Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021

વર્ષે આશરે ૧૨,૦૦૦ કરોડનું ટર્નઓવર : સૌથી અમીર સંગઠનોમાં સામેલ છે તાલિબાન

તાલીબાનની આવકનું સૌથી મોટું માધ્યમ અફીણનો ગેરકાયદે વેપાર છેઃ હેલમંડ નદીની આસપાસના વિસ્તારમાં દુનિયાનું ૯૦% હેરોઈન પેદા થાય છે

નવી દિલ્હી,તા.૧૭: અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં અત્યાધુનિક હથિયારો સાથે તાલિબાનોએ પોતાનું શાસન સ્થાપી દીધું છે. આ આતંકવાદી સંગઠન પાસે ખૂબ જ આધુનિક અને ઢગલાબંધ હથિયારો છે. સવાલ એ થાય કે આ આતંકવાદી સંગઠન પાસે પૈસા કયાંથી આવે છે? હકીકતમાં વર્ષ ૨૦૧૬માં ફોર્બ્સ મેગેઝિનમાં તાલિબાનને દુનિયાનું પાંચમું સૌથી અમીર આતંકી સંગઠન ગણાવવામાં આવ્યું હતું. એ વખતે તાલિબાનનું વાર્ષિક ટર્નઓવર ૪૦૦ મિલિયન ડોલર હતું. જોકે, વર્ષ ૨૦૧૯-૨૦૨૦માં નાટો (NATO)ના એક ગુપ્ત રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. રિપોર્ટ પ્રમાણે ચાર વર્ષમાં તાલિબાનનું ટર્નઓવર વધીને ૧.૬ બિલિયન ડોલર એટલે કે રૂ. ૧૧૮,૭૨૨,૪૦૦,૦૦૦ થઈ ગયું છે.

નાટોનો રિપોર્ટ કહે છે કે અઢળક આવકને પગલે આંતરરાષ્ટ્રીય સમુદાયના દબાણ છતાં તાલિબાનને પોતાના સંગઠનનો વિસ્તાર કરવામાં મદદ મળી હતી. આ રિપોર્ટના લેખલ લિન ઓ ડોનેલે તો એવું પણ કહ્યુ કે જો આતંકી સંગઠનની આવક આવી જ રીતે વધતી જશે તો તેના પર કાબૂ મેળવવો મુશ્કેલ બની જશે.

રિપોર્ટમાં ચેતવણી આપવામાં આવી છે કે જો તાલિબાન વિરુદ્ઘ વૈશ્વિક રીતે પગલાં નહીં ભરવામાં આવે તો તે એક અમીર સંગઠન બની રહેશે. અફઘાનિસ્તાનમાંથી અમેરિકા હટી ગયા બાદ હવે તાલિબાન ફકત દક્ષિણ એશિયામાં જ નહીં પરંતુ આખા વિશ્વમાં દેશોને અસ્થિત કરવાની તાકાત બની શકે છે.

તાલીબાનની આવકનું સૌથી મોટું માધ્ય અફીણનો ગેરકાયદે વેપાર છે. તાલિબાનની મજબૂત પકડ ધરાવતા દક્ષિણ અફઘાનિસ્તાનની હેલમંડ નદીની આસપાસના વિસ્તારમાં દુનિયાનું ૯૦% હેરોઈન પેદા થાય છે. તાલિબાન અફીણની ખેતી કરતા ખેડૂતો પાસેથી ટેકસની વસૂલી કરી છે અને ગેરકાયદે રીતે તેનો આખી દુનિયામાં વેપાર કરે છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે નાટો સેનાઓએ તાલિબાનની ગતિવિધિ પર રોક લગાવવા માટે જરૂરી કાર્યવાહી કરવી જોઈએ. સત્ત્।ા હાથમાંથી ગયા બાદ તાલિબાને ઈરાન, રશિયા અને હવે ચીન સાથે પોતાના સંબંધ સારા કરી લીધા છે. અમેરિકાની ડિફેન્સ ઇન્ટેલિજન્સ એજન્સીનું કહેવું છે કે તાલિબાનને ઈરાન તરફથી નાણાકીય, રાજનીતિક અને તાલિમ જેવી મદદ મળે છે.

  • તાલિબાનની આવકના મુખ્ય સ્ત્રોત

 માઇનિંગઃ $૪૬૪ મિલિયન

 ડ્રગ્સઃ $૪૧૬ મિલિયન

 વિદેશથી દાનઃ $૨૪૦ મિલિયન

 નિકાસઃ $૨૪૦ મિલિયન

 ટેકસ (પ્રોટેકશન અને ખંડણીની રકમ): $૧૬૦ મિલિયન

 રિયલ એસ્ટેટઃ $૮૦ મિલિયન

(10:18 am IST)