Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

GSTનો લાભ ગ્રાહકોને પસાર નહીં કરવાના આરોપસર હિન્દુસ્તાન યુનિલીવરને નોટિસ

૧૫ દિવસમાં કંપનીએ જવાબ આપવાનો છેઃ કંપની કહે છે એ કમિટેડ છે

નવી દિલ્હી તા.૧૭: GSTના અમલ બાદ ભાવઘટાડાનો લાભ ગ્રાહકોને પસાર ન કરવાના આરોપસર ફાસ્ટ મૂવિંગ કન્ઝયુમર ગુડ્સ (FMCG)ની  સૌથી અગ્રણી કંપની હિન્દુસ્તાન યુનિલીવર લિમિટેડ (HUL)ને સરકારે નોટિસ પાઠવી છે. નાણાખાતાના એક ઇન્વેસ્ટિગેટિવ ડિપાર્ટમેન્ટના ડિરેકટર જનરલ ઓફ સેફગાડ્ર્સ (DGS)એ આ નોટિસ ઇશ્યુ કરી છે. કંપની પર આક્ષેપ છે કે એણે GSTના અમલ બાદ એની પ્રોડકટસના ભાવઘટાડાના લાભ ગ્રાહકોને પસાર કર્યા નથી.

આવી છઠ્ઠી નોટિસ

DGS દ્વારા ઇશ્યુ કરાયેલી આ છઠ્ઠી નોટિસ છે જે એવી કંપનીઓને ઇશ્યુ થઇ છે જેમણે GSTના અમલ બાદ એના ભાવઘટાડાનો બેનિફિટ ગ્રાહકોને પાસ કર્યો નહી હોવાનો આરોપ છે. સ્ટેન્ડિંગ કમિટીએ આ મામલો DGSને રિફર કર્યો હતો જેમાં HUL ને પુછાયું છે કે ગ્રાહકોને GSTનો લાભ પસાર કર્યો છે કે નહીં?

આ સંબંધે HUL દ્વારા એવું નિવેદન અપાયું છે કે અમને આ નોટિસ ૧૬ જાન્યુઆરીએ મળી છે અને કંપની એનો અભ્યાસ કરી રહી છે. કંપની GSTના અમલ પ્રત્યે અને એના લાભ ગ્રાહકોને પહોંચતા કરવાની બાબતમાં કમિટેડ છે. કંપની એના વેપારવર્ગ સાથે આ વિષયમાં વાત કરી રહી છે.

તપાસમાં શું કરાય છે?

DGS આવા કિસ્સામાં કંપની પાસેથી એની બેલેન્સશીટ, નફા-નુકસાન ખાતું અને GST રિટર્ન્સની કોપી, એની પ્રોડકટસનું GST પહેલાનું અને બાદનું પ્રાઇસ-લિસ્ટ મગાવીને ચકાસે છે. આ નોટિસનો પ્રતિભાવ આપવા કંપનીને ૧૫ દિવસનો સમય અપાયો છે. DGS એની તપાસ બાદ એનો અહેવાલ એન્ટિ પ્રોફિટિયરિંગ ઓથોરિટીને મોકલે છે જે એની ગંભીરતાને આધારે કંપની સામે દંડ યા રજિસ્ટ્રેશન રદ કરવા જેવી એકશન લઇ શકે છે.

(12:36 pm IST)