Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021

પીએમ મોદીએ ઈઝરાયલના પીએમ નફતાલી બેનેટ સાથે કરી વાત: ટેકનોલોજી અને ઈનોવેશન પર દર્શાવી સહમતિ

ભારત-ઈઝરાયેલ સહયોગના તમામ ક્ષેત્રોની સમીક્ષા કરી અને વ્યૂહાત્મક ભાગીદારીની જબરદસ્ત ક્ષમતા પર સહમતી દર્શાવી

નવી દિલ્હી :વડાપ્રધાન મોદીએ ઈઝરાયલના વડાપ્રધાન નફતાલી બેનેટ સાથે વાતચીત કરી હતી. આ અંગે તેમણે ટ્વીટ કરીને માહિતી આપી હતી. પીએમ મોદીએ કહ્યું ‘પ્રધાનમંત્રી નફતાલી બેનેટ સાથે વાત કરીને આનંદ થયો. મેં તેમને ફરીથી તેમની નિમણૂક માટે અભિનંદન આપ્યા. અમે ભારત-ઈઝરાયેલ સહયોગના તમામ ક્ષેત્રોની સમીક્ષા કરી અને આપણી વ્યૂહાત્મક ભાગીદારીની જબરદસ્ત ક્ષમતા પર સહમતી દર્શાવી. ખાસ કરીને ટેકનોલોજી અને નવીનીકરણમાં.

આ પહેલા પણ વડાપ્રધાન મોદીએ 14મી જૂને ઈઝરાયલના વડાપ્રધાન તરીકે શપથ લેવા બદલ દક્ષિણપંથી યામીના પાર્ટીના નેતા નફતાલી બેનેટને અભિનંદન આપ્યા હતા અને કહ્યું હતું કે તેઓ બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવા આતુર છે. વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને કહ્યું હતું કે નફતાલી બેનેટને ઈઝરાયલના વડાપ્રધાન બનવા બદલ અભિનંદન. અમે આવતા વર્ષે અમારા રાજદ્વારી સંબંધોને અપગ્રેડ કર્યાના 30 વર્ષ પૂર્ણ કરી રહ્યા છીએ અને હું આ પ્રસંગે તમને મળવા અને બંને દેશો વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબુત કરવા ઉત્સુક છું.

ઈઝરાયેલના નફતાલી બેનેટે કહ્યું કે તેઓ ભારત સાથેના “અદભૂત અને ઉષ્માભર્યા સંબંધો”ને વધુ મજબૂત કરવા માટે વડાપ્રધાન મોદી સાથે કામ કરવા માટે ઉત્સુક છે. બેનેટે મોદીના અભિનંદનકારી ટ્વીટના જવાબમાં આ વાત કરી હતી.

બેનેટે 13 જૂને ઈઝરાયલના વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા. આ સાથે 12 વર્ષ સુધી વડાપ્રધાન પદ પર રહેલા બેન્જામિન નેતન્યાહૂનો કાર્યકાળ સમાપ્ત થયો. ઈઝરાયલની 120 સભ્યોની સંસદ ‘સેનેટ’માં 60 સભ્યોએ નવી સરકારની તરફેણમાં અને 59 સભ્યોએ તેની વિરુદ્ધ મત આપ્યો. આ દરમિયાન એક સભ્ય ગેરહાજર રહ્યા. આ નવી સરકારમાં 27 મંત્રીઓ છે, જેમાંથી નવ મહિલાઓ છે.

(9:45 am IST)