Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

શિવરાજસિંહ ચૌહાણે પોતાના સુરક્ષાકર્મીને મારી થપ્પડ, વીડિયો વાઇરલ

સરકારી કર્મચારી પર હાથ ઉઠાવવાનો ગુનો

ભોપાલ તા. ૧૭ : મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવારજ સિંહ ચૌહાણે પોતાના સુરક્ષાકર્મીને કથિત રીતે થપ્પડ મારી ધક્કો માર્યો હોવાની ઘટના ચર્ચામાં છે. આ ઘટના રવિવારની છે. શિવરાજ નગર પાલિકાની ચૂંટણીના પ્રચાર માટે સરદારપુરા ગયા હતા. ત્યાં તેમણે રોડ શો પણ કર્યો. આ સમયે અચાનક શિવરાજે પોતાના એક સુરક્ષાકર્મીને થપ્પડ મારી અને ધક્કો મારી એક તરફ કરી દીધો હતો.

 

મુખ્યમંત્રી દ્વારા સુરક્ષા કર્મીને થપ્પડ મારાવાનો વીડિયો હાલ વાઈરલ થયો છે જેના કારણે આ ઘટના રાજકારણમાં ચર્ચાનો વિષય બન્યો છે. મધ્યપ્રદેશ કોંગ્રેસના મુખ્ય પ્રવકતા કે કે મિશ્રાએ મુખ્યમંત્રી સામે કલમ ૩૩૨ અને ૩૫૩ મુજબ કેસ દાખલ કરવાની માંગણી કરી છે.

કે કે મિશ્રાનું કહેવું છે કે મુખ્યમંત્રીએ પોતાની ડ્યુટી કરી રહેલા એક સરકારી કર્મચારી પર હાથ ઉઠાવ્યો છે. આ કાનૂનીય અપરાધ છે. તેમની સામે કાર્યવાહી થવી જોઈએ. તેમણે કહ્યું કે બે દિવસ પહેલા ઈન્દોરની એક અદાલતે ૧૨ વર્ષ જુના કેસમાં એક વ્યકિતને બે વર્ષની સજા આપી છે. સાથે દંડ પણ ફટકાર્યો છે. તે વ્યકિતએ ૧૨ વર્ષ પહેલા ફરજ પર હાજર એક પોલીસ સબ ઈન્સ્પેકટરને થપ્પડ મારી હતી.

તેમણે વધુમાં કહ્યું કે કાયદાની નજરમાં તમામ વ્યકિત સમાન છે તો પછી મુખ્યમંત્રી સામે કેસ દાખલ થવો જોઈએ. પોલીસને તેના માટે કોઈ પણ પ્રકારના પ્રમાણની જરૂર નથી. આ ઘટનાનો વીડિયો દરેક જગ્યાએ છે. તમણે પ્રદેશના પોલીસ મહાનિર્દેશક ઋષિ કુમાર શુકલાને કહ્યું કે મુખ્યમંત્રી સામે તત્કાલ કેસ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.

આ ઘટનામાં જયારે મુખ્યમંત્રીનો પક્ષ જાણવા માટે મુખ્યમંત્રી નિવાસ પર સંપર્ક કરવામાં આવ્યો તો ત્યાં હાજર અધિકારીઓએ જણાવ્યું કે મુખ્યમંત્રી નિવાસસ્થાન પર છે પરંતુ આ મુદ્દે કોઈ પ્રતિક્રિયા નહીં આપે.

(11:47 am IST)