Gujarati News

Gujarati News

News of Saturday, 17th April 2021

રાજકોટમાં આજે પણ કોરોનાનું કાળચક્ર ફરી વળ્યુઃ વધુ ૬૮ના મોતઃ નવા ૨૪૮ કેસ

સરકારની કોવિડ ઓડિટ કમિટીનાં રિપોર્ટ મુજબ ગઇકાલે ૫૨ પૈકી ૧૫ જ કોવિડ ડેથઃ હાલમાં ૪૩૧૨ દર્દીઓ સારવાર હેઠળઃ કુલ કેસનો આંક ૨૫,૮૭૨ થયોઃ આજ દિન સુધીમાં ૨૧,૧૩૫ દર્દીઓ સાજા થયાઃ રિકવરી રેટ ૮૨.૪૮ ટકા થયો

રાજકોટ તા. ૧૭: શહેર - જિલ્લામાં કોરોનાનાં કેસ અને મોતનો આંક દિવસેને દિવસે વધતો જાય છે ત્યારે છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાની સારવાર દરમિયાન ૬૮નાં મૃત્યુ થયા છે. જયારે શહેરમાં બપોર સુધીમાં ૨૪૮ કેસ નોંધાયા છે.

આ અંગે તંત્રની સતાવાર વિગતો મુજબ રાજકોટમાં કોરોનાની સારવાર હેઠળ તા.૧૬નાં સવારનાં ૮ વાગ્યા થી તા.૧૭નાં સવારનાં ૮ વાગ્યા સુધીમાં છેલ્લા ૨૪ કલાકમાં શહેર-જીલ્લાના ૬૮ દર્દીઓએ દમ તોડી દીધો હતો.

 ગઇકાલે ૫૨ પૈકી ૧૫ મૃત્યુ કોરોનાને કારણે થયાનું સરકારની કોવિડ ઓડિટ કમિટીનાં રિપોર્ટમાં જણાવ્યુ હતુ.

શહેર અને જીલ્લામાં સરકારી-ખાનગી હોસ્પિટલમાં ૧૫૦ બેડ ખાલી છે.

નોંધનીય છે કે, શહેરમાં કોરોના સંક્રમણનો આંકડો ૭૬૮૦૦ને પાર કરી ગયો છે ત્યારે શહેર - જિલ્લાનું આરોગ્ય તંત્ર ફરી હરકતમાં આવ્યું છે અને ટેસ્ટીંગ વધાર્યું છે. કન્ટેન્ટમેન્ટ ઝોનની કામગીરીમાં ઝડપ લાવવામાં આવી છે. જેથી સંક્રમણને કાબુમાં લઇ શકાય.

દરમિયાન છેલ્લા ૨૪ કલાકમાં કોવિડ હોસ્પિટલમાં  ૬૮ દર્દીઓના મોતથી લોકોમાં ફફડાટ ફેલાયો છે.

 બપોર સુધીમાં કોરોનાના ૨૪૮ કેસ

આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં   કુલ ૨૪૮ નવા કેસ સાથે શહેરમાં અત્યાર સુધીમાં કુલ  ૨૫,૮૭૨ પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે.

ગઇકાલે કુલ ૧૪,૪૦૯ સેમ્પલ લેવાયા હતા.જેમાં ૭૦૭  કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૪.૯૧ ટકા થયો  હતો. જયારે ૩૮૪ દર્દીઓે સાજા થયા હતા.

આજ દિન સુધીમાં ૮,૩૬,૦૫૫ લોકોનાં  ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૨૫,૮૭૨ સંક્રમીત થતા પોઝિટિવ રેટ ૩.૦૬ ટકા થયો છે.

જયારે શહેરમાં હાલમાં સરકારી હોસ્પિટલ, ખાનગી હોસ્પિટલ તથા હોમ આઇસોલેશન હેઠળ ૪૩૧૨  દર્દીઓ સારવાર હેઠળ છે.

(3:01 pm IST)