Gujarati News

Gujarati News

News of Tuesday, 17th May 2022

શ્રીલંકા સૌથી મોટા સંકટમાં ફસાયું: હવે માત્ર એક દિવસ જેટલુ જ પેટ્રોલ વધ્યું !!

રાનિલ વિક્રમસિંઘેએ રાષ્ટ્રને સંબોધનમાં કહ્યું - આવનારા કેટલાક મહિનામાં આપણુ જીવન વધુ મુશ્કેલી બનશે. હું કોઈ સત્ય છુપાવવા માંગતો નથી

કોલંબો :  તાજેતરમાં પીએમનું પદ સંભાળનાર રાનિલ વિક્રમસિંઘે કહ્યું છે કે શ્રીલંકા પાસે હવે માત્ર એક દિવસનું પેટ્રોલ બચ્યું છે. અગાઉ, રાનિલ વિક્રમસિંઘેએ ટીવી દ્વારા દેશને સંબોધિત કરતા કહ્યું હતું કે તેમનો પ્રથમ ઉદ્દેશ્ય દેશને બચાવવાનો છે અને કોઈ વ્યક્તિ, પરિવાર કે જૂથને નહીં. તેમનો ઈશારો પૂર્વ વડાપ્રધાન મહિન્દા રાજપક્ષે અને તેમના પરિવારનો તરફ હતો

   વિક્રમસિંઘેએ દેશના લોકોને સાવધાન કરતા જણાવ્યું કે, આવનારા કેટલાક મહિનામાં આપણુ જીવન વધુ મુશ્કેલી બનશે. હું કોઈ સત્ય છુપાવવા માંગતો નથી અને જનતા સમક્ષ જુઠ્ઠુ બોલવા પણ માંગતો નથી. જો કે આ બાબતો ડરામણી છે પરંતુ હવે આ જ સત્ય છે. જો કે શ્રીલંકાના વડાપ્રધાને પણ વિદેશી મદદની આશા વ્યક્ત કરી છે

  અત્રે ઉલ્લેખનીય છે કે શ્રીલંકાની સરકારને ખર્ચ ચલાવવા માટે 2.4 ટ્રિલિયન શ્રીલંકન ચલણની જરૂર છે, જ્યારે સરકારને મળેલી આવક માત્ર 1.6 ટ્રિલિયન છે. શ્રીલંકામાં કટોકટી શરૂ થઈ ત્યારથી, આ પ્રથમ વખત છે જ્યારે સરકારે હકીકતોને સ્વીકારી છે કે તેના વિદેશી મુદ્રા ભંડાર સમાપ્ત થવાના આરે છે, જેના કારણે તેલ અને અન્ય આવશ્યક ચીજો ખરીદવામાં દેશઅસમર્થ છે.

શ્રીલંકાના વડા પ્રધાને કહ્યું કે, સરકાર સંચાલિત એરલાઇન્સનું ટૂંક સમયમાં ખાનગીકરણ કરવામાં આવશે કારણ કે તેની ખોટમાં વધારો થયો છે. તેમણે વધુમાં કહ્યું કે આ નુકસાન સામાન્ય જનતા ઉઠાવી રહી છે જે કદાચ ક્યારેય આ પ્લેનમાં સવાર પણ ન થયા હોય.

શ્રીલંકા તેના ઈતિહાસના અત્યાર સુધીના સૌથી ખરાબ આર્થિક પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે. શ્રીલંકાનો વિદેશી મુદ્રા ભંડાર સમાપ્ત થઈ ગયો છે, જેના કારણે તે આંતરરાષ્ટ્રીય બજારમાંથી આવશ્યક ચીજવસ્તુઓ ખરીદવા માટે સક્ષમ નથી. આ કારણે તેની પાસે ન તો પેટ્રોલ બચ્યું છે કે ન તો રાંધણગેસ. તેની વચ્ચે પાવર કટ અને વધતી મોંઘવારીએ શ્રીલંકામાં સામાન્ય લોકોનું જીવન મુશ્કેલ બનાવી દીધું છે.

(11:20 pm IST)