Gujarati News

Gujarati News

News of Tuesday, 17th May 2022

હવે છત્રપતિ શિવાજી મહારાજના વંશજ સંભાજી રાજેનો રાજ્યસભાનો માર્ગ મોકળો: શરદ પવારે આપ્યું સમર્થન

શરદ પવારે કહ્યું તેમની પાર્ટીના એક ઉમેદવારને રાજ્યસભામાં ચૂંટાવા માટે જરૂરી સંખ્યામાં વોટ મળ્યા બાદ બાકી રહેલા વોટ સંભાજી રાજેને આપશે

મુંબઈ :મહારાષ્ટ્રની રાજ્યસભાની 6 બેઠકો માટે 10 જૂને ચૂંટણી યોજાશે, એનસીપીના પ્રમુખ શરદ પવારે રાજ્યસભા માટે સંભાજીરાજે છત્રપતિની ઉમેદવારીને સમર્થન આપવાની જાહેરાત કરી છે. શરદ પવારે કહ્યું હતું કે તેમની પાર્ટીના એક ઉમેદવારને રાજ્યસભામાં ચૂંટાવા માટે જરૂરી સંખ્યામાં વોટ મળ્યા બાદ બાકી રહેલા વોટ સંભાજી રાજેને આપવામાં આવશે. સંભાજીરાજે છત્રપતિ શિવાજી મહારાજના વંશજ છે. રાષ્ટ્રપતિ દ્વારા નિયુક્ત રાજ્યસભાના સાંસદ તરીકે સંભાજી રાજેનો કાર્યકાળ સમાપ્ત થઈ ગયો છે.

 તેમણે પ્રેસ કોન્ફરન્સ કરીને પોતાની નવી રાજકીય ભૂમિકા સ્પષ્ટ કરી હતી. તેમણે કહ્યું હતું કે તેઓ રાજ્યસભા માટે સ્વતંત્ર ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે. આ માટે તેમણે મહા વિકાસ અઘાડી (એનસીપી, કોંગ્રેસ, શિવસેના) અને ભાજપ પાસેથી સમર્થન માંગ્યું હતું.

નંબર ગેમ પ્રમાણે મહારાષ્ટ્રની કુલ 6 બેઠકોમાંથી ભાજપના 2 ઉમેદવારો અને બાકીના ત્રણ પક્ષોમાંથી 1-1 ઉમેદવારોની જીત નિશ્ચિત છે. જો બાકીની એક બેઠક અને બાકીના તમામ પક્ષોના મતોનું ગણિત ધ્યાનમાં લેવામાં આવે તો ભાજપ માટે ત્રીજો ઉમેદવાર જીતાડવો સરળ નહીં રહે. તેમજ મહાવિકાસ અઘાડીની ત્રણેય પાર્ટીઓ માટે પણ વધારાનો એક ઉમેદવાર જીતાડવો સરળ નહીં રહે. આવી સ્થિતિમાં સંભાજી રાજે સર્વસંમતિથી રાજ્યસભામાં ચૂંટાય તેવી આશા સેવી રહ્યા છે. કોઈપણ રીતે છત્રપતિ શિવાજી મહારાજના વંશજ હોવાના કારણે કોઈપણ પક્ષ તેમનો વિરોધ કરે તેવી શક્યતા ઓછી છે. આવી સ્થિતિમાં સૌથી પહેલા શરદ પવારે પોતાનું સમર્થન જાહેર કર્યું છે.

હવે સંભાજીને અન્ય પક્ષો પાસેથી પણ આવી જ અપેક્ષાઓ છે. ગત વખતે તેઓ ભાજપ અને દેવેન્દ્ર ફડણવીસનું સમર્થન મેળવીને જ રાજ્યસભામાં પહોંચ્યા હતા. સોમવારે રાયગઢ જિલ્લાના અપક્ષ ધારાસભ્ય મહેશ બાલદીએ પણ છત્રપતિ સંભાજી રાજેને પોતાનું સમર્થન જાહેર કર્યું છે.

દેશભરમાં રાજ્યસભાની ખાલી પડેલી 57 બેઠકો પર ચૂંટણી થઈ રહી છે. તેમાંથી મહારાષ્ટ્રમાં 6 બેઠકો છે. શિવસેનાના સંજય રાઉત, ભાજપના પીયૂષ ગોયલ, વિકાસ મહાત્મે, વિનય સહસ્ત્રબુદ્ધે, એનસીપીના પ્રફુલ પટેલ અને કોંગ્રેસના પી. ચિદમ્બરમનો કાર્યકાળ પૂરો થઈ ગયો છે. આ છ બેઠકો માટે જૂનમાં મતદાન થવાનું છે. શિવસેના તરફથી સંજય રાઉત, એનસીપી તરફથી પ્રફુલ પટેલ અને ભાજપ તરફથી પીયૂષ ગોયલની ઉમેદવારી લગભગ નિશ્ચિત માનવામાં આવી રહી છે.

(12:41 am IST)