક સમાચાર એજન્સી અનુસાર જિરનોવે આ વાત મોસ્કોના એકો મોસ્કિવી રેડિયો સ્ટેશન સાથે કરતા કહી હતી.

જિરનોવે કહ્યું કે ગનીનું શાસન પત્તાના મહેલની જેમ વિખરાઈ ગયુ. તેમના સમયે અવ્યવસ્થા ચરમ પર હતી. લોકોએ આશા ગુમાવી દીધી હતી અને વિકાસ શૂન્ય થઈ ગયુ હતુ. પરંતુ હવે તાલિબાનના ૨૪ કલાકમાં શાસનથી ખબર પડી કે શહેરમાં આવનાર દિવસોમાં બધુ બરાબર થઈ જશે.

જિરનોવે કહ્યું કે શરુમાં હથિયાર વગરના તાલિબાની યુનિટે કાબૂલમાં પ્રવેશ કર્યો હતો. બાદમાં સરકાર અને અમેરિકન દળોને પોતાના હથિયાર આત્મસર્પણ કરવા કહ્યું હતુ. પરંતુ જ્યારે તેમણે ઈન્કાર કર્યો તો તેમની હથિયાર ધારી ટીમે કાબૂલમાં પ્રવેશ કર્યો. આ બાદ ગની ડરીને ભાગી ગયેલ. ગનીના ભાગ્યા બાદ ત્યાં કર્ફ્યૂ લગાવવામાં આવ્યો. રશિયન રાજદૂતે કહ્યું તે તાલિબાને પહેલા જ રશિયા દૂતાવાસની સુરક્ષા પરિધિ પર નિયંત્રણ કરી દીધુ હતુ. જેમાંથી ૧૦૦ થી વધારે કર્મચારીઓ છે. તેમણે કહ્યું કે આજે મંગળવારે તે તાલિબાનની સાથે વિસ્તૃત રીતે સુરક્ષા અંગે વાત કરશે.

(1:06 pm IST)