Gujarati News

Gujarati News

News of Tuesday, 16th January 2018

બજેટમાં નાના કરદાતાને રાહત મળે તેવી શક્યતા

મોદી સરકારના અંતિમ પૂર્ણ બજેટને લઇને આશા : કોર્પોરેટ ટેક્સ, પર્સનલ ટેક્સ પર તમામની નજર કેન્દ્રિત

નવી દિલ્હી, તા.૧૬ : નરેન્દ્ર મોદી સરકાર વર્તમાન અવધિના તેના અંતિમ સંપૂર્ણ બજેટને લઇને તૈયારીમાં વ્યસ્ત છે. ત્યારે જુદા જુદા વર્ગ અને ઉદ્યોગ દ્વારા તેમના માટે બજેટમાં શુ રહેશે તેની ગણતરી કરી રહ્યા છે. નોટબંધી અને જીએસટી બાદ સરકાર હવે કેવુ બજેટ રજૂ કરે છે તે બાબત પર તમામની નજર રહેશે. સરકારનુ ધ્યાન કોર્પોરેટ ટેક્સ અને પર્સનલ ઇનકમ ટેક્સ પર કેન્દ્રિત રહેશે. સરકાર નોટબંધી અને જીએસટી  બાદ મંદીમાં રહેલા અર્થતંત્રમાં નવા પ્રાણ ફુકવા માટે કેટલાક પગલા જાહેર કરી શકે છે. સરકાર અર્થતંત્રને ગ્રોથના રસ્તા પર લાવવા માટે સજ્જ છે. નાણાં પ્રધાન અરૂણ જેટલી પહેલી ફેબ્રુઆરીના દિવસે સામાન્ય બજેટ રજૂ કરનાર છે. આ વખતે નવી પરંપરા શરૂ કરવામા આવી રહી છે.  જેટલી કહી ચુક્યા છે કે મોદી સરકાર કોર્પોરેટ ટેક્સને ઘટાડી દેવા ઇચ્છુક છે. નાના કરદાતાને કેટલીક રાહત આપવામાં આવી શકે છે. ડિવિડન્ટ ટેક્સ ફ્રેમવર્કમાં પણ કેટલાક ફેરફાર કરવામાં આવી શકે છે. સરકાર આ ટેક્સ માટે એવા લોકોને જવાબદાર બનાવવા માંગે છે જે લોકોને ઇનકમનો મોટો હિસ્સો આનાથી પ્રાપ્ત થાય છે. આ મામલે ચાલી રહેલી વાતચીતથી વાકેફ રહેલા સુત્રોએ કહ્યુ છે કે બજેટમાં મુખ્યરીતે ટેક્સ પર વધારે ધ્યાન રહેશે. ટેક્સ નિષ્ણાંતો કહે છે કે વધુને વધુ લોકોને કરવેરાની જાળ હેઠળ લાવવા માટેના પ્રયાસ થઇ રહ્યા છે. સરકાર આના માટે કઠોર પગલાની સાથે સાથે કેટલાક રાહતના પગલા પણ જાહેર કરી શકે છે. ઇવાયમાં નેશનલ ટેક્સ લીડર સુધીર કાપડિયાએ કહ્યુ છે કે કોર્પોરેટ અને પર્સનલ ટેક્સ રેટમાં ઘટાડો કરવામાં આવી શકે છે. ઇનકમ ડિસક્લોજરના નિયમોને વધારે કઠોર કરવામા ંઆવી શકે છે. લઘુતમ મુક્તિ મર્યાદાને વધારવામાં આવી શકે છે. મિડલેવલમાં ટેક્સ સ્લેબના રેટમાં ઘટાડો કરવામાં આવી શકે છે. ઇનકમ ટેક્સની ચુકવણી નિયમિતરીતે કરનાર લોકોને સીધો ફાયદો થઇ શકે છે. નોટબંધીના કારણે પગારદાર વર્ધને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. બિઝનેસ પર ખરાબ અસર થઇ રહી છે. જેના કારણે આ વર્ષે પગારમાં વધારો પણ ઓછો રહેનાર છે. સેલરી ક્લાસ લોકોને જોબ લોસની દહેશત પણ સતાવી રહી છે. પર્સનલ ઇનકમ ટેક્સ રેટમાં કોઇ ફેરફાર કરવામાં આવનાર નથી. પરંતુ ટેક્સ મુક્તિની મર્યાદાને વધારી દેવામાં આવી શકે છે.   વર્ષના બજેટ આડે ગણતરીના દિવસો રહ્યા છે ત્યારે નોટબંધીના કારણે સરકારની જાહેરાતો ઉપર તમામની નજર રહેશે.  સરકાર હજુ સુધી ટેક્સ સ્લેબને નવેસરથી રજુ કરવાના પાસા ઉપર વિચારી રહી છે. પહેલા પણ સરકાર કન્સ્ટ્રકશન સેકટરમાં રોજગારની તકો ઉભી કરવા, સીમેન્ટ, સ્ટીલ અને અન્ય કન્સ્ટ્રકશન સાથે જોડાયેલા મુદ્દાને લઈને રિયલ એસ્ટેટને પ્રોત્સાહન આપવા ઈચ્છુક છે. રૂપિયા ૫૦૦ અને ૧૦૦૦ની નોટ ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યા બાદ અને ત્યારબાદ વર્ષ ૨૦૧૭માં જીએસટી વ્યવસ્થા અમલી બન્યા બાદ આર્થિક મંદી પ્રવર્તી રહી છે. સામાન્ય લોકો ભારે પરેશાન થયા છે. જેના લીધે પગારદાર વર્ગ માટે કેટલીક ઉપયોગી જાહેરાત કરવામાં આવી શકે છે. હાલમાં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સાંકડા અંતરથી જીત મળ્યા બાદ મોદી સરકાર હાલમાં નારાજ રહેલા સમુદાય માટે ખાસ પગલા બજેટમાં જાહેર કરી શકે છે. કૃષિ  સમુદાય માટે વધુ નવી કોઇ પહેલ કરી શકે છે. જો કે તમામ મધ્યમ વર્ગની નજર તો ટેક્સ માળખા પર કેન્દ્રિત રહેશે. ગણતરી મુજબ ટેક્સમાં ૫૦ હજાર સુધીની વધુ રાહત આપવામાં આવી શકે છે. વધુ માંગ થઇ રહી છે પરંતુ આવકના અન્ય સાધનો પહેલા ઉભા કરવાની જરૂરીયાત પણ રહેલી છે.

 

(1:06 pm IST)