Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

જજ લોયાના મોત મામલાને બીજી બેંચની પાસે મોકલાશે

સુપ્રીમ કોર્ટમાં હાલમાં જારી વિવાદ વચ્ચે સંકેત : સુનાવણી દરમિયાન જસ્ટિસ અરુણ મિશ્રાનો સ્પષ્ટ સંકેત

નવીદિલ્હી, તા. ૧૭ : સુપ્રીમ કોર્ટના ચાર સિનિયર જજના ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા પર મુકવામાં આવેલા આક્ષેપો બાદથી વિવાદનો દોર ચાલી રહ્યો છે. વિવાદો વચ્ચે હવે જજ બીએચ લોયાના શંકાસ્પદ સંજોગોમાં મોતનો મામલો સુપ્રીમ કોર્ટની બીજી બેંચ પાસે પહોંચી શકે છે. મંગળવારના દિવસે આ મામલાની સુનાવણી કરી રહેલા જસ્ટિસ અરુણ મિશ્રાએ આ અંગેના સંકેત આપ્યા હતા. જસ્ટિસ મિશ્રા અને જસ્ટિસ મોહન એમ સાંતના ગોદારની બેંચે મંગળવારના દિવસે સુનાવણી દરમિયાન કહ્યું હતું કે, તમામ દસ્તાવેજ આગામી સાત દિવસની અંદર ઓનરેકોર્ડ મુકી દેવામાં આવશે. જો આ દસ્તાવેજોમાં કોઇ યોગ્ય બાબત દેખાશે તો તેમની પ્રતિ અરજીદારોને પણ સોંપવામાં આવશે અને ત્યારબાદ યોગ્ય બેંચ સમક્ષ રજૂ કરવામાં આવશે. જજના આ નિવેદનથી હવે એવી શંકા દેખાઈ રહી છે કે, હવે આ કેસ અન્ય કોઇ બેંચની પાસે પહોંચી શકે છે. ગયા શુક્રવારના દિવસે સુપ્રીમ કોર્ટના ચાર સૌથી વરિષ્ઠ જજ દ્વારા પત્રકાર પરિષદ યોજીને ગંભીરપ્રકારના આક્ષેપો કરવામાં આવ્યા હતા અને આ મામલે પણ શંકા ઉઠાવવામાં આવી હતી. જજ અરુણ મિશ્રા અને સાંતના ગોદારનું આ વલણ સપાટી ઉપર આવ્યાના એક દિવસ પહેલા જ જસ્ટિસ મિશ્રા સુપ્રીમ કોર્ટની નિયમિત દરરોજ થનારી મિટિંગમાં ભાવનાશીલ બની ગયા હતા. શુક્રવારના દિવસે ચીફ જસ્ટિસ બાદ સુપ્રીમ કોર્ટના ચાર વરિષ્ઠ જજ જસ્ટિસ ચેલેમેશ્વર, જસ્ટિલ મદન લાકુર, જસ્ટિસ કુરિયન જોસેફ અને જસ્ટિસ રંજન ગોગોઇ મિડિયા સમક્ષ ઉપસ્થિત થયા હતા અને સુપ્રીમ કોર્ટમાં તમામ બાબતો યોગ્યરીતે ચાલી રહી નથી તેવી વાત કરી હતી. તેમણે એમ પણ કહ્યું હતું કે, જજોને કેસની ફાળવણી યોગ્યરીતે કરવામાં આવી રહી નથી.

(8:22 pm IST)