Gujarati News

Gujarati News

News of Tuesday, 16th January 2018

મેરેથોન સર્જરીઃ પગની આંગળીને બનાવી દિધો હાથનો અંગૂઠો

ભારતીય ડોકટર્સની કમાલઃ આઠ કલાક ચાલી સર્જરીઃ સર્જરી માટે બે અલગ અલગ ટીમ : નર્વ અને નસને ફરીથી શરીરના તંત્ર સાથે જોડાઇઃ આગામી એક મહિનામાં અંગૂઠો કામ કરતો થઇ જશે

નવી દિલ્હી તા. ૧૬ : સામાન્ય રીતે શરીરનું જે અંગે જે કામ માટે બન્યું છે તે જ કામ તે કરે છે. તેનાથી બીજું કામ કરાવી શકાતું નથી. તેમ પગના આંગળા હાથના આંગળાનું કામ કરી શકે નહીં. પરંતુ આ ડોકટર્સે આ કમાલ કરી દેખાડી છે.

આઠ કલાક લાંબી સર્જરી બાદ દિલ્હીના RML હોસ્પિટલના ડોકટર્સની ટીમને આ અશકય સર્જરી પાર પાડવામાં સફળતા મળી છે. તેમણે પગની બીજી આંગળીને હાથના અંગૂઠાની જગ્યાએ લગાવી આપી છે. ડોકટર્સનું કહેવું છે કે અંગૂઠા વગર હાથ પૂર્ણરુપે કામ કરી શકતો નથી. તેનું ૪૦% અંગૂઠા વગર શકય નથી માટે અમે આ યુવકને અંગૂઠો આપવાનું નક્કી કર્યું હતું.

RML હોસ્પિટલના બર્ન એન્ડ પ્લાસ્ટિક ડિપાર્ટમેન્ટના ડો. સમીક ભટ્ટાચાર્યે કહ્યું કે, 'બર્ન ઇન્જરીના કારણે યુવકનો જમણો હાથ સંપૂર્ણપણે નકામો થઈ ગયો હતો. મેડિકલ તપાસમાં સામે આવ્યું કે તેના અંગૂઠાના જોઇન્ટ જ બચ્યા નથી તેથી હવે તે અંગૂઠાનો ઉપયોગ કરી શકશે નહીં. તેથી અમે પગની બીજી આંગળીને અહીં પ્રત્યારોપિત કરવાનો વિચાર કર્યો. જેના માટે ૮ ડોકટર્સની બે અલગ અલગ ટીમ બનાવાઈ હતી.'

ડોકટર્સે પગની આંગળીને કાપીને અંગૂઠાના સ્થાને ફીટ કરવા માટે તેની બે ટેંડન, આર્ટરી અને વેનને પણ કાઢીને પ્રત્યારોપિત કરવામાં આવી. સમગ્ર સર્જરી માઇક્રોસ્કોપિક સર્જરી હતી. અંગૂઠાની જગ્યાએ ફીટ કરવામાં આવેલ આંગળીની લોહી લઈ જતી નસો અને નર્વ સિસ્ટમની નસોને એક બીજા સાથે જોડવામાં આવી અને હાડકાને પણ અંગૂઠાના હાડકા સાથે પ્લેટ અને સ્ક્રૂથી જોડવામાં આવ્યો.

ડોકટર્સનું કહેવું છે કે લોહી લઈ જતી નસોએ પોતાનું કામ કરવાનું શરુ કરી દીધું છે. પરંતુ દર્દીના હાથમાં સેન્સેશન શરુ થવામાં હજુ થોડો સમય લાગી શકે છે. કેમ કે નર્વ સિસ્ટમ સાથે તેની આંગળીની નર્વને ફરીથી જોડવાથી ચેતાતંતૂઓમાં ગ્રોથને આવતા હજુ એક મહિના જેવો સમય લાગશે.

જેમના પર આ ઓપરેશન થયું તે યુવક યૂપીના હાથરસનો નિવાસી છે. ગત ૨૫ ઓગસ્ટ ૨૦૧૬માં જન્માષ્ટમીના ઉત્સવમાં ફટાકડા ફોડતા તેનો હાથ ઇજાગ્રસ્ત થઈ ગયો હતો. પોતાનો ઇલાજ થવાથી યુવકે ખુશી વ્યકત કરી હતી.

(3:56 pm IST)