Gujarati News

Gujarati News

News of Tuesday, 17th May 2022

૬૯% સ્ત્રીઓ, ૭૪% પુરૃષો માને છે કે એક પુત્રી હોવી જોઇએ

નેશનલ ફેમિલી હેલ્થ સર્વે - ગુજરાતમાં ૧૫ ટકા સ્ત્રીઅો અને ૧૭ ટકા પુરૂષોને પુત્રી કરતા વધુ પુત્ર પસંદ ગુજરાતમાં બે બાળકોનું ચલણ હવે સર્વ સામાન્ય બની ગયું

નવી દિલ્હી તા. ૧૭ : ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી દિકરીઓને દિકરા જેટલું જ મહત્વ મળતું થયું હોવા છતાં પણ એક નાનો વર્ગ એવો છે જેઓ પુત્રી કરતા પુત્ર વધુ પસંદ કરે છે. નેશનલ ફેમિલી હેલ્થ સર્વે મુજબ ૧૫ ટકા સ્ત્રીઓ અને ૧૭ ટકા પુરુષોને પુત્રી કરતા પુત્ર વધુ જોઇતા હોય છે. ફકત ૪ ટકા  સ્ત્રી-પુરૃષો જ એવા છે જેમને દિકરાની તુલનામાં દીકરી વધુ જોઇએ છે એટલે કે પસંદ છે. તો ગુજરાતમાં બે બાળકોનું ચલણ હવે સર્વ સામાન્ય બની ગયું છે.

ગુજરાતમાં સામાન્ય રીતે પુરુષો કરતા મહિલાઓનું પ્રમાણ ઓછુ રહ્યું છે તેનું કારણ સરેરાશ કુટુંબમાં પુત્ર કરતા પુત્રીને વધુ પ્રાધાન્ય અપાતું હોવાનું ગણાય છે. વર્ષ ૨૦૧૯-૨૧ના નેશનલ ફેમિલી હેલ્થ સર્વે- પાંચમાં દર હજાર પુરુષે મહિલાઓનું પ્રમાણ ૯૬પનું છે. જો કે ચોથા સર્વેમાં આ પ્રમાણ ૯૫૦નું હતું, જેમાં થોડો સુધારો થવા પામ્યો છે. ગુજરાતમાં પુત્ર કરતા પુત્રીને વધુ પ્રાધાન્ય અપાતું હોવાનું સર્વેમાં કહેવામાં આવ્યું છે. સરેરાશ ૧૬ ટકા  સ્ત્રી-પુરુષ પુત્રીઓ કરતા પુત્રને વધુ મહત્વ આપતા હોય છે. તેની સામે દિકરા કરતા વધુ દિકરીની પસંદગી હોય તેવા  સ્ત્રી-પુરુષની ટકાવારી ફકત ચાર ટકા જ છે. તો ૭૪ ટકા જેટલી  સ્ત્રીઓ અને ૭૯ ટકા પુરુષો ઓછામાં ઓછો એક પુત્ર હોવો જોઇએ તેમ માને છે. તો ૯ ટકા  સ્ત્રીઓ અને ૭૪ ટકા પુરુષો પણ ઓછામાં ઓછી એક પુત્રી હોવી જોઇએ તેમ માની રહ્યા છે. આ બન્ને તફાવતનું પ્રમાણ જેટલું ઓછુ થશે તેટલી પુત્રીઓની સંખ્યા વધતી જશે તે સ્પષ્ટ છે.

પુત્ર ઘેલછાનું પ્રમાણ હજુ પણ કેટલાક કુટુંબોમાં વધુ હોવાનું એક પ્રમાણ સર્વેની અન્ય વિગત પણ છે. જેમાં કુટુંબમાં પુત્રની સંખ્યા કેટલી છે તે ફેકટર વધુ અસરકારક છે. ઉદાહરણ તરીકે ૯૦થી ૯૧ ટકા મહિલાઓને જો એક કે બે પુત્ર હશે તો તેઓ વધુ બાળકો પસંદ કરતા નથી. તેની સામે ૫૫ ટકા મહિલાઓ જ એવી છે જે બે પુત્રીઓ ધરાવતી હોય તો વધુ બાળકો પસંદ કરતી નથી. તેની સાથે જ કુટુંબમાં બે બાળકો જ બરાબર હોવાની ટકાવારી ઉચી છે. ભારતમાં સરેરાશ દર હજાર પુરુષે મહિલાનું પ્રમાણ ૧૦૨૦નું થયું છે એટલે કે વધ્યું છે તેની સામે ગુજરાતમાં ૯૪૫  સ્ત્રીનું પ્રમાણ ઓછુ છે. અન્ય કેટલાક રાજયમાં પણ સરેચશ મહિલાઓની સંખ્યા વધુ છે. જો કે છેલ્લા કેટલાક સમયથી શિક્ષણનું પ્રમાણ વધતા પહેલા કરતા સ્થિતિ સુધરી રહી હોવાનું પણ દેખાઇ આવે છે.

(1:51 pm IST)