Gujarati News

Gujarati News

News of Saturday, 17th April 2021

કોરોના દર્દીઓના બેડ સુનિશ્ચિત કરો ,ટેસ્ટિંગ ,ટ્રેકિંગ અને ટ્રીટમેન્ટ પર બાંધછોડ નહિ કરવાનો પીએમ મોદીનો આદેશ

હોસ્પિટલો અને આઈસોલેશન સેન્ટરોમાં વધારાના બેડ્સ ગોઠવવા કોરોના સમીક્ષા બેઠકમાં અધિકારીઓને આપ્યા નિર્દેશ

નવી દિલ્હી : પીએમ મોદીએ કોરોના સમીક્ષા બેઠકમાં અધિકારીઓને કોરોના દર્દીઓના બેડની ઉપલબ્ધતા તથા ટેસ્ટિંગ, ટ્રેકિંગ, ટ્રીટમેન્ટ પર બાંધછોડ ન કરવાનો આદેશ આપ્યા છે. પીએમ મોદીએ કામચલાઉ હોસ્પિટલો અને આઈસોલેશન સેન્ટરોમાં વધારાના બેડ્સ ગોઠવવાનો અધિકારીઓ તથા વહિવટીતંત્રને નિર્દેશ આપ્યા હતા. બેઠકમાં પીએમ મોદીએ વિવિધ દવાઓની વધતી જતી માંગને પહોંચી વળવા ફાર્માસ્યુટિકલ કંપનીઓની પૂરી ક્ષમતાના ઉપયોગની જરુરિયાત પર ખાસ ભાર મૂક્યો હતો. 

પીએમ મોદીએ વેન્ટિલેટર્સની ઉપલબ્ધતા તથા રિયલ ટાઈમ મોનિટરિંગ પર પણ ભાર મૂક્યો હતો. બેઠકમાં પીએમ મોદીએ કહ્યું કે રેમડેસિવિર અને બીજી દવાઓ મેડિકલ ગાઈડલાઈન હેઠળ જ માન્યતાપ્રાપ્ત હોવી જોઈએ. જીવનરક્ષક દવાઓની કાળાબજારી તથા તેના દુરપયોગને કોઈ પણ સંજોગોમાં અટકાવવું જ પડશે. 

પ્રધાનમંત્રીએ જણાવ્યું કે કોવિડ-19 સામેની લડાઈમાં રાજ્ય સરકારો સાથે ગાઢ સમન્વય પણ સુનિશ્ચિત થવો જોઈએ. તેમણે કહ્યું કે ટેસ્ટિંગ, ટ્રેકિંગ અને ટ્રીટમેન્ટ પર કોઈ પણ પ્રકારની બાંધછોડ ન થવી જોઈએ. સ્થાનિક વહિવટીતંત્રે લોકોની ચિંતા પર વધારે સંવેદનશીલ બનવું જોઈએ. કોરોનાના તમામ દર્દીઓને હોસ્પિટલમાં બેડ મળી રહે તેવી વ્યવસ્થા કરવાનો પણ તેમણે ટોચના અધિકારીઓને નિર્દેશ આપ્યો હતો. 

(11:13 pm IST)