Gujarati News

Gujarati News

News of Tuesday, 16th January 2018

નેતાન્યાહૂ તાજમહેલના દિદાર કરીને પ્રભાવિત : સઘન સુરક્ષા

યોગી આદિત્યનાથ પણ નેતાન્યાહૂની સાથે રહ્યા : આગરા દર્શન કરીને નેતાન્યાહૂ દિલ્હી પરત : અમદાવાદ પહોંચવાની તૈયારી : રિવરફ્રન્ટ તેમજ ગાંધી આશ્રમ જશે

નવી દિલ્હી, તા.૧૬ : ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામીન નેતાન્યાહૂ આજે તાજ શહેર આગરા પહોંચ્યા હતા. પ્રેમના પ્રતિક સમાન બની ગયેલા તાજમહેલને નિહાળવા માટે બેન્જામીન નેતાન્યાહૂ તેમના પત્નિ સાથે પહોંચ્યા હતા. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ તેમની સાથે રહ્યા હતા. દુનિયાના સાત અજુબામાં સામેલ તાજમહેલના દિદાર કરીને નેતાન્યાહૂ ભારે પ્રભાવિત થયા હતા. તેમની યાત્રાને ધ્યાનમાં લઇને આગરામાં મજબૂત સુરક્ષા વ્યવસ્થા ગોઠવામાં આવી હતી. યોગીએ નેતાન્યાહૂ અને તેમના પત્નિનું ભવ્ય સ્વાગત કર્યું હતું. તેમને તાજમહેલની અંદર લઇ ગયા હતા અને ફોટો વાતચીત કરતા નજરે પડ્યા હતા. બંને વીઆઈપીના સત્તાવાર કાર્યક્રમ જાહેર થઇ ગયા બાદથી આની તૈયારીઓ ચાલી રહી હતી. નેતાન્યાહૂ રવિવારના દિવસે દિલ્હી પહોંચ્યા હતા. અત્રે નોંધનીય છે કે, છ દિવસના ભારત પ્રવાસે રવિવારે પહોંચેલા ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામીન નેતાન્યાહૂ અને ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઇકાલે હૈદરાબાદ હાઉસમાં ઐતિહાસિક શિખર બેઠક યોજી હતી ત્યારબાદ સંયુક્ત પત્રકાર પરિષદ પણ યોજી હતી. બંને દેશો વચ્ચે નવ સમજૂતિ ઉપર હસ્તાકષર કરવામાં આવ્યા છે. આ પહેલા નેતાન્યાહૂ ગઇકાલે રાષ્ટ્રપિતાની સમાધી ઉપર શ્રદ્ધાંજલિ આપવા માટે પહોંચ્યા હતા. રાષ્ટ્રપતિ ભવનમાં તેમને ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્યું હતું. તેઓએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની સમાધિ પર જઇને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. બંને દેશો વચ્ચે અનેક મહત્વપૂર્ણ સમજૂતિ ઉપર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. સાયબર સુરક્ષાને લઇને ભારત અને ઇઝરાયેલ વચ્ચે સહમતિ સધાઈ હતી. ફિલ્મ નિર્માણ, પેટ્રોલિયમથી લઇને ઇન્વેસ્ટમેન્ટ ઇન્ડિયા ઇન્વેસ્ટ ઇઝરાયેલને લને બંને દેશો વચ્ચે સમજૂતિ થઇ હતી. શૌર ઉર્જાના ક્ષેત્રમાં પણ બંને દેશો વચ્ચે સમજૂતિ થઇ છે. બંને નેતાઓએ એકબીજાની પ્રશંસા પણ કરી હતી. બંને નેતાઓએ આશા વ્યક્ત કરી હતી કે, બંને દેશ એકબીજાની પ્રગતિ અને બંને દેશોની પ્રજા માટે મળીને કામ કરશે. આગરામાં તાજમહેલ નિહાળ્યા બાદ નેતાન્યાહૂ અમદાવાદ પણ આવનાર છે. અમદાવાદમાં નેતાન્યાહૂ અને તેમના પત્નિ સારા વડાપ્રધાન સાથે આઠ કિલોમીટરનો રોડ શો કરશે. રિવરફ્રન્ટ અને ગાંધી આશ્રમ પણ જશે.

 

(7:37 pm IST)