Gujarati News

Gujarati News

News of Tuesday, 16th January 2018

હજયાત્રીઓ માટે સબસિડીને ખતમ કરવાનો આખરે નિર્ણય

મોદી સરકારના નિર્ણયથી ૧.૭૫ લાખ હજયાત્રીઓને અસર થશે : હજ સબસિડીના ફંડનો મુસ્લિમ યુવતીઓ અને મહિલાઓના શિક્ષણ ઉપર ખર્ચ કરવામાં આવશે : કેન્દ્રીય લઘુમતિ બાબતોના પ્રધાન નકવીની જાહેહાત

નવી દિલ્હી,તા. ૧૬ : હજયાત્રા પર જનાર લોકોને આ વર્ષથી કોઇપણ પ્રકારની રાહત આપવામાં આવશે નહીં. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકારે આખરે લાંબા ગાળાથી કરવામાં આવી રહેલી માંગને ધ્યાનમાં લઇને આ નિર્ણય કરવામાં આવ્યો છે. લઘુમતિ બાબતોના મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ આજે આ મુજબની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, હજયાત્રા પર આપવામાં આવતી રાહત આ વર્ષથી ખતમ કરી દેવામાં આવી છે. એટલે કે હવે સબસિડી ચુકવવામાં આવશે નહીં. સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે, આ નિર્ણય લઘુમતિ સમુદાયના લોકોને ખુશ કર્યા વગર તેમને સશક્ત બનાવવાના ઇરાદાથી લેવામાં આવ્યો છે. તેમને વધુ મજબૂતી સાથે આગળ વધવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારના આ નિર્ણયથી ૧.૭૫ લાખ હજયાત્રીઓને અસર થશે. અત્રે નોંધનીય છે કે, વર્ષ ૨૦૧૨માં સુપ્રીમ કોર્ટે એક ઐતિહાસિક નિર્ણય આપતા હજ સબસિડીને ધીમે ધીમે ૨૦૨૨ સુધી ખતમ કરવા માટે કહ્યું હતું. ત્યારબાદથી હજ સબસિડી પરત લેવાને લઇને નીતિ તૈયાર કરવામાં આવી રહી હતી. ખર્ચ વધી ગયા બાદ સરકાર હવે હવાઈ માર્ગની સાથે સાથે દરિયાઈ માર્ગે પણ હજયાત્રા શરૂ કરવાની યોજના ધરાવે છે.

દરિયાઈ માર્ગ મારફતે હજયાત્રા ૧૯૯૫ સુધી જારી હતી પરંતુ ત્યારબાદ આને બંધ કરવામાં આવી હતી. મુખ્તાર અબ્બાસ નકવીએ આજે કહ્યું હતું કે, હજ  સબસિડીના ફંડને મુસ્લિમ યુવતીઓ અને મહિલાઓને શિક્ષણ ઉપલબ્ધ કરાવવા ઉપર ખર્ચ કરવામાં આવશે. તેમણે ઉમેર્યું હતું કે, સબસિડીનો લાભ એજન્ટો ઉઠાવી રહ્યા હતા જેથી હજ સબસિડી બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ગરીબ મુસ્લિમો માટે અલગથી વ્યવસ્થા કરવામાં આવશે. સરકાર આ નિર્ણયથી હજયાત્રા કરનાર કોન્ટ્રાક્ટરોની પ્રક્રિયાને પણ પારદર્શક બનાવવા ઇચ્છુક છે. એમ કહેવામાં આવે છે કે, ૨૦૧૮માં હજુ સુધીના ઇતિહાસમાં સૌથી વધુ યાત્રી હજયાત્રા કરનાર છે. હકીકતમાં તાજેતરના વર્ષોમાં સઉદી અરેબિયા દ્વારા પણ ભારતને કેટલીક રાહતો આપવામાં આળી છે. સાઉદી અરબે હાલમાં જ ભારતીય યાત્રીઓ માટે ક્વોટાના ૫૦૦૦ વધુ વધારી દીધો હતો. હવે કુલ ૧.૭૫ લાખ ભારતીય નાગરિક હજયાત્રા પર જઇ શકે છે. ખાસ બાબત એ છે કે, ભારતમાંથી આશરે ૧૩૦૦ મહિલાઓ આ વખતે મહેરમ વગર અથવા તો (પરિવારના કોઇપણ પુરુષ જેની સાથે લગ્ન શક્ય નથી) હજયાત્રા પર જઇ શકશે. ખાસ બાબત એ છે કે, ભારતમાંથી આશરે ૧૩૦૦ મહિલાઓ પહેલાથી જ અરજીઓ કરી ચુકી છે. રિયાદે આ મામલામાં હાલમાં જ નિયમોમાં રાહત આપી હતી. ૪૫ વર્ષથી વધુ વયની મહિલાઓમાં જો ચાર મહિલાઓ એક સાથે રહે તો તેમને પણ યાત્રાની મંજુરી આપવામાં આવી રહી છે. કેન્દ્ર સરકારે ૨૦૨૨ સુધી તબક્કાવારરીતે સબસિડીને પરત ખેંચવાનો સંકેત અગાઉ આપ્યો હતો. સરકાર હવે શ્રદ્ધાળુઓ માટે  દરિયાઈ માર્ગ મારફતે પણ હજયાત્રા શરૂ કરવાની ઇચ્છા ધરાવે છે. હવે હજ માટે કુલ ૧.૭૫ લાખ ભારતીય નાગરિકો જઇ શકે છે. નિર્ણયને ખુબ મહત્વપૂર્ણ ગણવામાં આવે છે.

 

(7:35 pm IST)