Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021

આ FPO રૂ.૪,૩૦૦ કરોડની હશે

બાબા રામદેવની રૂચી સોયાને FPO લોન્ચ કરવા માટે સેબીની મળી મંજુરી

મુંબઈ,તા.૧૭: પ્રાથમિક બજારમાં તેજી વચ્ચે અન્ય FPOને મંજૂરી આપવામાં આવી છે. એફપીઓ લાવવા માટે સેબીએ રૂચી સોયાની અરજી મંજૂર કરી છે. મહત્વનું છે કે રૂચી સોયાની માલિકી બાબા રામદેવની પતંજલિ આયુર્વેદ પાસે છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, આ FPO રૂ.૪,૩૦૦ કરોડની હશે.

જૂન મહિનામાં, રૂચી સોયાએ આ FPO માટે કાગળો દાખલ કર્યા હતા. આ એફપીઓમાંથી મળેલા અડધાથી વધુ નાણાં કંપનીના દેવાના બોજને ઘટાડવા માટે ઉપયોગમાં લેવાશે. આ FPO કંપનીને સેબીના લદ્યુતમ ૨૫ ટકા જાહેર શેરહોલ્ડિંગ નિયમનું પાલન કરવામાં મદદ કરશે.

મહત્વનું છે કે, Securities Contract (Regulation) Rules, ૧૯૫૭ મુજબ, લિસ્ટેડ કંપનીમાં ન્યૂનતમ જાહેર શેરહોલ્ડિંગ ૨૫ ટકા હોવી જોઈએ. આ નિયમને પૂર્ણ કરવા માટે, રૂચી સોયાના પ્રમોટરોએ આ રાઉન્ડમાં ઓછામાં ઓછા ૯ ટકા શેર વેચવા પડશે.

નોંધનીય છે કે, રૂચિ સોયામાં પ્રમોટર જૂથનો ૯૮.૯૦ ટકા હિસ્સો છે. મીડિયા અહેવાલો અનુસાર, કંપની FPO પાસેથી મેળવેલા નાણાંના ૬૦ ટકાનો ઉપયોગ લોન ચૂકવવા માટે કરશે. જયારે ૨૦ ટકા કાર્યકારી મૂડી માટે ઉપયોગમાં લેવાશે અને બાકીના ૨૦ ટકા સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે ઉપયોગમાં લેવાશે.

૨૦૧૯માં, પતંજલિ આયુર્વેદે રૂચિ સોયાને ૪,૩૫૦ કરોડ રૂપિયામાં નાદારી પ્રક્રિયા હેઠળ હસ્તગત કરી હતી. રુચી સોયા મુખ્યત્વે તેલીબિયાંની પ્રક્રિયા, ખાદ્યતેલોને શુદ્ઘ કરવા અને સોયા ઉત્પાદનોના ઉત્પાદનમાં સોદા કરે છે. મહાકોષ, સનરિચ, રૂચી ગોલ્ડ અને ન્યુટ્રેલા કંપનીની જાણીતી બ્રાન્ડ છે.

NSE પર રૂચી સોયાનો શેર સોમવારે ૧૧૩૧ની આસપાસ કારોબાર કરી રહ્યો છે. તે જાણીતું છે કે, પુનઃસ્થાપિત કર્યા પછી, રૂચી સોયાના શેરમાં ઘણો વધારો જોવા મળ્યો હતો. કંપનીના શેરમાં સતત ઉપલી સર્કિટ હતી.

(10:17 am IST)