Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

બેહાલ શિક્ષણઃ ૧૪થી ૧૬ વર્ષના ૩૬ ટકા બાળકોને પાટનગરનું નામ ખબર નથી

દેશમાં શિક્ષણનું સ્તર કેટલુ કથળ્યું છે તેનો સનસનાટીભર્યો પર્દાફાશ આ રિપોર્ટમાં કરવામાં આવ્યોઃ ૪૦ ટકા બાળકો કલાક અને મિનિટ ગણી ન શકયાઃ ૫૦ ટકા યુવકોનો ધો. ૧૦થી ઓછો અભ્યાસ

નવી દિલ્હી તા. ૧૭ : વર્ષ ૨૦૧૭માં ગ્રામીણ ભારતમાં શિક્ષણની સ્થિતિનો ચિતાર દર્શાવતો એન્યુઅલ સ્ટેટસ ઓફ એજયુકેશન રિપોર્ટ (ASER) સરવે હાથ ધરવામાં આવ્યો હતો. જેનાં તારણો ચોંકાવનારા હતા. દેશમાં શિક્ષણનું સ્તર કેટલું કથળ્યું છે તેનો સનસનાટીભર્યો પર્દાફાશ આ રિપોર્ટમાં કરવામાં આવ્યો હતો. સરવેમાં જણાવ્યા મુજબ દેશનાં ૧૪થી ૧૬ વર્ષની વય જૂથનાં ૨૫ ટકા બાળકો તેમની પોતાની માતૃભાષા સડસડાટ વાંચી શકતા ન હતા. જયારે ૫૭ ટકા લોકોને ગણિતનો સામાન્ય દાખલો ગણવામાં મુશ્કેલી પડી હતી. ૧૪ ટકા બાળકો ભારતના નકશાને ઓળખી શકયા ન હતા અને ૩૬ ટકાને આપણા દેશની રાજધાની કઈ તેની ખબર ન હતી. ૨૧ ટકા બાળકો તેઓ કયા રાજયમાં રહે છે તે જણાવી શકયા ન હતા. આ તમામ બાબતો ગ્રામીણ ભારતમાં શિક્ષણ કેટલું ખાડે ગયું છે તેનો ચિતાર આપે છે. દેશનાં ૨૪ રાજયોનાં ૨૮ જિલ્લાઓમાં આ સરવે હાથ ધરાયો હતો.

દેશના મુખ્ય આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યમે કહ્યું હતું કે આ સરવે દેશમાં શિક્ષણની હાલત કેટલી હદે ખરાબ છે તેનું જીવંત ઉદાહરણ છે. હવે શું કરવું અને કેટલું કરવું તે આપણે સૌએ નક્કી કરવાનું છે. દેશનાં ૪૦ ટકા યુવાનો માટે તેઓ જે ક્ષેત્રમાં નોકરી કરતા હતા ત્યાં કોઈ રોલ મોડલ ન હોવાનું જણાયું હતું. છોકરાઓ અને છોકરીઓ બંનેમાં શિક્ષણનું સ્તર સાવ નીચે ઊતરી ગયું હતું. ખાસ કરીને ૧૪થી ૧૮ વર્ષની વય જૂથમાં સ્થિતિ વધુ ખરાબ હતી. જેને સુધારવાની ખાસ જરૂર પર તેમણે ભાર મૂકયો હતો. ૧૮ વર્ષની ઉંમરે ૩૨ ટકા યુવતીઓએ વધુ અભ્યાસ કરવાનું છોડી દીધું હતું જયારે ૨૮ ટકા પુરુષોએ અભ્યાસ છોડયો હતો.

રોજબરોજની સામાન્ય કામગીરીને આધારે સરવે કરાયો હતો જેમાં ભાગ લેનારાઓને પૈસા ગણવા, વજન અને માપની જાણકારી તેમજ સમય જાણવાના સામાન્ય પ્રશ્નો પુછાયા હતા. ૨૫ ટકા બાળકો પૈસા બરાબર ગણી શકયા ન હતા જયારે ૪૪ ટકા બાળકો કિલોગ્રામમાં અન્ય વજન બરાબર ઉમેરી શકયા ન હતા. ૪૦ ટકા બાળકો કલાક અને મિનિટની બરાબર ગણતરી કરી શકયા ન હતા.

ASER દ્વારા રિપોર્ટ તૈયાર કરવા માટે ૩૫ સહયોગી સંસ્થાઓનાં ૨,૦૦૦ સ્વયંસેવકોએ ૧,૬૪૧ ગામોમાં ૨૫,૦૦૦થી વધુ ઘરની મુલાકાત લીધી હતી અને ૧૪થી ૧૮ વર્ષની વય જૂથના ૩૦,૦૦૦થી વધુ યુવકોનો સરવે કરાયો હતો. આ ગ્રૂપના ૮૬ ટકા બાળકોએ સ્કૂલ કે કોલેજનો સામાન્ય અભ્યાસ જ કર્યો હતો. તમામ વય જૂથના ૫૦ ટકા વિદ્યાર્થીઓએ ધોરણ ૧૦ કે તેથી ઓછો અભ્યાસ કર્યો હતો.

૧૪ વર્ષની વયના ૫૩ ટકા લોકો જ અંગ્રેજી વાકયો વાંચી શકતા હતા. જયારે ૧૮ વર્ષનાં ૬૦ ટકા અંગ્રેજી વાંચી શકતા હતા. આમાંથી ૭૯ ટકાએ અંગ્રેજીનો સાચો ગુજરાતી અર્થ સમજાવ્યો હતો.

- ૧૪થી ૧૮ વર્ષના ૭૩ ટકા બાળકો મોબાઈલ ફોનનો ઉપયોગ કરતા હતા.

- ૧૨ ટકા પુરુષોએ અને ૨૨ ટકા કિશોરીઓએ કયારેય મોબાઈલનો ઉપયોગ કર્યો ન હતો.

- ૨૮ ટકાએ ઈન્ટરનેટનો અને ૨૬ ટકાએ કોમ્પ્યૂટરનો ઉપયોગ કર્યો હતો.

- ૫૯ ટકાએ કયારેય કોમ્પ્યૂટરનો અને ૬૪ ટકાએ ઈન્ટરનેટનો ઉપયોગ કર્યો ન હતો.(૨૧.૧૦)

(12:59 pm IST)