Gujarati News

Gujarati News

News of Tuesday, 17th May 2022

કિન્નરોને મળશે શિક્ષણ, સુરક્ષા અને આવાસની સુવિધાઓઃ ટ્રાન્સજેન્ડર પોર્ટલ લોન્ચ

યોગી સરકારની અભૂતપૂર્વ પહેલ

લખનોૈ તા.૧૭:  ઉત્તર પ્રદેશ સરકારે થર્ડ જેન્ડરને પણ સમાનતાનો અધિકાર આપવાની ચિંતા કરી છે. તેમને પણ શિક્ષણથી માંડીને સુરક્ષાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની પહેલ શરૃ કરાઇ છે. તેમની સમસ્યાઓ પર વિચાર કરવા ઉપરાંત તેમને કઇ સુવિધાઓ ઉપલબ્ધ કરાવી શકાય તેના માટે એક સમિતિ પણ બનાવાઇ છે. કલેકટર આ કમિટીના અધ્યક્ષ રહેશે. રાજ્યના દરેક જીલ્લાઓમાં આ અભિયાન શરૃ કરાયું છે.

રાજયના સમાજકલ્યાણ, અનુસૂચિત જાતિચ અને જનજાતિ કલ્યાણ પ્રધાન અસીમ અરૃણ દ્વારા યોગી સરકારના નિર્દેશો  પર થર્ડ જેન્ડરને મુખ્ય ધારામાં જોડવા માટે કામ થઇ રહ્યું છે. અસીમ અરૃણનું કહેવું છે કે કિન્નર કોઇ પણ સુવિધાથી વંચિત ના રહેવા જોઇએ. અત્યાર સુધી કિન્નરો ઘણી સુવિધાઓથી વંચિત છે અને તેઓ સુવિધાઓની માંગણી પણ નથી કરી શકતા, તેમની સમસ્યાઓના નિરાકરણ તથા અન્ય સુવિધા ઉપાલબ્ધ કરાવવા માટે યોજના બનાવાઇ છે. જેના હેઠળ જીલ્લાઓમાં કમિટી બનાવવામાં આવી છે. નોંધપાત્ર વાત એ છે કે આ કમિટીમાં કિન્નરોના બે પ્રતિનિધીઓ પણ સામેલ કરાયા છે.

કિન્નરોને મુખ્ય ધારામાં જોડવાના પ્રયાસરૃપે ટ્રાન્સજેન્ડર પોર્ટલ અસીમ અરૃણ દ્વારા શરૃ કરી દેવાયું છે. યોગી સરકારે કિન્નરોની પ્રગતિ માટે ઘણા નિર્ણયો લીધા છે. અસીમ અરૃણે કહ્યું કે કિન્નરોને મુખ્ય ધારામાં લાવવા માટે ભારત સરકારના ટ્રાન્સજેન્ડર પોર્ટલ પર તેમનું રજીસ્ટ્રેશન ઝડપથી કરવામાં આવશે. ટ્રાન્સજેન્ડરોને શિક્ષિત  કરવા માટે તેમને શાળાઓમાં પ્રવેશ અપાશે. તેમની સુરક્ષા માટે દરેક પોલિસ સ્ટેશનમાં સુરક્ષા વિભાગ પણ સ્થાપિત કરવામાં આવશે.

જીલ્લા સમાજ કલ્યાણ અધિકારી લલિતા યાદવે જણાવ્યું કે અત્યારે તેમના આવાસની સમસ્યા સામે આવી છે. આવાસ બાબતે તેમને બહુ મુશ્કેલી પડે છે. તેના નિરાકરણ માટે પ્રયાસો કરવામાં આવશે. આ ઉપરાંત તેમની આવક બાબતે પણ વિચારણા કરીને કોઇ રસ્તો કાઢવામાં આવશે.

(2:05 pm IST)