Gujarati News

Gujarati News

News of Tuesday, 16th January 2018

સ્ત્રી - પુરૂષ પોતાની મરજીથી લગ્ન કરી શકે છેઃ ખાપ પંચાયત ચંચૂપાત કરી ન શકેઃ સુપ્રિમ કોર્ટ

વયસ્ક મહિલા અથવા પુરૂષ પોતાની ઇચ્છાથી કોઇ પણ વ્યકિત સાથે લગ્ન કરી શકે છે :સુપ્રિમ કોર્ટે ખાપોને ગણાવી ગેરકાનૂનીઃ લગ્ન રોકનાર આ લોકો કોણ? ઉઠાવ્યો પ્રશ્ન

નવી દિલ્હી તા. ૧૬ : સુપ્રીમ કોર્ટ ખાપ પંચાયતો અને એવા અન્ય સંગઠનો જે આંતરજ્ઞાતિ લગ્ન વિરૂધ્ધ કોઇ પણ પ્રકારની કાર્યવાહી કરે છે તેને અયોગ્ય ગણાવ્યું. ખાપ પંચાયતો પર સખ્ત કાર્યવાહી નહી કરવા માટે કોર્ટે કેન્દ્ર સરકારને કડક શબ્દોમાં ચેતવણી આપી. કોર્ટે સ્પષ્ટ કર્યું કે જો કેન્દ્ર સરકાર ખાપ પંચાયતો પર પ્રતિબંધ લગાવામાં સક્ષમ નથી તો કોર્ટે જ પગલા ભરવા પડશે.

સુપ્રીમ કોર્ટની ત્રણ જજોની બેંચે પ્રેમવિવાહ કરતા યુવા જોડીઓ પર ખાપ પંચાયતના હુમલા નહી રોકવા પર નારાજગી વ્યકત કરી. ચીફ જસ્ટિસ દિપક મિશ્રાની સાથે જસ્ટિસ એ.એમ.ખાનવિલકર અને જસ્ટિસ ડી.વાઇ.ચંદ્રચુડની બેંચે આ મામલે કેન્દ્ર સરકારના વલણ પર સવાલ ઉઠાવ્યા.

કોર્ટે કટાક્ષ કરીને કહ્યું કે, જો ખાપ પંચાયતોને પ્રતિબંધિત કરવામાં કેન્દ્ર સરકાર અસફળ રહી તો અમારે જ આ દિશામાં પગલા ભરવા પડશે. કોર્ટે એ પણ કહ્યું કે, વયસ્ક યુગલો પોતાની મરજીથી લગ્ન કરી શકે છે. તેના પર કોઇ ખાપ પંચાયત અથવા કોઇ સંઘને સમસ્યા પેદા કરવાનો કોઇ અધિકાર નથી.

ઉલ્લેખનીય છે કે, હરિયાણા અને પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં ખાપ પંચાયતો દ્વારા આંતરજ્ઞાતિ લગ્ન કરતા યુવાઓને સજા કરવાના અનેક કેસો સામે આવ્યા છે.

(6:05 pm IST)