Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021

ભારતે તમામ પડોશી દેશો અંગે તેની વિદેશ નીતિની સમીક્ષા કરવાની જરૂર : શરદ પવાર

પૂર્વ સંરક્ષણમંત્રીએ કહ્યું એક સમય હતો જ્યારે ચીન અને પાકિસ્તાનને છોડીને અન્ય પડોશી દેશો સાથે સારા સંબંધો હતા

મુંબઈ :  રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) ના પ્રમુખ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શરદ પવારે કહ્યું હતું કે અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજાને પગલે ભારતે તમામ પડોશી દેશો અંગે તેની વિદેશ નીતિની સમીક્ષા કરવાની જરૂર છે

 . અફઘાનિસ્તાન ઉપર આવેલા સંકટ વિશે પૂછવામાં આવતા તેમણે પત્રકારોને કહ્યું, આપણે સતર્ક રહેવું જોઈએ અને લાંબા ગાળાની સાવચેતી રાખવી જોઈએ. એક સમય હતો જ્યારે ચીન અને પાકિસ્તાનને છોડીને અન્ય પડોશી દેશો સાથે અમારા સારા સંબંધો હતા.

પૂર્વ સંરક્ષણ મંત્રીએ કહ્યું, ‘અન્ય દેશોને લઈને આપણી વિદેશ નીતિની સમીક્ષા કરવાનો સમય આવી ગયો છે. પરિસ્થિતિ સારી નથી, પણ આ સંવેદનશીલ મુદ્દો છે. અમે સરકારને આ મુદ્દે સહકાર આપીશું કારણ કે તેમાં રાષ્ટ્રીય સુરક્ષાની બાબત છે.અફઘાનિસ્તાનની સરકારના પતન બાદ અને રાષ્ટ્રપતિ અશરફ ગનીએ દેશ છોડ્યા બાદ તાલિબાન આતંકવાદીઓએ રાજધાની કાબુલ પર કબજો કરી લીધો હતો. અફઘાનિસ્તાનની રાજધાનીમાં અરાજકતાની સ્થિતિ છે જ્યાં ડરી ગયેલા લોકો કોઈ પણ ભોગે દેશમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરી રહ્યા છે.

(12:00 am IST)