Gujarati News

Gujarati News

News of Sunday, 17th January 2021

ભાજપના જ સંસદે અદાણીને કર્યો અણીયારો સવાલ : સંપત્તિ ડબલ થઇ છે તો બેંકોની લોન કેમ ભરતા નથી ?

અદાણી પર 4.5 લાખ કરોડ બાકી હોવાનો સુબ્રમણ્યમ સ્વામીનો દાવો : સ્વામીએ કહ્યું -તેમની સંપત્તિ દ્વારા તમામ બેંકોને ખરીદવાની ક્ષમતા ધરાવે છે, તેમ છતાં બેંકોની રકમ પરત કરવાની તેમની કોઈ ઈચ્છા જ નથી

નવી દિલ્હી : ભાજપના રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ ફરીથી પોતાના જૂના અંદાજ પ્રમાણે કેન્દ્ર સરકારની નીતિઓ અને કામગીરીની આડકતરી રીતે આલોચના કરી છે, આ વખતે સીધી રીતે મોદી સરકારની બદલે સરકારની નજીકના કહેવાતા ઉદ્યોગપતિ ગૌતમ અદાણી પર તેમણે નિશાન સાધ્યું છે.

સુબ્રમણ્યમ સ્વામી એ બેંકોની વધતી જતી એનપીએ અને ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની બેંકોની પ્રત્યે વધતી જતી દેણદારીને લઈને આકરા પ્રહારો કર્યા હતા અને સવાલો ઉઠાવ્યા હતા.

ખાસ વાત એ છે કે તેમણે અદાણી પર કટાક્ષ પણ કર્યો હતો જેમાં કહ્યું હતું કે તેમની સંપત્તિ દ્વારા તેઓ તમામ બેંકોને ખરીદવાની ક્ષમતા ધરાવે છે, તેમ છતાં બેંકોની રકમ પરત કરવાની તેમની કોઈ ઈચ્છા જ નથી.

ભાજપના વરિષ્ઠ નેતાએ તેના ટ્વીટમાં લખ્યું હતું કે ટ્રેપ આર્ટિસ્ટ અદાણી પર બેંકોની એનપીએના રૂપમાં 4.5 લાખ કરોડ રૂપિયા હજુ બાકી છે, અને જો હું ક્યાંક ખોટો પણ છું તો મારી ભૂલ સુધારો, પરંતુ 2016થી દર બે વર્ષે અદાણીની સંપત્તિ ડબલ થઇ રહી છે તો પછી તેઓ કેમ બેંકોની રકમ ચૂકવી નથી દેતા? બની શકે છે કે જે 6 એરપોર્ટ તેમણે ખરીદ્યાં છે, જલ્દીથી જ જે રકમ મળશે, તેનાથી તેઓ બધી બેંકોને પણ ખરીદી લેશે.

અત્રે ઉલ્લેખનીય છે કે ખેડૂત આંદોલનને લઈને અદાણી અને અંબાણીની કંપનીઓ સોશિયલ મીડિયામાં ખૂબ જ ટ્રોલ થઇ રહી છે, બંને એ મીડિયામાં આ વાતને લઈને સ્પષ્ટતા પણ આપી છે, છતાં ય જે રીતે બેંકોની એનપીએ વધતી જઈ રહી છે, તે દેશમાં એક મોટા આર્થિક સંકટની તરફે ઈશારો કરે છે, અને સરકાર તેને મેનેજ કરવા માટે બેંકોના મર્જર અને એકીકરણમાં પડી છે, જો કે વિપક્ષ લગાતાર સરકારની દાનત પર સવાલો ઉભા કરી રહ્યું છે

(10:52 am IST)